મલ્લિકાર્જુન ખડગેએ મુસ્લિમોનું હળાહળ અપમાન કર્યું છેઃ ભાજપ

મલ્લિકાર્જુન ખડગેએ મુસ્લિમોનું હળાહળ અપમાન કર્યું છેઃ ભાજપ

નવી દિલ્હીઃ  કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં કરેલું એક નિવેદન વિવાદ અને કોંગ્રેસના ભવિષ્ય અંગે પ્રશ્ન જગાવી રહ્યું છે.

કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી માટે ખડગે ઉપરાંત શશી થરુર પણ મેદાનમાં છે. બંને નેતાઓ અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ પાસે જઇને પ્રચાર કરી રહ્યા છે. આવા એક પ્રચાર દરમિયાન ખડગેને પૂછવામાં આવ્યું કે, 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના વડાપ્રધાનપદના ઉમેદવાર કોણ હશે. તેના જવાબમાં ખડગેએ કહ્યું કે, “बकरी ईद मे बचेंगे तो मोहर्रम मे नाचेंगे ।” તેમના આ જવાબના અલગ અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

ભાજપના નેતા શેહજાદ પૂનાવાલાએ જણાવ્યું કે, મોહર્રમ એ ખુશીનો તહેવાર નથી પરંતુ શોકનો પ્રસંગ હોય છે. તેથી કોંગ્રેસના ખડગેએ આવું નિવેદન કરીને મુસ્લિમોનું હળાહળ અપમાન કર્યું છે.

પૂનાવાલાએ આગળ કહ્યું કે, ખડગેનું આ નિવેદન રાહુલ ગાંધી અને તેમના ભવિષ્ય અંગે લાગે છે. ખડગે કદાચ એવું કહેવા માગે છે કે, 2024 સુધીમાં કોંગ્રેસનું એવું કોઈ નોંધપાત્ર અસ્તિત્વ નહીં હોય જેથી તે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી શકે.

કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેને એએનઆઈ સમાચાર સંસ્થાએ એમ કહેતા ટાંક્યા હતા કે વર્તમાન (મોદી) સરકાર હેઠળ સીબીઆઈ, ઈડી જેવી એજન્સીઓ નબળી પડી રહી છે. તેમની સામે લડવા માટે મારી પાસે સત્તા જોઇએ. અને તેથી પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલી ભલામણ બાદ હું કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી લડી રહ્યો છે.

ખડગેના આ નિવેદનનો અર્થ તો એવો થાય કે તેઓ કોંગ્રેસ પ્રમુખ બનીને સીધા જ સીબીઆઈ અને ઈડી જેવી એજન્સીઓ સામે લડત આપશે. વળી બીજો અર્થ એવો પણ થાય કે, કોંગ્રેસ પ્રમુખની રૂએ તેઓ પોતે જ ભાવિ ચૂંટણીમાં આપોઆપ વડાપ્રધાનપદના ઉમેદવાર હશે જેથી તેઓ તપાસ એજન્સીઓને ઠેકાણે લાવી શકે!

કોંગ્રેસના નેતા ખડગેના આવાં નિવેદનોનો અર્થ જે થાય એ પરંતુ હવે કદાચ કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી પરિવાર માટે પણ એ ચિંતાનો વિષય છે કે ખડગે કોંગ્રેસ અધ્યક્ષ બની ગયા પછી “મોવડીમંડળ”ની કોઈ વાત સાંભળશે કે કેમ?

દેશ ગુજરાત