દેશના આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ડીબીટી પદ્ધતિથી 16000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા

દેશના આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ડીબીટી પદ્ધતિથી 16000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા

— વડાપ્રધાનના હસ્તે 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું ઉદ્દઘાટન અને વન નેશન વન ફર્ટિલાઈઝર અંતર્ગત ભારત બ્રાન્ડના ખાતરનું લોન્ચિંગ

— 2014 પહેલા યુરિયાની કાળા બજારી થતી હતી, દેશમાં કાર્યરત છ કારખાનાઓને યોજના પૂર્વક બંધ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે યુરિયા ખાતર આયાત કરવું પડતું હતું અને અમુક લોકોના ખિસ્સા તેમાં ભરાતા હતા

— ગુજરાત, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે રાજ્યો પ્રાકૃતિક ખેતી પર ખૂબ કામ કરી રહ્યા છે. ગુજરાતમાં જિલ્લા સ્તરે અને ગ્રામ પંચાયત સુધી પ્રાકૃતિક ખેતી માટેની યોજનાઓ પહોંચાડવામાં આવી છે

— કોરોનાની પરિસ્થિતિ હોવા છતાં પણ આપણી કૃષિ નિકાસ ૧૮ ટકા જેટલી વધી છે તે ખૂબ મોટી ઉપલબ્ધિ કૃષિ ક્ષેત્રમાં આપણને મળી 

નવી દિલ્હીઃ  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે સોમવારે કિસાન સન્માન નિધિનો બારમો હપ્તો દેશભરના આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ડીબીટી પદ્ધતિથી 16000 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આજના આ પ્રસંગે વડાપ્રધાનના  હસ્તે 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું ઉદ્દઘાટન હાથ ધરવામાં આવ્યું હતું અને  સાથે વન નેશન વન ફર્ટિલાઈઝર અંતર્ગત ભારત બ્રાન્ડના ખાતરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કિસાન સન્માન નિધિ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ઉપસ્થિત અને વર્ચયુલી જોડાયેલા સૌ સ્ટાર્ટ અપ તેમજ લાખો ખેડૂત ભાઈઓને આવકાર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ “જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન”નું સૂત્ર સૌને અર્પણ કર્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને સંબોધતા જણાવ્યું કે ખેડૂતોના જીવનને સુદ્રઢ, સમૃદ્ધ અને અત્યાધુનિક બનાવવા માટેના ખૂબ મોટા પગલાં આજે લેવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું કે આજે 600થી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રનો શુભારંભ હાથ ધરવામાં આવ્યું છે અને આજના પ્રસંગે આયોજિત સ્ટાર્ટ અપ પ્રદર્શનમાં એક થી વધીને એક તકનીકી આધુનિકરણ જોવા મળ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર થકી એક જ જગ્યાએ એક જ છત હેઠળ ખેડૂત ભાઈઓને બિયારણ સંબંધી, ખાતર સંબંધી,જમીનના સોઇલ ટેસ્ટિંગ સંબંધી કે અન્ય કોઈપણ પ્રશ્ન હશે તેનો જવાબ મળશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈઓને જણાવ્યું કે આજે આઠ કરોડથી પણ વધુ ખેડૂત ભાઈઓના ખાતામાં 16 હજાર કરોડથી વધુ રકમનો બારમો હપ્તો જમા કરાવવામાં આવે છે અને આપ લોકો આપના મોબાઇલમાં જોશો તો તરત ખ્યાલ આવશે કે કોઈપણ વચેટીયા કે કટકી વગર આપના ખાતામાં આ પૈસા જમા થઈ ચૂક્યા છે. ખેતીના કાર્યો માટે સમયસર પૈસા આપના ખાતામાં પહોંચે તે કેન્દ્ર સરકારની ફરજ છે અને લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે એગ્રી સ્ટાર્ટ અપના આયોજન થકી ખેડૂતોના જીવનમાં ખૂબ મોટા પરિવર્તન આવશે. સીમિત જમીનમાં કેવી રીતે વધુ ઉત્પાદન કરી શકાય, કેવી રીતે પૈસાની બચત કરીને વધુમાં વધુ પાક મેળવી શકાય, ખાતરનો કેટલો ઉપયોગ કરવો તે બાબતની માહિતી મેળવી શકાય આ માટે દેશનું યુવા ધન ખેડૂતોનું ભાગીદાર બની રહ્યું છે તે માટે દેશના સૌ યુવાનોને લાખ લાખ અભિનંદન પાઠવું છું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન નેશન- વન ફર્ટિલાઇઝર અંતર્ગત “ભારત” બ્રાન્ડ અંતર્ગત ઉચ્ચતમ ગુણવત્તાવાળું ખાતર યોગ્ય ભાવે સૌને મળી રહે તેનું આયોજન કરવા બદલ વિભાગના મંત્રીશ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાને અને તેમના વિભાગને લાખ- લાખ અભિનંદન પાઠવ્યા હતા. 2014 પહેલા યુરિયાની કાળા બજારી થતી હતી, દેશમાં કાર્યરત છ કારખાનાઓને યોજના પૂર્વક બંધ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે યુરિયા ખાતર આયાત કરવું પડતું હતું અને અમુક લોકોના ખિસ્સા તેમાં ભરાતા હતા. અત્યારે છ એ છ કારખાના ફરી એક વખત શરૂ કરવા માટે અને દેશને યુરિયા બાબતે આત્મ નિર્ભર બનાવવા માટે ખૂબ મોટા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વિશ્વના સૌ પ્રથમ નેનો લિક્વિડ યુરિયા થકી ખેડૂતોને બોરીનું વજન નહીં ઉંચકવું પડે અને ખાતરનો ઉપયોગ ખૂબ સરળ થઈ જશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યું કે આજના પાવન દિવસે ખેડૂતોના જીવનમાં બે અગત્યના ખૂબ મોટા બદલાવ આવી રહ્યા છે. દેશભરની 3.25 લાખથી વધુ ખાતરની દુકાનોને કિસાન સમૃદ્ધિ યોજના અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવશે અને ત્યાંથી જ ખેતી માટેના ઉપકરણો,ખાતર,જમીનની સોઇલ ટેસ્ટિંગ જેવી બધી જ સગવડો અને આધુનિક ખેતી માટેની બધી જ જાણકારી એક જ જગ્યાએથી આપવામાં આવશે. ખેડૂતને અલગ અલગ જગ્યાએ ભટકવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. બજારમાં જુદી જુદી બ્રાન્ડના યુરીયા મળવાથી ખેડૂતને મનમાં સંશય રહેતો કે કઈ બ્રાન્ડ સારી અથવા તો નબળી અને ઘણી વખત એકની એક બ્રાન્ડ ન મળવાના કારણે ખેડૂત મૂંઝાઈ જતો. ડીએપી,એમઓપી એનપીકે કઈ કંપનીનું ખરીદવું તેની ચિંતા રહેતી અને ઘણી વખત કાળા બજારીના કારણે ખેડૂતોને વધુ પૈસા આપવા પડતા પરંતુ ખાતરનું એક જ બ્રાન્ડ “ભારત” બ્રાન્ડ હોવાના કારણે ખેડૂતને ભ્રમમાંથી મુક્તિ મળશે અને ખેડૂત તેનું ઉત્પાદન વધારી શકશે. ભારત બ્રાન્ડમાં સમગ્ર દેશમાં એક જ જેવી ગુણવત્તા ખેડૂતોને ઉપલબ્ધ થશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે દેશભરના ૮૫ ટકાથી વધુ ખેડૂતો એક થી દોઢ હેકટર જમીન ધરાવનાર નાના ખેડૂત છે અને તેમાં પણ પારિવારિક કારણોસર સમયાંતરે ખેતરના નાના નાના ટુકડા થઈ જતા હોય છે અને આ પર્યાવરણ પરિવર્તન તેમજ પ્રાકૃતિક પ્રકોપોના કારણે ધરતી માતાની તબિયત પણ ખરાબ થતી રહે છે, ધરતી માતા બીમાર પડી જય છે તેની સામે આ નવી વ્યવસ્થાના કારણે વૈજ્ઞાનિક પદ્ધતિ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના કારણે ખેડૂત વધુ ઉત્પાદન કરી શકે છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ જણાવ્યું કે વૈજ્ઞાનિક પદ્ધતિ અને ટેકનોલોજીના ઉપયોગના કારણે 22 કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ જમીનની સેહત કેવી છે તે બાબતે આપણે ખેડૂતોને આપી શક્યા છીએ. 1700થી વધુ જાતના બિયારણ આપણે ખેડૂતોને પહોંચાડી શક્યા છે. ધાન્ય અનાજના પ્રોત્સાહન માટે આવનારું વર્ષ ધાન્ય અનાજનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે જેના કારણે સમગ્ર દુનિયામાં તેની ચર્ચા થશે અને આપણે સમગ્ર દુનિયા સુધી પહોંચી શકીશું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે ખેડૂતો દ્વારા પાણીનો બગાડ ન થાય તે માટે 70 લાખ એક્ટર જમીનમાં માઈક્રો ઇરીગેશનની સિસ્ટમ લગાડવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ભવિષ્યની સમસ્યાઓના સમાધાન માટે પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતી બાબતે સૌને માર્ગદર્શન આપ્યું. ગુજરાત, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે રાજ્યો પ્રાકૃતિક ખેતી પર ખૂબ કામ કરી રહ્યા છે. ગુજરાતમાં જિલ્લા સ્તરે અને ગ્રામ પંચાયત સુધી પ્રાકૃતિક ખેતી માટેની યોજનાઓ પહોંચાડવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને નવા બજાર મળ્યા છે તેના કારણે તેમાં પ્રોત્સાહન જોવા મળ્યું છે અને ઉત્પાદનની વૃદ્ધિ થઈ રહી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી પીએમ સન્માન નિધિ અંતર્ગત બે લાખ કરોડથી પણ વધુ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે જેના કારણે બિયારણ કે ખાતર ખરીદવા માટે ખેડૂતે કોઈની સામે હાથ ફેલાવવા પડતા નથી. પીએમ કિસાન નિધિએ ખેડૂતોની ખૂબ મોટી ચિંતા દૂર કરી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેત અને બજારની દુરીને દૂર કરી શક્યા છીએ. શાકભાજી, ફળ- ફળાદી, દૂધ, માછલી જેવા ઝડપથી નાશ પામતા ઉત્પાદનો માટે કિસાન રેલ, કૃષિ ઉડાન હવાઈ સેવા દ્વારા નાનામાં નાના ખેડૂતોને લાભ મળી રહ્યા છે. દેશ અને વિદેશના માર્કેટ સર કરી શકાય છે. આપણું નિર્યાત વધારી શકાય તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિ હોવા છતાં પણ આપણું કૃષિ નિર્યાત ૧૮ ટકા જેટલું વધવા પામ્યું છે તે ખૂબ મોટી ઉપલબ્ધિ કૃષિ ક્ષેત્રમાં આપણને મળી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ વધુમાં જણાવ્યું કે આજે ડ્રેગન ફ્રુટ એટલે કે કમલમ ફ્રુટની ગુજરાતમાં ખેતી થઈ રહી છે, હિમાચલ પ્રદેશમાંથી બ્લેક ગાર્લિક, અસમમાંથી અંગુર, લદાખમાંથી ખુરબાની, ભાગલપુરમાંથી ઉચ્ચ ક્વોલિટીના કેળા આજે સમગ્ર વિશ્વમાં જઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ જણાવ્યું કે વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટના અભિયાનના કારણે ખેડૂતોને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે અને જિલ્લાઓ એક્સપોર્ટ હબ બની રહ્યા છે. પ્રોસેસડ ફૂડના કારણે કિસાનોને ઉપજનું વધુ વળતર મળી રહ્યું છે. ઉતરાખંડના ધાન્ય અનાજ આજે ડેનમાર્કમાં અને કર્ણાટકનું ઓર્ગેનિક ફૂડ પાઉડર પણ નિર્યાત થઈ રહ્યું છે. 2014 પહેલા સમગ્ર દેશમાં માત્ર બે ફૂડ પાર્ક હતા અને તેની સામે આજે ફૂડ પાર્કની સંખ્યા 23 થઈ ગઈ છે જેના થકી કિસાન ઉત્પાદક સંઘ, સ્વાયત બહેનોના ગ્રુપ, કોલ્ડ સ્ટોરેજ વગેરેને ફૂડ પ્રોસેસથી જોડીને કૃષિ ક્ષેત્રને ખૂબ મોટો વેગ આપવામાં મદદ મળી છે. કૃષિ મંડીઓના આધુનિકરણના કારણે 1.75 કરોડ કિસાનો અને અઢી લાખ જેટલા વેપારીઓ જોડાયા છે અને તેમાં બે લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું ટર્નઓવર થયું છે. અત્યારે ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોને જમીનના નકશા સાથેના પ્રોપર્ટી કાર્ડ આજે આપણે આપી શકીએ છીએ. સાત- આઠ વર્ષ પહેલાં ખેતીમાં સ્ટાર્ટઅપની સંખ્યા 100 આસપાસ હતી તે આજે 3000થી પણ વધુ છે, આમ યુવાનો પોતાના ટેલેન્ટનો ઉપયોગ ગ્રામ્ય અર્થવ્યવસ્થાના ભવિષ્ય માટે કરી રહ્યા છે તે બદલ સૌ યુવાનોને અભિનંદન પાઠવું છું. આજે ડ્રોન થકી ખાતરનું સ્પ્રે કરી શકવાના કારણે કેમિકલનો બગાડ અટકાવી શકાશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે ખેતી ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભર થવું જ પડશે કારણ કે વૈશ્વિક પરિસ્થિતિઓ અને પડકારોના કારણે દેશનું ખૂબ મોટું હૂંડિયામણ વિદેશોમાં જતું રહે છે અને બે વર્ષ પહેલાં કોરોના તેમજ હમણાં યુદ્ધના કારણે સપ્લાય ચેનમાં ખૂબ ફરક પડ્યો છે જેના કારણે દેશમાં ખાદ્ય પદાર્થોની અછત વર્તાઈ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રૂ.75 થી 80 કિલોના ભાવનું ખાતર આજે આયાત કરીને ખેડૂતોને પાંચથી છ રૂપિયા કિલોના ભાવમાં આપવાના કારણે અઢી લાખ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. જેના કારણે વિકાસના વિવિધ કામો અટકાવવા પડે છે માટે આત્મ નિર્ભર બનીશું તો દેશનો વિકાસ અટકાવવો નહીં પડે. ખાદ્ય તેલ, કાચું તેલ, યુરિયા વગેરેના પર્યાય સમા ઉત્પાદકો વિકસાવવા પડશે. કાચા તેલની સામે ખેડૂત ભાઈઓના અથાગ પ્રયત્નોથી ઇથેનોલ વિકસાવી શક્યા છીએ અને 10% જેટલું ઇથેનોલ અત્યારે પેટ્રોલમાં મીલાવી શકીએ છીએ. તલની પેદાવાર વધારીને આપણે ખાદ્ય તેલની આયાતને પણ ઓછી કરી શકીશું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ ખેડૂતોને અભિનંદન આપતા જણાવ્યું કે 2015માં સરકારના એક જ આહ્વાનથી દાળનું ઉત્પાદન આજે દેશમાં 70% જેટલું વધવા પામ્યું છે જેના કારણે આપણો આયાત ખર્ચ ઘટ્યો છે અને ભાવને કાબુમાં રાખવામાં સફળ થયા છીએ.

દેશ ગુજરાત