શું ખરેખર ભારતીય રૂપિયો નબળો પડ્યો છે? કે પછી અમેરિકી ડૉલર મજબૂત થયો છે?
October 17, 2022
નવી દિલ્હીઃ દેશમાં આજકાલ ભારતીય રૂપિયો નબળો પડ્યો હોવાના નામે મોટાપાયે ચર્ચા ચાલી રહી છે. પ્રશ્ન એ છે કે ડૉલર મજબૂત થઈ રહ્યો છે કે રૂપિયો નબળો પડી રહ્યો છે?
સાચી વાત એ છે કે જે કોઇને અર્થતંત્રનું મૂળભૂત જ્ઞાન હોય તે આ પ્રશ્નનો જવાબ જાણે છે, પરંતુ ભારતમાં પત્રકારત્વ અને નેતાઓનું ધોરણ એ હદે નીચું છે કે તેમને આવી મૂળભૂત બાબતોની પણ જાણકારી નથી.
દુનિયામાં આશરે 200 દેશ છે અને દરેકનું પોતાનું ચલણી નાણું છે. દરેક ચલણ એકબીજા સાથે વિનિમય દરથી જોડાયેલા હોય છે. નાણાના વિનિમય દરનો આધારે જે તે ચલણના માંગ અને પુરવઠા પર આધારિત હોય છે.
તો પ્રશ્ન એ છે કે, ડૉલર મજબૂત થઈ રહ્યો છે કે રૂપિયો નબળો પડી રહ્યો છે? આ વાત સમજવા અમેરિકી ડૉલર અને ભારતીય રૂપિયાના એક વર્ષના ગાળાના પરફોર્મન્સને ધ્યાનમાં લેવું પડે.
જેમ કે, ઑક્ટોબર 2021માં એક અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયાની કિંમત 75 હતી. જ્યારે ઑક્ટોબર 2022માં આ કિંમત 82 રૂપિયા છે. તો પ્રશ્ન એ કે આ તફાવત ડૉલરના સારા પરફોર્મન્સને કારણે છે કે રૂપિયાના નબળા પરફોર્મન્સને કારણે?
આ બાબતની ચકાસણી કરવાના બે માપદંડ છેઃ (1) અન્ય મુખ્ય દેશોનાં ચલણ સામે રૂપિયાની સ્થિતિ કેવી છે? અને (2) અન્ય દેશોનાં ચલણની સ્થિતિ અમેરિકી ડૉલર સામે કેવી છે?
હવે એ ચકાસવું પડે કે ભારતીય રૂપિયો અન્ય દેશોનાં ચલણની સામે પણ તૂટે છે કે કેમ?
જો અન્ય દેશોનાં ચલણ પણ અમેરિકી ડૉલર સામે નબળાં પડતાં હોય તો આપણે કહી શકીએ કે ડૉલર મજબૂત થઈ રહ્યો છે.
વિશ્વના અન્ય મુખ્ય ચલણમાં બ્રિટિશ પાઉન્ડ, યુરો તથા જાપાનીસ યેનનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં રૂપિયા અને પાઉન્ડનો વિનિમય દર જોઈએઃ ઑક્ટોબર 2021માં એક પાઉન્ડની કિંમત રૂપિયા 104 હતી, જ્યારે એક વર્ષ પછી હાલ ઑક્ટોબર 2022માં એક પાઉન્ડની સામે રૂપિયાનું મૂલ્ય 92 છે. તો એનો અર્થ એ થયો કે એક વર્ષમાં ભારતીય રૂપિયો બ્રિટિશ પાઉન્ડની સામે મજબૂત થયો છે.
હવે યુરોના સંદર્ભમાં જોઈએઃ ઑક્ટોબર 2021માં એક યુરોની સામે ભારતીય રૂપિયાનું મૂલ્યા 88 હતું. એક વર્ષ પછી હાલ ઑક્ટોબર 2022માં એક યુરોની સામે ભારતીય રૂપિયાની કિંમત 82 છે. આ રીતે પણ ભારતીય રૂપિયો યુરોની સામે મજબૂત થયો છે.
તો જાપાનીસ યેનની સામે રૂપિયાની શું સ્થિતિ છે? ઑક્ટોબર 2021માં એક યેન સામે ભારતીય રૂપિયાની કિંમત 0.65 હતી, અને હાલ એક વર્ષ પછી ઑક્ટોબર 2022માં જાપાનીસ યેન સામે રૂપિયાનું મૂલ્ય 0.55 છે. આમ સ્પષ્ટ છે કે ભારતીય રૂપિયો જાપાનીસ યેન સામે પણ મજબૂત થયો છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન ભારતીય રૂપિયો ડૉલર સામે નબળો પડ્યો છે પરંતુ બાકીના તમામ મુખ્ય ચલણ સામે રૂપિયો મજબૂત થયો છે. તેનો સીધો અર્થ એ થાય છે કે રૂપિયો પોતે નબળો પડી રહ્યો નથી. આ વાત કેવી રીતે સમજી શકાય?
ડૉલર સામે અન્ય દેશોનાં ચલણની સ્થિતિ પરથી આ વાત સમજી શકાય. આ સંદર્ભે ડૉલરનું વલણ ચકાસીએ. બ્રિટિશ પાઉન્ડ, યુરો તથા જાપાનીય યેન સહિત છ મુખ્ય ચલણ સામે ડૉલરની કિંમત શું રહી?
ઑક્ટોબર 2021માં એક ડૉલર સામે આ તમામ છ મુખ્ય ચલણનું મૂલ્ય 93 હતું. એક વર્ષ પછી આજે ઑક્ટોબર 2022માં એક ડૉલર સામે આ તમામ છ મુખ્ય ચલણની કિંમત 112 છે. આના પરથી પણ સ્પષ્ટ થાય છે કે, રૂપિયો નબળો પડતો નથી પરંતુ વાસ્તવમાં ડૉલર મજબૂત થઈ રહ્યો છે. ભારતીય રૂપિયો અમેરિકી ડૉલરની સામે મજબૂત લડત આપી રહ્યો છે અને તેથી ખરેખર ભારતીય રૂપિયાની કદર કરવાની જરૂર છે. અને તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, ભારતની કુલ આયાતમાં 30થી 40 ટકા હિસ્સો પેટ્રોલની આયાતનો છે. છેલ્લા એક વર્ષમાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઑઇલ અને ગૅસના ભાવો આસમાને પહોંચ્યા છે. પરિણામે ભારતની આયાતનું બિલ પણ મોટું થઈ રહ્યું છે. ઑઇલના સોદા અમેરિકી ડૉલરમાં થાય છે. હવે આયાત વધારે હોય અને નિકાસ ઓછી હોય તો ડૉલરની માંગ વધે અને ભારતીય રૂપિયાની માંગ ઘટે. આવી નકારાત્મક સ્થિતિ છતાં ભારતીય રૂપિયો મજબૂતીથી ટકી રહ્યો છે એટલું જ નહીં પરંતુ અન્ય દેશોનાં ચલણ સામે સારું પરફોર્મન્સ કરી રહ્યો છે.
તો હવે પ્રશ્ન એ છે કે ડૉલર શા માટે મજબૂત થઈ રહ્યો છે? તેનું કારણ છે યુએસ ફેડરલ રિઝર્વનો દર. ફેબ્રુઆરી 2022માં આ દર શૂન્ય હતો તે હવે 3.5 ટકા છે. અહીં સમજવાનો મુદ્દો એ છે કે અમેરિકી બેંકોએ દૈનિક ધોરણે યુએસ ફેડ બેંકમાં એક નિશ્ચિત રકમ જાળવવી ફરજિયાત હોય છે. એ માટે અમેરિકી બેંકોએ અન્ય બેંકો પાસેથી લોન લેવી પડે અને એ લોન પરના વ્યાજદરને ફેડ વ્યાજ દર કહેવામાં આવે છે.
ફેડ જ્યારે વ્યાજદર વધારે ત્યારે વિશ્વના તમામ રોકાણકારો તેમનાં વર્તમાન રોકાણોમાંથી નાણા કાઢી લે અને તેને યુએસ ફેડમાં રોકાણ કરે કેમ કે ફેડબેંકમાં રોકાણને હાલની મુશ્કેલ સ્થિતિમાં સૌથી સલામત માનવામાં આવે છે.
વળી ફેડબેંકમાં રોકાણ માત્ર અમેરિકી ડૉલરમાં કરી શકાય જેથી રોકાણકારોએ અમેરિકી ડૉલરની જરૂર પડે અને આ રીતે ડૉલરની માંગ વધે અને માંગ વધવાથી ડૉલરનું મૂલ્ય ઊંચું જાય. છેલ્લા છ મહિનાથી આવું થઈ રહ્યું છે.
તો પ્રશ્ન એ પણ થાય ખે ફેડ શા માટે વ્યાજદર વધારે છે? તેનો જવાબ છે, ફુગાવાને નિયંત્રણમાં રાખવે. વ્યાજદર જેટલો ઊંચો જાય તેટલું વધારે વ્યાજ બચત ખાતામાં, એફડી ઉપર મળે. એ જ રીતે ક્રેડિટ કાર્ડ, ઘરની લોનના વ્યાજ પણ ઊંચા જાય. લોકો ખર્ચ કરવાનું બંધ અથવા ઓછું કરીને રોકાણ કરવાનું શરૂ કરે. બજારમાં નાણાનો પ્રવાહ નીચો જાય, પરિણામે ચીજ-વસ્તુઓના ભાવની માંગ ઘટવાથી ભાવ નીચા જાય.
આ એક પ્રકારનું મૂળભૂત અર્થતંત્ર છે. આથી જ ફુગાવાને નિયંત્રણમાં લેવા અમેરિકા ફેડ દર વધારી રહ્યું છે, તેને પરિણામે અમેરિકી ડૉલરની માંગ વધી છે અને સરવાળે અન્ય દેશોનાં ચલણ સામે ડૉલર મજબૂત થયો છે.
સમગ્ર મુદ્દાનું તારણ એ છે કે, અમેરિકી ડૉલર મજબૂત થઈ રહ્યો છે, પણ રૂપિયો નબળો પડી રહ્યો નથી. વાસ્તવમાં રૂપિયો 2008થી 2014ના સમયગાળામાં નબળો પડ્યો હતો. 2010થી 2014ના ગાળામાં ફેડ દરો શૂન્ય હતા. છેલ્લા 40 વર્ષનો ડૉલરનો ઈન્ડેક્સ જોવામાં આવે તો 2001થી 2003 અને 2022માં ડૉલર સૌથી વધુ મજબૂત દેખાય છે. પણ 2008થી 2014ના ગાળામાં ડૉલર તમામ છ મુખ્ય દેશોનાં ચલણની સામે નબળો હતો.
2008માં એક ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય 40 હતું અને 2014માં આ મૂલ્ય 63 હતું. વૈશ્વિક સ્તરે ડૉલર નબળો હતો અને ફેડ દરો શૂન્ય હતા છતાં ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો હતો, તેના મૂલ્યમાં ત્યારે 50 ટકાનો ઘટાડો થયો હતો. તેને કહેવાય રૂપિયો નબળો પડવો.
આ સમગ્ર સમીક્ષા પરથી મૂળભૂત અર્થતંત્ર અને વિનિમય દર વિશે સમજી શકાય છે. પરંતુ ખેદજનક બાબત એ છે કે આપણા વિપક્ષી રાજકારણીઓ તેમજ પત્રકારોનું ધોરણ અને ઈરાદા એ હદે ચિંતાજનક છે કે તેઓ ભારતને બદનામ કરવાની એકપણ તક છોડતા નથી.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
