કેજરીવાલ સરકારની વીજ નીતિમાં સ્પષ્ટ કૌભાંડ: ભાજપ

કેજરીવાલ સરકારની વીજ નીતિમાં સ્પષ્ટ કૌભાંડ: ભાજપ

નવી દિલ્હીઃ  દિલ્હીની કેજરીવાલ સરકારની વીજ નીતિમાં કૌભાંડના સ્પષ્ટ સંકેત દેખાય છે તેમ ભાજપના વરિષ્ઠ નેતાઓએ આજે રાજધાનીમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

પક્ષના સાંસદ અને વરિષ્ઠ નેતા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, કટ્ટર ઇમાનદાર હોવાનો દાવો કરનાર નેતા ઉપર આજે વીજળી પડી છે. દિલ્હીમાં વીજ વિતરણ કંપનીઓની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ થયું છે. તેમાં ચારથી પાંચ મુદ્દા એવા છે જેના ઉપર ધ્યાન આપવામાં આવે તો ખ્યાલ આવે કે ભ્રષ્ટાચારનો આ ગંભીર મામલો છે.

પહેલો મુદ્દો એ કે વીજ વિતરણ કંપનીઓના જે બાકી લ્હેણાં હતા, જે દિલ્હી સરકારે લેવાના હતા તે સરકાર બનતાની સાથે જ શા માટે માફ કરી દેવામાં આવ્યા હતા. લગભગ 3200 કરોડનાં લ્હેણાં માફ કરી દેવામાં આવ્યાં હતાં. આવું શા માટે કરવામાં આવ્યું, તેની પાછળ શું ગણતરી હતી?

બીજું, દિલ્હીના નાગરિકોને સબસિડી રૂપે જે છૂટ આપવાની વાત હતી તે પારદર્શિતા સાથે શા માટે કરવામાં ન આવી. કેન્દ્ર સરકાર જે રીતે સબસિડી સીધી નાગરિકોના ખાતામાં જમા કરાવે છે એવું દિલ્હીની સરકારે શા માટે ન કર્યું. એ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કેમ આપવામાં ન આવી, તેમાં વચ્ચે મધ્યસ્થીઓને કેમ રાખવામાં આવ્યા?

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આ સદંતર ન સમજાય એવી વાત છે કે, જે સબસિડી ગ્રાહકોને સરકારે આપવાની હતી તેને કંપનીઓ મારફત આપવાની વ્યવસ્થા શા માટે કરવામાં આવી?

ત્રીજું, લેટ ફીના નામે ખાનગી કંપનીઓ પાસેથી 18 ટકાના દરે વસુલી કરવાની હતી તો પછી એ 18 ટકામાંથી એ કંપનીઓ સરકારને માત્ર 12 ટકા શા માટે આપતી હતી? વચ્ચેના છ (6) ટકા કોની પાસે ગયા. આ છ ટકા લેખે અત્યાર સુધીના રૂપિયા 8,000 કરોડ કોની પાસે ગયા? કોણે એ નાણાનો કેવી રીતે ઉપયોગ કર્યો?

છેલ્લો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે, આ જે વીજ વિતરણ કંપનીઓ હોય છે તેના બોર્ડમાં સરકારી અધિકારીઓની નિયુક્તિ થતી હોય છે, પરંતુ તેના બદલે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓની નિયુક્તિ કેવી રીતે થઈ? આવી એક નિયુક્તિ તો આમ આદમી પાર્ટીના સાંસદના પુત્રની કરવામાં આવી હતી, આવું શા માટે? તેવો પ્રશ્ન ભાજપે ઉઠાવ્યો હતો.

ભાજપના નેતાઓએ કહ્યું કે, વીજ વિતરણ કંપનીઓના બોર્ડમાં કેજરીવાલે જો ફેરફાર કરવો હતો તો વીજ ક્ષેત્રના નિષ્ણાતોની નિમણૂક કરી હોત તો સમજી શકાત, પરંતુ તેના બદલે તેમના પક્ષના કાર્યકરો-નેતાઓ અને સાંસદના સગાની નિયુક્તિ કેવી રીતે અને શા માટે કરવામાં આવી?

સુધાંશુ ત્રિવેદીએ કટાક્ષ કર્યો કે, દિલ્હીમાં શિલા દિક્ષીતની સરકાર હતી ત્યારે આ જ કેજરીવાલ વીજ કંપનીઓ ઉપર, ખાસ કરીને અનિલ અંબાણીની વીજ કંપની ઉપર બેફામ નિવેદન કરતા હતા અને તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે પોતાની સરકાર આવશે તો અનિલ અંબાણીની કંપનીને પ્રતિબંધિત કરી દેશે, પરંતુ સરકાર બન્યા પછી આવા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી એટલું જ નહીં પરંતુ તેથી વિરુદ્ધ વીજ વિતરણ કંપનીઓનાં દેવાં માફ કરી દેવામાં આવ્યા. આ બધા પ્રશ્નોના જવાબ કેજરીવાલે આપવા જોઇએ તેવી ભાજપના નેતાઓએ માગણી કરી હતી.

દેશ ગુજરાત