વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દેશમાં “5G યુગનો પ્રારંભ”

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દેશમાં “5G યુગનો પ્રારંભ”

  • — અમારી સરકાર ઈન્ટરનેટ ફૉર ઓલ લક્ષ્ય ઉપર કામ કરે છેઃ વડાપ્રધાન
  • — આજે ટેકનોલોજી સાચા અર્થમાં લોકશાહી થઈ ગઈ છે
  • — ટુજી કી નિયત અને 5-જી કી નિયત મેં યહી ફર્ક હૈ
  • — આગામી સમયમાં દેશ આ ટેકનોલોજીનું નેતૃત્વ કરશે

 નવી દિલ્હીઃ  હાલ નવરાત્રી ચાલી રહી છે, શક્તિ ઉપાસનાનું આ પર્વ છે, અને તે સાથે 21મી સદીની સૌથી મોટી શક્તિ અર્થાત 5-જી દ્વારા દેશને નવી ઊંચાઈએ લઈ જવાનો આજે જ પ્રારંભ થઈ રહ્યો છે તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશમાં 5-જી યુગનો પ્રારંભ કરતા કહ્યું હતું.

આ સેવાનો પ્રારંભ કરતા તેમણે કહ્યું કે, 5-જી અવસરોના અનંત આકાશની શરૂઆત છે. 21મી સદીના ભારતના વિકસતા સામર્થ્ય માટે વિશેષ દિવસ તેમ જણાવી તેમણે ઉમેર્યું કે 1 ઑક્ટોબર, 2022 ઈતિહાસમાં નોંધાશે.

ગૌરવભરી આ ક્ષણમાં ગ્રામ્ય સ્કૂલનાં બાળકો પણ આપણી સાથે સહભાગી છે, મજૂરો, ગરીબો પણ સામેલ છે. 2012માં હોલોગ્રામ દ્વારા ચૂંટણી પ્રચાર કરતો હતો, આજે એ ઘરે ઘરે ઉપલબ્ધ છે તેમ કહી વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશાનાં ગામોમાં દૂર સુધી 5-જી મારફત બાળકો ટેકનોલોજી દ્વારા નવી નવી બાબતો શીખી રહ્યા છે. આ રોમાંચિત કરનાર અનુભવ છે.

તેમણે કહ્યું કે, 5-જી એ ભારતના પ્રયાસનો એક વધુ સંદેશ છે અર્થાત નયા ભારત. ભારત ટેકનોલોજીનો માત્ર ગ્રાહક નહીં, પણ તેના વિકાસમાં, અમલમાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે તેમ પણ તેમણે આશા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે, ભવિષ્યની વાયરલેસ ટેકનોલોજી ડિઝાઈન કરવામાં ભારતની ભૂમિકા હશે. ટીજી, થ્રીજી, ફોર જી વખતે ભારત બીજા દેશો પર આધારિત હતો. પણ 5-જી ટેકનોલોજીમાં ભારત લીડ કરી રહ્યો  છે. હવે ભારત ગ્લોબલ સ્ટાન્ડર્ડ નક્કી કરે છે.

ભારતના યુવાનો માટે આજે 5-જી ઘણી મોટી તક લઈને આવ્યું છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે આ સાથે આગળ વધી રહેલો આપણો દેશ દુનિયા સાથે કદમ મિલાવીને ચાલે છે. ડિજિટલ ઈન્ડિયાની આ મોટી સફળતા. ડીજિટલ ઈન્ડિયા  દેશના વિકાસનું બહુ મોટું વિઝન છે. એ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડવી, જે લોકો માટે કામ કરે અને લોકોની સાથે જોડાઈને કામ કરે છે.

મોબાઈલ સેક્ટર સાથે જોડેયેલા આ વિઝન વિશે વિચારણા થતી હતી ત્યારે મેં કહ્યું હતું કે આપણો વિચાર ટુકડામાં નહીં, પણ હોલિસ્ટિક હોવો જોઈએ. આ સંદર્ભમાં તેમણે મોબાઈલ કંપનીઓને દેશના એમએસએમઈ ક્ષેત્રને જોડવા હાકલ કરી હતી.

અમે ચાર દિશમાં ફોકસ કર્યું- ડિવાઈસની કિંમત, ડિજિટલ કનેક્ટિવિટી, ડેટાની કિંમત અને ડિજિટલ ફર્સ્ટનો વિચાર. ડિવાઈની કિંમત તો જ ઓછી થાય જ્યારે આપણે આત્મનિર્ભર હોઈએ. ભૂતકાળમાં ઘણા લોકોએ મારી વાતની મજાક ઉડાવી હતી. 2014 સુધી આપણે મોબાઈલ ફોન આયાત કરતા હતા. અમે મોબાઈલ ઉત્પાદન વધાર્યું. ત્યારે બે ઉત્પાદન એકમ હતા, આઠ વર્ષ પછી હવે તેની સંખ્યા 200થી વધુ છે. અમે ભારતમાં મોબાઇલ ફોનના ઉત્પાદન વધારવા માટે ઈન્સેન્ટિવ, ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું જેનાં પરિણામ હકારાત્મક મળ્યું છે. દેશ આજે બીજા નંબરે મોબાઈલ ફોનનું ઉત્પાદન કરનાર બન્યો છે, આજે આપણે મોબાઈલ નિકાસ કરીએ છીએ તેમ વડાપ્રધાને ગૌરવભેર કહ્યું હતું. 2014માં શૂન્ય નિકાસથી શરૂ કરીને આજે હજારો કરોડના મોબાઈલ ફોન નિકાસ કરનાર દેશ બન્યા છીએ.

બીજું – ડિજિટલ કનેક્ટિવિટી. ખરી ક્ષમતા કનેક્ટિવિટી છે. 2014માં છ કરોડ બ્રોડબેન્ડ યુઝર હતા તે આજે વધીને 80 કરોડ યુઝર છે એ અમારા વિઝનનું પરિણામ છે. ઈન્ટરનેટ કનેક્શન 2014માં 25 કરોડ ઈન્ટનેટ કનેક્શન આજે 85 કરોડ ઈન્ટરનેટર કનેક્શન છે તેમ પણ તેમણે માહિતી આપી હતી અને જણાવ્યું કે, હાલ શહેરોમાં ઈન્ટરનેટ યુઝરની સંખ્યા કરતાં ગ્રામીણ ક્ષેત્રોમાં નેટ યુઝરની સંખ્યા વધી છે. 2014માં 100 થી ઓછી પંચાયત આજે એક લાખ 70 હજાર કરતાં વધુ પંચાયતોમાં ઇન્ટરનેટ.

ઘરે ઘરે વીજળી, હર ઘર જલની જેમ , ઉજ્વલા યોજના દ્વારા ગેસ સિલિન્ડર, બેંક ખાતાં જનધન એકાઉન્ટ દ્વારા જેમ અમે દેશના તમામ નાગરિકોની સેવાનું ધ્યાન રાખ્યું છે એવી જ રીતે અમારી સરકાર ઈન્ટરનેટ ફૉર ઓલ લક્ષ્ય ઉપર કામ કરે છે તેમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

તેમણે જણાવ્યું કે એક સમયે વિદ્વાનો, એલિટ ક્લાસના મુઠ્ઠીભર લોકો અને એથી આગળ વધીને સંસદમાં કેટલાક સાંસદો પણ ડિજિટલ ઈન્ડિયા યોજનાની મજાક ઉડાવતા હતા. તેમને શંકા હતી કે ગરીબો ડિજિટલનો અર્થ પણ નહીં સમજી શકે. પણ મને દેશના સામાન્ય માનવીની સમજ પર, તેના વિવેક પર, તેની જિજ્ઞાસા પર હંમેશાં વિશ્વાસ રહ્યો છે. ભારતનો ગરીબમાં ગરીબ માણસ પણ નવી ટેકનિક અપનાવવા તત્પર હોય છે.

આ સંદર્ભમાં વડાપ્રધાને પોતાનો ભૂતકાળનો એક અનુભવ શૅર કરતાં કહ્યું કે, ગુજરાતમાં હું મુખ્યપ્રધાન હતો ત્યારે એક વિસ્તારમાં ગયો નહોતો. એ ટ્રાયબલ, પછાત વિસ્તાર હતો. ત્યાં કોઈ મોટી યોજનાની શક્યતા નહોતી. એક વખત એક ચીલિંગ સેન્ટર બન્યું જેનું ઉદ્દઘાટન કરવા ગયો હતો. વિસ્તાર એવો હતો કે ત્યાં સભા પણ ન થઈ શકે એટલે ત્યાંથી ચાર કિમી દૂર સ્કૂલના મેદાનમાં સભા. હું જ્યારે ચીલિંગ સેન્ટરનું ઉદ્દઘાટન કરી રહ્યો હતો ત્યારે કેટલીક આદિવાસી બહેનો મોબાઈલથી ફોટો લઈ રહી હતી… મેં પૂછ્યું ફોટો લઈને શું કરશો તો તેમણે કહ્યું હતું ડાઉનલોડ કરીશું. આ ડાઉનલોડ શબ્દ તેમના મોંમાંથી નીકળવો એ એમની સમજ દર્શાવે છે.

સરકારે સિટિઝન સેન્ટ્રીક સર્વિસ એપ દ્વારા સુવિધા આપી. તેનું પરિણામ આજે જોઈ શકાય છે. આજે ટેકનોલોજી સાચા અર્થમાં લોકશાહી થઈ ગઈ છે. આ જ કારણે કોરોના વખતે વિકસિત દેશો મુશ્કેલીમાં હતા, પણ ભારત એક ક્લિક દ્વારા નાગરિકોના ખાતાંમાં નાણા ટ્રાન્સફર કરી રહ્યું હતું, આપણાં બાળકો ઑનલાઇન ક્લાસમાં ભણતા હતા, ડૉક્ટરો ટેલિમેડિસન દ્વારા સારવાર કરતા હતા, ઑફિસો બંધ હતી પણ વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું. ડિજિટલ ઈન્ડિયાએ દરેકને તક આપી છે, બજાર આપ્યું છે. સુવિધા સુલભ હોય તો વિચાર કેટલો શક્તિશાળી બને છે એ આ બાબત બતાવે છે. સરકાર જો સાચી નિયતથી કામ કરે તો નાગરિકોની નિયત બદલામાં વાર નથી લાગતી. ટુજી કી નિયત અને 5-જી કી નિયત મેં યહી ફર્ક હૈ તેવો તેમણે ટુજી કૌભાંડના સંદર્ભમાં કટાક્ષ પણ કર્યો હતો.

ભારત એવા કેટલાક દેશોમાં છે જ્યાં ડેટા આટલો સસ્તો છે. 300 રૂપિયાથી ઘટીને આજે એક જીબી ડેટા 10 રૂપિયામાં પડે છે. મહિને એક વ્યક્તિ 14 જીબી ડેટા ઉપયોગ કરે છે. 2014માં 14 ડેટાની કિંમત 4200 પ્રતિમાસ ચૂકવવા પડતા,  આજે એ ડેટા 125-150 રૂપિયામાં મળી જાય છે. આમ આજે સરેરાશ 4000 રૂપિયા બચે છે. મેં દેશના લોકોની સુવિધા, ઈઝ ઓફ લિવિંગ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ભારત પહેલી ત્રણ ઔદ્યોગિક ક્રાંતિનો લાભ ન ઉઠાવી શક્યું, પણ ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો લાભ ઉઠાવશે એટલું જ નહીં નેતૃત્વ કરશે તેમ તેમણે મક્કમપણે જણાવ્યું હતું.

આ ડેકેડ નહીં, સદી છે, એવું નિષ્ણાતો કહે છે તેમ જણાવી નરેન્દ્રભાઈએ કહ્યું કે, અમે જે સ્વપ્ન જોઈએ છીએ તેનો અમલ આપણે પોતે જ જોઈશું.

થોડા સપ્તાહ પહેલાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. તેથી આ તક છે આપણા યુવાનો દુનિયાનું ધ્યાન ખેંચનાર 5-જી ટેકનોલોજીનો ઈનોવેશન કરે, ઉદ્યોગપતિઓ વિસ્તાર કરી શકે. આજનો આ ઐતિહાસિક અવસર દરેક ભારતીય માટે નવી પ્રેરણા બનશે.

વડાપ્રધાને આ પ્રસંગે આયોજિત પ્રદર્શન અંગે જણાવ્યું કે, જે પ્રદર્શન છે એ જોવા હું સરકારના દરેક વિભાગોને કહીશ જેથી નાગરિકોની સુવિધા માટે કોઈ ટેકનોલોજી ઉકેલ અહીંથી મળી શકે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને આગ્રહ છે તમે આવો અને જૂઓ, સમજો, અને વિકાસ કરો.

વડાપ્રધાને ટેલિકોમ ક્ષેત્રના અગ્રણીઓને દેશના દરેક જિલ્લા વડામથકે 5-જીના ઉપયોગ સમજાવવા માટે પ્રદર્શન યોજવાની પણ હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, 5-જી જીવનને બદલવાની ટેકનોલોજી બનાવો, તેના વિવિધ પાસાંનું નિદર્શન કરો. આ ટેકનોલોજી માત્ર વાતચીત કરવા, વીડિયો પૂરતી ન રહેવી જોઇએ… તેનો અનેક બાબતોમાં વિસ્તાર થવો જોઇએ.

આગામી સમયમાં દેશ આ ટેકનોલોજીનું નેતૃત્વ કરશે તેવો વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

દેશ ગુજરાત