36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની ઈલાવેનિલનું “ગોલ્ડ” શૂટિંગઃ કર્ણાટક-પશ્ચિમ બંગાળને સિલ્વર અને બ્રોન્ઝ

36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની ઈલાવેનિલનું “ગોલ્ડ” શૂટિંગઃ કર્ણાટક-પશ્ચિમ બંગાળને સિલ્વર અને બ્રોન્ઝ

અમદાવાદઃ    અમદાવાદ ખાતે રમાઈ રહેલી 36 મી નેશનલ ગેમ્સમાં શુટિંગ સ્પર્ધામાં મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિયેશન ખાતે 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં  મહિલા વિભાગમાં 23 વર્ષિય ઇલાવેનિલ વાલારિવાનએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. 10 મીટર રેન્જની એર રાઇફલ સ્પર્ધાની ફાઈનલ સ્પર્ધા યોજાઇ હતી જેમાં તેણીએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેળવ્યો હતો.

આ પહેલા મહિલા ટીમના ક્વાલીફાઇગ રાઉંડમાં કુલ 16 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં કર્ણાટક, ઓરિસ્સા, હરિયાણા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ખેલાડીઓએ 8 ખેલાડીમાં પોતાનું સ્થાન મેળવી ફાઇનલ માટે કવોલીફાઇ કર્યુ હતુ. જેમાં કર્ણાટકની તિલ્લોત્તમાએ જુનિયર વર્લ્ડ રેકોર્ડ તોડી શૂટિંગની ક્વોલીફાઇ ઇવેંટમાં પ્રથમ હરોળમાં સ્થાન મેળવ્યું હતું.

આજે યોજાયેલ ફાઇનલમાં જીત માટે 8 ખેલાડીઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં પ્રથમ ત્રણ રાઉંડના અંતે 5 ખેલાડીઓ બચ્યા હતા. પ્રથમ સ્થાને પશ્ચિમ બંગાળ આગળ ચાલી રહ્યુ હતું તો ગુજરાત ત્રીજા ક્રમે હતું. ત્યારબાદ છેલ્લે કર્ણાટક, વેસ્ટબેંગાલ અને ગુજરાત વચ્ચે ટક્કર જામી હતી. અંતે ઈલાવેનિલ એ પોતાની સુઝબુઝ અને એકાગ્રચિત્તે શુટીંગમાં પોતાની કુનેહ બતાવી અન્ય બન્ને ખેલાડીને પાછળ રાખી ગોલ્ડ પોતાના અને ગુજરાતના નામે કર્યો.

આ જીત બાદ ઈલાવેનિલે કહ્યું કે, “હું મારા મિત્રોની સામે રમવા માટે ખરેખર ખૂબ જ ઉત્સાહિત હતી કારણ કે મેં અહીં ક્યારેય કોઈ મોટી ઇવેન્ટ રમી નથી. મારી માતા પણ મને પહેલીવાર અમદાવાદમાં ફાઈનલમાં જોઈ રહી હતી. હું ખૂબ જ ખુશ છું કે હું ગુજરાત માટે ગોલ્ડ મેળવ્યો છે. અંતમાં ઈલાવેનિલે કહ્યું કે તેમનું આગામી લક્ષ્ય વિશ્વ ચેમ્પિયનશીપ છે અને ત્યાં તેઓ તેમનો શ્રેષ્ઠ દેખાવ કરવા માંગે છે.

ફાઇનલ રાઉનડમાં બીજા ક્રમે કર્ણાટકની 14 વર્ષિય તિલોત્તમાએ સિલ્વર મેડલ અને પશ્વિમ બંગાળની મેહુલી ઘોષે બ્રોંઝ મેડલ જીત્યો હતો.

દેશ ગુજરાત