કોરોના દરમિયાન ભારતે ગરીબોની જે મદદ કરી તે વિશ્વએ શીખવું જોઈએઃ વર્લ્ડબેંક પ્રમુખ

કોરોના દરમિયાન ભારતે ગરીબોની જે મદદ કરી તે વિશ્વએ શીખવું જોઈએઃ વર્લ્ડબેંક પ્રમુખ

જીનિવાઃ  કોરોના મહારોગચાળા દરમિયાન ભારતે ગરીબો તથા જરૂરિયાતમંદોની જે રીતે મદદ કરી તે નોંધપાત્ર છે અને અન્ય દેશોએ મોટાપાયે સબસિડી આપવાને બદલે નિશ્ચિત લોકોને સીધી મદદ પહોંચાડવાના ભારતના પગલાંનું અનુકરણ કરવું જોઇએ તેમ વિશ્વબેંકના પ્રમુખ ડેવિડ મેલપાસે બુધવારે કહ્યું હતું.

વિશ્વબેંક દ્વારા પ્રકાશિત કોવિડ-19 અંગેના અભ્યાસ- પોવર્ટી એન્ડ શૅર્ડ પ્રોસ્પેરિટી રિપોર્ટની પ્રસ્તાવનામાં ડેવિડ મેલપાસે લખ્યું છે કે, કોરોનાકાળે ગરીબી નાબૂદ કરવાની દિશામાં દુનિયાએ સાધેલી પ્રગતિને ધોઈ નાખી છે. કોરોના આવ્યો તેના પહેલાંના ત્રણ દાયકા દરમિયાન દુનિયામાં એક અબજ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં આવ્યા હતા. સૌથી ગરીબ દેશોની આવકમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ કોરોનાએ આ તમામ પ્રગતિ ધોઈ નાખી.

મહારોગચાળા દરમિયાન સૌથી વધુ અસર ગરીબોને થઈ. આશરે 40 ટકા ગરીબોની આવકમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો.

મેલપાસે અહેવાલની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, ગરીબ દેશોમાં ગરીબીમાં વધારો થયો એ વાત સૂચવે છે કે એ દેશોના અર્થતંત્ર અનૌપચારિક હતાં, સામાજિક સુરક્ષા વ્યવસ્થા નબળી હતી તથા નાણાકીય વ્યવસ્થા ઓછી વિકસિત હતી. આમ છતાં ઘણા વિકાસશીલ દેશોએ કોવિડ-19 દરમિયાન નોંધપાત્ર સફળતા મેળવી.

“ડિજિટલ રોકડ ટ્રાન્સફરની મદદથી ભારત ગ્રામ્ય વિસ્તારોના 85 ગરીબોને તથા શહેરી વિસ્તારોના 69 ટકા ગરીબોને અન્ન અથવા રોકડ રકમ પહોંચાડી શક્યો. દક્ષિણ આફ્રિકાએ તેની સામાજિક સલામતી વ્યવસ્થાનો વિસ્તાર કર્યો છે અને ગરીબોને રાહત માટે છ અબજ ડૉલર ખર્ચ કર્યો છે” તેમ મેલપાસે તેમની પ્રસ્તાવનામાં કહ્યું છે.

બ્રાઝિલે પરિવાર આધારિત ડિજિટલ રોકડ ટ્રાન્સફર વ્યવસ્થાની મદદથી 2020માં ગંભીર ગરીબીમાં રાહત મેળવી હતી.

અન્ય દેશોને સલાહ આપતા ડેવિડ મેલપાસે કહ્યું કે, વ્યાપક સબસિડી આપી દેવાને બદલે નિર્ધારિત લક્ષ્યાંક સાથે રોકડ રકમ ટ્રાન્સફર કરવી જોઇએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ગરીબો માટે જે ઊર્જા સબસિડી પૂરી પાડવામાં આવી તેમાંથી 50 ટકા રકમ 20 ટકા ધનિકો પાસે સીધી જતી રહી છે. વળી આ ધનિકો જ વધારે વીજળીનો ઉપયોગ કરતા હોય છે. ગરીબોને મદદ કરવા માટે નિશ્ચિત રોકડ ટ્રાન્સફર શ્રેષ્ઠ ઉપાય છે તેમ તેમણે કહ્યું હતું.

દેશ ગુજરાત