નહેરુની શંકાસ્પદ ભૂમિકાને છાવરવા કોંગ્રેસ દ્વારા મહારાજા હરિસિંગ વિશે જૂઠ ફેલાવાય છેઃ ભાજપ
October 12, 2022
નવી દિલ્હીઃ સ્વતંત્રતા પછી કાશ્મીરના મુદ્દે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની શંકાસ્પદ ભૂમિકાને છાવરવા માટે કોંગ્રેસ દ્વારા સતત જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે તેમ ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ આજે કહ્યું હતું.
કોંગ્રેસના જયરામ રમેશને જવાબ આપતા રિજિજુએ કહ્યું કે, જયરામ રમેશના જૂઠાણાનો પર્દાફાશ કરવા હું જવાહરલાલ નહેરુને જ ટાંકું છું.
જયરામ રમેશે લખ્યું હતું કે, મહારાજા હરિસિંહને ડરાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર સ્વતંત્રતાનાં સ્વપ્ન જોતું હતું પરંતુ પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે હરિસિંહે ભારત સાથે જોડાણ કર્યું હતું.
જયરામ રમેશના મતે શેખ અબ્દુલ્લાએ જ ભારત સાથેના જોડાણની આગેવાની લીધી હતી કેમ કે નહેરુ સાથે તેમની મિત્રતા હતી અને તેઓ નહેરુને પસંદ કરતા હતા ઉપરાંત તેમને (શેખ અબ્દુલ્લાને) ગાંધી પ્રત્યે માન હતું.
કોંગ્રેસના નેતાના સોશિયલ મીડિયામાં આવાં નિવેદનોના જવાબમાં કિરણ રિજિજુએ કહ્યું કે, (શેખ અબ્દુલ્લા સાથે સમજૂતી થયા પછી) 24 જુલાઈ, 1952ના રોજ લોકસભામાં નહેરુએ વક્તવ્ય આપ્યું હતું. મહારાજા હરિસિંહે ભારત સાથે જોડાણ માટે પ્રથમ વખત જુલાઈ 1947માં જ નહેરુનો સંપર્ક સાધ્યો હતો, અર્થાત સ્વતંત્રતાના એક મહિના પહેલાં.
વાસ્તવમાં નહેરુએ જ મહારાજાને જાકારો આપ્યો હતો.
નહેરુએ લોકસભામાં એ નિવેદનમાં કહ્યું હતું કે, “કાશ્મીર સંદર્ભે 15 ઑગસ્ટ પહેલાં મારા ખ્યાલથી જુલાઈમાં અમારી સમક્ષ વિધિવત્ રીતે આ પ્રશ્ન આવ્યો હતો. અને અમે સલાહ આપી હતી કે, જમ્મુ અને કાશ્મીરે વિવિધ કારણોસર વિશેષ સ્થાન મેળવેલું છે અને તેથી એ યોગ્ય નથી કે આવી કોઈ ઉતાવળ કરવામાં આવે. એક સામાન્ય સિદ્ધાંત તરીકે અમે નક્કી કર્યું છે કે કાશ્મીરના લોકો સાથે વાતચીત કરવી જોઇએ. આ વાત ભાગલા પહેલાંની, સ્વતંત્રતા મળ્યા પહેલાંની છે. અમે સ્પષ્ટ કરી દીધું હતું કે મહારાજા તથા તેમની સરકાર ભારતમાં ભળવા ઇચ્છે તો તેમણે એ પગલું લેતાં પહેલાં તેમની પ્રજાની સંમતિ લેવી જોઇએ.”
ઑક્ટોબર 1947માં પાકિસ્તાની આક્રમણ વખતે નહેરુનું વલણ શું હતું એ વિશે પણ આગળ કિરણ રિજિજુ આગળ નહેરુને ટાંકે છે, “મદદ માટે તથા ભારતમાં ભળવા અંગે અપીલ થતી હતી. અમે લાંબી વિચારણા કરી. અને પછી અમે તત્કાળ નિર્ણય લીધો. મને યાદ છે એ 27મી ઑક્ટોબર હતી. આખો દિવસ બેઠકો કરીને વિચારણા કર્યા બાદ સાંજે અમે એવા તારણ ઉપર આવ્યા કે તમામ પ્રકારનું જોખમ હોવા છતાં તથા ખતરો તોળાતો હોવા છતાં આપણે એ અપીલ અંગે ‘ના’ નહીં કહી શકીએ અને અમે આપણે મદદ કરવી પડશે.”
આમ, તારણ એ નીકળે છે કે (1) મહારાજા જુલાઈ 1927માં જ ભારતમાં ભળવા માગતા હતા. (2) નહેરુએ જ રાજા હરિસિંહની વિનંતી નકારી કાઢી હતી. (3) નહેરુએ કાશ્મીર માટે વિશેષ કારણ ઊભું કરી દીધું અને તે માત્ર જોડાણ કરતાં કંઈક વિશેષ ઇચ્છતા હતા. કઈ વિશેષ બાબત હોઈ શકે? મતનું રાજકારણ? નહેરુએ શા માટે કાશ્મીરને અપવાદ રાખ્યું, જ્યારે અન્ય રજવાડાં ભારતમાં જોડાવા માગતા હતા અને છતાં નહેરુ કંઈક વધારે ઈચ્છતા હતા?
સત્ય એ છે કે ભારત આજે પણ નહેરુની એ ભૂલોને ભોગવી રહ્યો છે.
પોતાના આ વિસ્તૃત જવાબ સાથે કેન્દ્રીય કાયદાપ્રધાન રિજિજુએ નહેરુએ સંસદમાં આપેલા એ વક્તવ્યની લિંક (https://eparlib.nic.in/bitstream/123456789/55481/1/lsd_01_01_24-07-1952.pdf ) પણ આપીને કોંગ્રેસના જયરામ રમેશના જૂઠાણાનો પર્દાફાશ કરી દીધો.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
