પ્રમુખપદની ચૂંટણી અને પદયાત્રામાં વ્યસ્ત કોંગ્રેસની હિમાચલ-ગુજરાતમાં ચૂંટણી સમયે ગેરહાજરી

પ્રમુખપદની ચૂંટણી અને પદયાત્રામાં વ્યસ્ત કોંગ્રેસની હિમાચલ-ગુજરાતમાં ચૂંટણી સમયે ગેરહાજરી

નવી દિલ્હીઃ  હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ગુજરાત માટે પણ ગમેત્યારે જાહેરાત થશે પરંતુ આ બંને ચૂંટણીમાં કોંગ્રેસ માટે સાવ અંધારામાં તલવાર વિંઝવા જેવી સ્થિતિ છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં કુલ દસ દિવસ જેટલો સમય પસાર કરીને અનેક યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ચૂક્યા છે.

એક તરફ કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને બીજી તરફ રાહુલ ગાંધી ભારત જોડો નામે પદયાત્રાએ નીકળેલા છે. સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ છે પરંતુ તબિયત અને ઉંમરને કારણે વ્યાપક પ્રચાર કરી શકે કેમ તે પ્રશ્ન છે. આ સંજોગોમાં પક્ષના માટે એકમાત્ર આધાર પ્રિયંકા ગાંધીનો છે. અલબત્ત, આ વર્ષે જ ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને ઘોર નિષ્ફળતા મળેલી છે તેથી ભાજપ-શાસિત હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં તેમને કેટલી સફળતા મળે એ બાબતે કોઇને ખાતરી નથી.

આમ તો હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની પણ ચૂંટણી જાહેર થવાની શક્યતા હતી પરંતુ લાગે છે કે એ જાહેરાત હવે થોડા દિવસ પછી થશે. ગુજરાતના પ્રમાણમાં હિમાચલ પ્રદેશ નાનું રાજ્ય છે છતાં કોંગ્રેસના જે પણ નવા અધ્યક્ષ ચૂંટાશે તેમની પાસે પ્રચાર કરવા માટે સાવ ઓછો સમય રહેશે. હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન થવાનું છે, તેથી નવા કોંગ્રેસ અધ્યક્ષ પાસે ત્રણેક અઠવાડિયા જેટલો જ સમય હશે.

કોંગ્રેસ અધ્યક્ષપદ માટે સોનિયા ગાંધી સમર્થિત મલ્લિકાર્જુન ખડગે તથા તેમની સામે શશી થરૂર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી 19 ઑક્ટોબરે યોજાશે.

હિમાચલ અને ગુજરાત બંને રાજ્યમાં શાસક પક્ષ ભાજપ ખૂબ જ સક્રિય છે. ભાજપે વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમો યોજવા ઉપરાંત કેન્દ્રીય પ્રધાનોની સભાઓ અને ગૌરવ યાત્રાઓનું આયોજન પણ કરી દીધું છે.

દેશ ગુજરાત