હિન્દુઓ માટે અપમાનજનક એવા કાફિર શબ્દ ઉપર પ્રતિબંધ મૂકાવો જોઇએ

હિન્દુઓ માટે અપમાનજનક  એવા કાફિર શબ્દ ઉપર પ્રતિબંધ મૂકાવો જોઇએ

નવી દિલ્હીઃ  હિન્દુઓ અથવા બિન-મુસ્લિમો માટે વપરાતા કાફિર શબ્દ ઉપર પ્રતિબંધ મૂકાવો જોઇએ કેમ કે આ શબ્દ અત્યંત અપમાનજનક છે એવું આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે મુસ્લિમ અગ્રણીઓ સાથેની બેઠકમાં કહ્યું હોવાનું સમજાય છે.

મોહન ભાગવત તથા મુસ્લિમ અગ્રણીઓ સાથેની બેઠકમાં કાફિર શબ્દ વિશે તેમજ ગૌહત્યા વિશે વાત થઈ હોવાનું ધ પ્રિન્ટના એક લેખમાં જણાવવામાં આવ્યું છે. ઈબ્ન ખલદુન ભારતીના આ લેખમાં ખાસ કરીને કાફિર શબ્દના ઈતિહાસ અને તે શા માટે હિન્દુઓ માટે અપમાનજનક છે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. (https://theprint.in/opinion/mohan-bhagwats-right-no-word-wounds-hindus-like-kafir-does/1150594/ )

ઈબ્ન ખલદુન લખે છે કે, મુસ્લિમો આ શબ્દ માટે એવો બચાવ કરે છે કે, કાફિર તો માત્ર ઇસ્લામમાં નહીં માનનાર લોકો માટે વપરાય છે અને તેથી હિન્દુઓએ અપમાનની લાગણી અનુભવવાની જરૂર નથી. આ શબ્દના બચાવકારોની દલીલ છે કે એબ્રાહમિક સંપ્રદાયોમાં નહીં માનનારા લોકો માટે આવા શબ્દપ્રયોગ સામાન્ય છે. પરંતુ આ વાત ખોટી છે. લેખક કહે છે કે, કાફિર માટે બિન-મુસ્લિમો માટે નથી અને તેને એબ્રાહમિક સંપ્રદાયો સાથે કશી લેવાદેવા નથી.

સૌથી જૂના એબ્રાહમિક સંપ્રદાય અર્થાત યહૂદી સંપ્રદાયમાં બિન-યહૂદીઓ માટે જેન્ટાઇલ શબ્દ છે પરંતુ તે અપમાનજનક શબ્દ તરીકે વપરાતો નથી. એ જ રીતે બિન-ખ્રિસ્તીઓ માટે પણ આવો કોઈ અપમાનજનક શબ્દ નથી. પેગન, હીટેન અથવા ઇન્ફિડલ શબ્દો પણ કાફિરની જેમ અપમાનજનક રીતે કદી વપરાતા નથી. એ જ પ્રમાણે ભારતીય ધર્મોમાં પણ બિન-હિન્દુઓ, બિન-બૌદ્ધો, બિન-જૈનો કે બિન-સિખો માટે આવા કોઈ અપમાનજનક શબ્દપ્રયોગ થતા નથી.

લેખક સ્પષ્ટ રીતે કહે છે કે ઇસ્લામિક એકેશ્વરવાદમાં જેમને કાફિર કરવામાં આવે છે તે અને કુરાનમાં જે શબ્દ છે તે સમાન નથી. ઇસ્લામિક એકેશ્વરવાદ એ સામ્રાજ્યવાદી આક્રમણોનું પરિણામ છે અને તે માત્ર એક અલ્લાહને જ સર્વોપરી ગણવાની માનસિકતા પ્રેરિત છે. ઇસ્લામ ધર્મ પ્રસાર સાથે રાજકીય રીતે પ્રસ્થાપિત થયો હતો અને તેણે સર્વોપરીવાદના એજન્ડાને આગળ વધાર્યો તેમ ઈબ્ન ખલદુન કહે છે અને આગળ ઉમેરે છે કે કાફિર શબ્દ તેમની સર્વોપરી-સામ્રાજ્યવાદની ઉપજ છે.

હિન્દુઓ માટે આના કરતાં વધારે અપમાનજનક બીજો કોઈ નથી અને આ શબ્દે જે પીડા આપી છે એવી પીડા હિન્દુઓને બીજા કશાથી થઈ નથી. ભારતમાં મુસ્લિમ શાસકોનો અંત આવ્યા પછી 300 વર્ષ થવા છતાં કાફિર શબ્દથી જો હિન્દુઓ અપમાનિત થયાની લાગણી અનુભવતા હોય તો તેના જેવી પીડા બીજી કોઈ બાબતે આપી નહીં હોય એ નિશ્ચિત છે. સદીઓથી હિન્દુઓ આ શબ્દથી પીડા અનુભવતા હોય તો તેનું કારણ એ છે કે તેમણે ઐતિહાસિક તથ્યો દ્વારા, લોકવાયકાઓ દ્વારા ઘૃણિત અને અપમાનિત શબ્દ વિશેની હકીકતથી પોતાની પેઢીઓને માહિતગાર રાખી હશે.

કાફિર શબ્દ કુરાનમાં શા માટે અને કયા અર્થમાં વપરાયો છે તેની વિગતવાર માહિતી આપીને લેખક સ્પષ્ટ શબ્દોમાં પ્રતિપાદિત કરે છે કે, ભારતમાં તથા અન્યત્ર મુસ્લિમો દ્વારા ખાસ કરીને હિન્દુઓ માટે કાફિર શબ્દ વાપરવામાં આવે છે તેનું સ્પષ્ટ લક્ષ્યાંક હિન્દુઓને અપમાનિત કરવાનું છે.

ઈબ્ન ખલદુન પોતાની વાતનું સમાપન કરતા લખે છે કે, એક સમયે દક્ષિણ આફ્રિકામાં પણ અશ્વેતો માટે કાફિર શબ્દ વપરાતો હતો. પરંતુ ત્યાં તેને કાયદા દ્વારા પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે, એ જ રીતે ભારતમાં પણ બિન-મુસ્લિમો માટે વપરાતો કાફિર શબ્દ પ્રતિબંધિત થવો જોઇએ.

દેશ ગુજરાત