સિસોદિયાની સરખામણી ભગતસિંહ સાથે કરવા બદલ ભગતસિંહ પરિવારનો સખત વિરોધ

સિસોદિયાની સરખામણી ભગતસિંહ સાથે કરવા બદલ ભગતસિંહ પરિવારનો સખત વિરોધ

નવી દિલ્હીઃ  એક્સાઇઝ નીતિના કેસમાં સીબીઆઈ અને ઈડીની તપાસનો સામનો કરી રહેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને ભગતસિંહ સાથે સરખાવવા બદલ ભગતસિંહના પરિવારે સખત નારાજગી વ્યક્ત કરી છે અને આવી સરખામણી બદલ કેજરીવાલે માફી માગવી જોઇએ તેમ પણ જણાવ્યું છે.

આ કેસમાં સીબીઆઈના સમન્સ બાદ સોમવારે પૂછપરછમાં હાજર થવા જતા પહેલાં કેજરીવાલ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સિસોદિયાને ભગતસિંહ સાથે સરખાવ્યા હતા. સિસોદિયાના સમર્થકો આવી સરખામણી કરતાં બેનર લઈને સરઘસાકારે સીબીઆઈ ઑફિસ ગયા હતા. તે પહેલાં કેજરીવાલે પોતે પણ ટ્વિટ કરીને આવી સરખામણી કરી હતી.

તેને પગલે અંગ્રેજી સમાચાર ચૅનલ ટાઈમ્સ નાઉ દ્વારા ભગતસિંહના પરિવારના પ્રતિભાવ જાણવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં ભગતસિંહના પરિવારના સભ્ય હરભજન એસ. ધત્તે કહ્યું હતું કે, “કેજરીવાલ અને તેમના પક્ષે આવી સરખામણી કરીને માત્ર ભગતસિંહ જ નહીં પરંતુ તમામ સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કર્યું છે. તે (કેજરીવાલ) કેવી રીતે સત્યેન્દ્ર જૈન અને સિસોદિયાને સરદાર ભગતસિંહ સાથે કેવી રીતે સરખાવી શકે? તેમનું મિશન, તેમનો હેતુ રાજકીય લાભ મેળવવા માટે નહોતો પણ પ્રજા માટે હતો. જે રાજકીય લાભ મેળવવા માગતા હોય એ કદી ફાંસી પર ન લટકે. ભગતસિંહ તો એક (રાજકીય) સત્તા સામે, બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતા માટે લડાઈ લડ્યા હતા. પણ આ તો સ્વતંત્રતા માટેની લડાઈ નથી, આ તો સત્તાની લડાઈ છે. એ વિશે હું વધારે કહેવા નથી માગતો. દિલ્હીમાં શું થઈ રહ્યું છે, પંજાબમાં શું થઈ રહ્યું છે, તેમના મંત્રીઓ શું કરી રહ્યા છે, તેમના ધારાસભ્યો શું કરી રહ્યા છે- એ બધું હું કહેવા નથી માગતો. હું તો એટલું જ કહેવા માગું છું કે સરદાર ભગતસિંહ અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓ સાથે તેમના મંત્રીઓ અને ધારાસભ્યોની સરખામણી કરવી ન જોઇએ.”

હરભજન એસ. ધત્તે સ્પષ્ટ કહ્યું કે, કેજરીવાલે જે નિવેદન કર્યું છે તે પાછું ખેંચવું જોઇએ અને માફી માગવી જોઇએ.

દેશ ગુજરાત