ગુજરાતીઓની સિદ્ધિ અમુક લોકોને પચતી નથીઃ નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કર્યો આક્રોશ

ગુજરાતીઓની સિદ્ધિ અમુક લોકોને પચતી નથીઃ નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કર્યો આક્રોશ

જૂનાગઢઃ  ગુજરાતીઓની સિદ્ધિ અમુક લોકોને પચતી નથી તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જૂનાગઢ ખાતે જાહેરસભાને સંબોધતા ગુજરાત-દ્વેષીઓની સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

નરેન્દ્રભાઈએ કહ્યું કે, “ગયા બે દાયકાથી વાંકદેખા લોકો, વિકૃત માનસિકતાવાળા લોકોમાં એક અલગ પ્રકારની અજીબ સોચ ઉભી થઇ છે. ગુજરાતમાં કંઇ પણ સારું થાય, ગુજરાતમાં કોઇ નામ કમાય, ગુજરાતમાં કોઇ માણસ પ્રગતિ કરે, ગુજરાત પ્રગતિ કરે તો એ લોકોના પેટમાં ઉંદરડા દોડવા માંડે છે. ગુજરાતને અપમાનિત કરવાનું, બેફામ ભાષાનો પ્રયોગ કરવાનો, કેટલાક રાજકીય પક્ષોને તો જાણે ગુજરાતને, ગુજરાતીઓને ગાળો દીધા વિના એમની રાજનીતિક વિચારધારા જ અધૂરી રહે છે. આની સામે ગુજરાતે આંખ લાલ કરવાની જરુર છે કે નથી? મહેનત ગુજરાતી કરે, તપ ગુજરાતી કરે, દેશભરના લોકોને રોજી આપવાનું કામ કરે એ ગુજરાતને બદનામ કરવામાં આવે? આ સહન કરવું છે? હવે ગુજરાતીઓનું અપમાન ગુજરાતની ધરા સહન નહીં કરે” તેમ વડાપ્રધાને આક્રોશપૂર્વક કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેક 2014થી કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો ગુજરાતનું અને ગુજરાતી નેતાઓનું સતત અપમાન કરતા રહ્યા છે. તાજેતરમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુજરાતની મુલાકાત દરમિયાન એક નિવેદનમાં કહ્યું હતું કે, દેશમાં 70 ટકા મીઠું ગુજરાતમાંથી જાય છે. ત્યારે કોંગ્રેસના અમુક નેતાઓ ગુજરાતના વખાણ કરવા બદલ રાષ્ટ્રપતિનું અપમાન કરતા પણ અચકાયા નહોતા. જોકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આજના તેમના ઉદ્દબોધનમાં કોઈ પક્ષ કે નેતાનું નામ લીધા વિના ગુજરાત અને ગુજરાતીઓને અપમાનિત કરનારા લોકોની ઝાટકણી કાઢી હતી.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, રાજનીતિને વાડાઓમાં બાંધવાના કલ્ચર સામે ચેતવણી જવી જોઇએ. એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને ચૂરચૂર ન થવા દેવાય. સરદાર સાહેબ જેવા લોકોની મહેનત પાણીમાં ન જવા દેવાય. નિરાશા ફેલાવનારા આ લોકો પોતાની નિરાશાને ગુજરાતની પ્રજાના મન પર થોપી દેવાવાળા લોકોને, જાત જાતના જૂઠ પીરસનારા લોકોથી ચેતવાની જરુર છે. ગુજરાતની એકતા એ ગુજરાતની તાકાત છે. ગુજરાતે એક બનીને નેક બનીને દેશના ભલા માટે ક્યારેય પાછીપાની નથી કરી.

નરેન્દ્રભાઈ મોદીએ એક વૈશ્વિક નેતાની જેમ વ્યાપક દૃષ્ટિ દાખતા કહ્યું કે, દેશના કોઇપણ ખૂણાની કોઇપણ રાજ્યની વ્યક્તિને કોઇ ક્ષેત્રે સિદ્ધિ મળે તો આપણને ગર્વ થાય કે ન થાય, આનંદ થાય કે ન થાય?

દેશ ગુજરાત