ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ત્રણ સર્વેક્ષણમાં ભાજપને સ્પષ્ટ બહુમતિથી ઘણી વધુ બેઠકો મળવાનો અંદાજ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ત્રણ સર્વેક્ષણમાં ભાજપને સ્પષ્ટ બહુમતિથી ઘણી વધુ બેઠકો મળવાનો અંદાજ

ગાંધીનગરઃ  ગુજરાતમાં હવે કોઇપણ સમયે વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે ત્યારે વિવિધ મીડિયા અને એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલા સરવેમાં સત્તાધારી ભાજપને સ્પષ્ટ બહુમતીથી પણ ઘણી વધારે બેઠકો મળવાના સંકેત મળી રહ્યા છે.

ગઇકાલે સૌથી પહેલો ઓપિનિયન પોલ એબીપી ન્યૂઝ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ ઓપિનિયન પોલ અનુસાર ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કુલ 182 બેઠકોમાંથી ભાજપને 135થી 143 બેઠક મળી શકે છે. સી-વોટર દ્વારા કરવામાં આવેલા આ સરવે અનુસાર કોંગ્રેસને 36થી 44, અન્યને 0થી 3 અને આમ આદમી પાર્ટીને 0થી 2 બેઠક મળી શકે છે.

એ જ રીતે ટાઇમ્સ ઑફ ઈન્ડિયા જૂથના ટાઇમ્સ નાઉ દ્વારા પણ એક મહિના અગાઉ (28 ઓગસ્ટે) સર્વેક્ષણ કરવામાં આવ્યું અને તેના આધારે જે ઓપિનિય પોલ કરવામાં આવ્યો તેમાં ભાજપને 115થી 125 બેઠક મળી શકે છે. ત્યારબાદ બીજા ક્રમે 39થી 44 બેઠક કોંગ્રેસને મળી શકે છે. કોંગ્રેસને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બેઠકો મળવાની સંભાવનાની બાબતમાં એબીપી ન્યૂઝ અને ટાઇમ્સ નાઉના અંદાજ લગભગ મળતા આવે છે. જોકે, ટાઇમ્સ નાઉને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 13થી 18 બેઠક મળી શકે. પણ અહીં આ મીડિયા આઉટલેટના સર્વેક્ષણમાં એક વિરોધાભાસ પણ દેખાય છે. ટાઇમ્સ નાઉએ મતદારોને જે પ્રશ્ન પૂછ્યા તેમાં એક પ્રશ્ન એ હતો કે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કેજરીવાલની કેટલી અસર રહેશે અથવા અસર રહેશે કે નહીં. તેના જવાબમાં 40 ટકા કરતાં વધુ લોકોએ ટાઇમ્સ નાઉને કહ્યું કે કેજરીવાલની ગુજરાત ચૂંટણીમાં કોઈ અસર નહીં થાય. અર્થાત કેજરીવાલ કે તેમનો પક્ષ ગુજરાતમાં કોઈ ફેક્ટર જ નથી તેમ સર્વેક્ષણમાં સ્પષ્ટ બહાર આવે છે અને છતાં એ જ મીડિયાએ કેજરીવાલના પક્ષને ડબલ ડિજિટમાં બેઠકો મળવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

ત્રીજો ઓપિનયન પોલ અથવા સરવે ગુજરાતી મીડિયા હાઉસ ઝી ન્યૂઝ 24 કલાક દ્વારા ગત સપ્તાહે જાહેર કરવામાં આવ્યો છે. ઝી 24 કલાકના સર્વેક્ષણ અનુસાર ગુજરાતમાં મોટાભાગના મતદારો માને છે કે ભાજપને 110 કરતાં વધુ બેઠકો મળશે. ઝી 24 કલાકના આ અહેવાલ અનુસાર તેમણે રાજ્યના 31,032 મતદારોને વિવિધ પ્રશ્ન પૂછ્યા હતા અને તેને આધારે એવું તારણ નીકળ્યું કે, 14,235 મતદારોએ ભાજપને 120 કરતાં વધુ બેઠકો મળશે. જ્યારે 31,032 લોકોમાંથી 5,781 મતદારોએ જણાવ્યું કે ભાજપને 100 કરતાં વધુ બેઠક મળશે. આમ કુલ 31,032 મતદારોને પ્રશ્ન પૂછવામાં આવ્યા અને તેમાંથી મહદ મતદારોએ ભાજપને સ્પષ્ટ બહુમતિથી ઘણી વધુ બેઠકો મળવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

દેશ ગુજરાત