પત્રકારત્વના નિવૃત્ત પ્રાધ્યાપકે વડાપ્રધાન મોદીની પ્રવચનશૈલીની વિશેષતાઓ ઉજાગર કરી

પત્રકારત્વના નિવૃત્ત પ્રાધ્યાપકે વડાપ્રધાન મોદીની પ્રવચનશૈલીની વિશેષતાઓ ઉજાગર કરી

— પત્રકારત્વના નિવૃત્ત પ્રાધ્યાપક સંતોષકુમાર તિવારીએ નરેન્દ્રભાઈ મોદીની પ્રવચનશૈલીનું વિશેષતાઓને ઉજાગર કરી

નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનના અલગ અલગ પાસાં અલગ અલગ લોકોને અલગ અલગ રીતે આકર્ષિત કરે છે. આ પ્રથમ વાક્યમાં “અલગ” શબ્દનો જે રીતે વારંવાર ઉપયોગ કરીને પ્રાસ બેસાડવામાં આવ્યો છે એવી અનુપ્રાસ શૈલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ તેમનાં પ્રવચનોમાં ઉપયોગ કરે છે જેને કારણે તેમને સાંભળવામાં લોકોને રસ પડે છે એવું નિરીક્ષણ પત્રકારત્વના નિવૃત્ત પ્રાધ્યાપક સંતોષકુમાર તિવારીએ કર્યું છે.

એક હિન્દી દૈનિકમાં વિસ્તૃત લેખ લખીને પ્રાધ્યાપક તિવારીએ નરેન્દ્ર મોદી દ્વારા પ્રવચનમાં અપનાવવામાં આવતી વિવિધ શૈલી અને પદ્ધતિ વિશે ખૂબ રસપ્રદ નિરીક્ષણ કર્યું છે.

તેઓ લખે છે કે- લેખન, સંગીત વગેરેની જેમ ભાષણ આપવું એ પણ એક કળા છે. જે લોકો દરરોજ લેખન કરે છે અથવા ગીત-સંગીત ઉપર કામ કરે છે તેમની કુશળતા વધતી જાય છે. આવું જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ રહ્યું છે. તેમનાં ભાષણ પહેલાં પણ શ્રેષ્ઠ હતાં અને લોકોને પ્રભાવિત કરતાં હતાં, પરંતુ હવે તેમાં વિશિષ્ટતા ભળી છે. તેમનાં ભાષણોમાં અનુપ્રાસ અલંકારનું તત્વ વધી રહ્યું છે.

પ્રાધ્યાપક તિવારીનું કહેવું છે કે, મોદીજી તેમનાં સંબોધનોમાં જે રીતે અનુપ્રાસ અલંકારનો પ્રયોગ કરે છે તે પરંપરા વૈદિક સમયથી ચાલી આવે છે. પ્રાધ્યાપકે પોતાની વાતના સમર્થનમાં શુક્લ યજુર્વેદ, ગોસ્વામી તુલસીદાસના રામ ચરિત માનસ વગેરેનાં ઉદાહરણો પણ ટાંક્યાં છે.

વડાપ્રધાને તાજેતરમાં કોચી ખાતે આઈએનએસ વિક્રાંતના લોકાર્પણ સમયે આપેલા વક્તવ્યનું પણ તેમણે ઉદાહરણ ટાંક્યું છે, જેમાં નરેન્દ્રભાઈએ કહ્યું હતું – વિક્રાંત વિશાળ છે, વિરાટ છે, વિહંગમ છે. વિક્રાંત વિશિષ્ટ છે, વિક્રાંત વિશેષ પણ છે. વિક્રાંત માત્ર એક યુદ્ધ જહાજ નથી, એ તો 21મી સદીના ભારતના પરિશ્રમ, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

પ્રાધ્યાપકે નરેન્દ્ર મોદી દ્વારા ઉપયોગમાં લેવાતા અંગ્રેજી શબ્દોના અનુપ્રાસનું પણ ઉદાહરણ પણ આપ્યું છે. જેમ કે ગયા મહિને કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને મુક્ત કરવામાં આવ્યા ત્યારે આપેલા ભાષણમાં વડાપ્રધાને કહ્યું હતું – દુનિયા આજે જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણ તરફ જૂએ છે ત્યારે તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરે છે. પરંતુ પ્રકૃતિ અને પર્યાવરણ, પશુ અને પક્ષી- ભારત માટે માત્ર સસ્ટેનેબિલિટી તથા સિક્યોરિટીના વિષય નથી. આપણા માટે આપણી સેન્સિબિલિટી અને સ્પિરિચ્યુઆલિટી પણ અગત્યના છે. એ જ રીતે તેમણે શિક્ષક દિવસ નિમિત્તે વડાપ્રધાને આપેલા વક્તવ્યને પણ યાદ કર્યું છે.

પ્રોફેસર તિવારીએ એક સરસ નિરીક્ષણ એ પણ કર્યું છે કે, વડાપ્રધાન મોદી જે રાજ્યમાં, જે ક્ષેત્રમાં જાય ત્યાંના કવિઓની કવિતાને અચૂક યાદ કરે છે. આ સંદર્ભમાં તેમણે ગયા વર્ષે વિશ્વભારતી યુનિવર્સિટીના દિક્ષાંત સમારંભમાં વડાપ્રધાને આપેલા ભાષણને યાદ કરીને કહ્યું કે ત્યારે નરેન્દ્ર મોદીએ રવીન્દ્રનાથ ઠાકુરે છત્રપતિ શિવાજી મહારાજ વિશે લખેલી કવિતાને યાદ કરીને સૌને રોમાંચિત અને પ્રભાવિત કરી દીધા હતા.

દેશ ગુજરાત