Advertisement
Since 2006
Gujarat is something we are passionate about
Advertisement
Gujarati

નાના માછીમારોને દિવાળીની ભેટઃ કેરોસીન સહાયની રકમ વધારી ૫૦/- કરાઈ; વાર્ષિક જથ્થામાં પણ વધારો

By DeshGujarat News Desk
નાના માછીમારોને દિવાળીની ભેટઃ કેરોસીન સહાયની રકમ વધારી ૫૦/- કરાઈ; વાર્ષિક જથ્થામાં પણ વધારો

¤ ફીશિંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય અપાશે

¤ યાંત્રિક હોડીધારક માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ અપાતું ડીઝલ સરકારની માન્યતા પ્રાપ્ત ડીઝલપંપો પૈકી કોઇપણ ડીઝલ પંપ પરથી ડીઝલ ખરીદીવાની છૂટ અપાઈ

¤ ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./આઉટ બોર્ડ મશીનની ખરીદી ઉપર સહાય અપાશે

Advertisement

¤ માછીમારીની વીસ મીટરથી ઓછી લંબાઇની હોડીઓમાં વપરાતા હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહતમાં હોર્સપાવર દીઠ વાર્ષિક જથ્થામાં વધારો કરાયો

ગાંધીનગરઃ  રાજ્યના નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે નાના માછીમારોને સહાયરૂપ થવા માટે વિવિધ મહત્વના નિર્ણયો કરીને દિવાળીની ભેટ આપી છે જેમાં આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ લીટર રૂ.૨૫/- લેખે પ્રતિ માસ મહત્તમ ૧૫૦ લીટર તથા વાર્ષિક ૧૪૭૨ લીટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી તેમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. તદ્અનુસાર કેરોસીન સહાયની રકમ રૂ.રપ/- થી વધારી રૂ.૫૦/-કરવામાં આવી છે. વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો ૧૪૭૨ લીટરથી વધારી ૧૫૦૦ લીટર કરવામાં આવ્યો છે. આ સુધારાથી આશરે ૪૦૦૦ જેટલા નાના-ગરીબ આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને માછીમારીના ધંધામાં કેરોસીનના વધતા જતા ભાવો સામે આર્થિક ફાયદો થશે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવાયું છે.

આઉટ બોર્ડ મશીન જે સામાન્ય રીતે માછીમારો અગાઉ જ્યારે કેરોસીનના ભાવો પેટ્રોલની સરખામણીએ ઓછા હતા ત્યારે પેટ્રોલથી સ્પાર્ક કરી ઇંધણ તરીકે કેરોસીનનો વપરાશ કરીને ચલાવતા હતા. હાલમાં કેરોસીન અને પેટ્રોલના બજાર ભાવમાં ખાસ કોઇ તફાવત રહ્યો નથી. તેવા સંજોગોમાં આવી બોટધારક નાના માછીમારો પૈકી કેટલાક કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશથી બોટ ચલાવે છે. જેથી આવા માછીમારોની લાગણી હતી કે ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશ માટે આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય આપવામાં આવે આ સંદર્ભે રાજય સરકાર દ્વારા નાના માછીમારોને ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા આઉટ બોર્ડ મશીન બોટ ધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય ચુકવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત આવા માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતું ડીઝલ સરકારની માન્યતા પ્રાપ્ત ડીઝલપંપો પૈકી કોઇપણ ડીઝલપંપ પરથી ડીઝલ ખરીદવાની છૂટ આપવામાં આવી છે. જેના પરિણામે ડીઝલ વિતરણ કરતા પંપોમાં આંતરીક હરીફાઇ થવાથી માછીમારોને મૂળભૂત સુવિધાઓ તેમજ ગુણવત્તા યુક્ત ડીઝલનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે તેમજ માછીમારોને નજીકના પંપેથી ડીઝલ મળતાં ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ પણ ઘટી જશે. જેથી માછીમારો સરળતાથી માછીમારીનો વ્યવસાય સફળતાપૂર્વક કરી શકશે.

આ ઉપરાંત વર્ષ ૨૦૧૬.૧૭ થી વર્ષ ૨૦૨૦.૨૧ સુધી બાકી રહેલા નાના માછીમારો ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./ઓ.બી.એમ. ની ખરીદી ઉપર સહાયની યોજના અન્વયે  કુલ- ૧૨૮૭ લાભાર્થીઓને રૂ.૬૦,૦૦૦/- (અંકે રૂપિયા સાંઇઠ હજાર પુરા) લેખે બાકી રહેલી સહાય કુલ રૂ.૭,૭૨,૨૦,૦૦૦/- (અંકે રૂપિયા સાત કરોડ બોંતેર લાખ વીસ હજાર પુરા) રાજ્ય સરકાર ધ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતા હોર્ષ પાવર દીઠ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ચાર કેટેગરીમાં ક્રમશઃ ૫૦૦૦ લીટર, ૬૦૦૦લીટર, ૭૦૦૦ લીટર તથા ૮૦૦૦ લીટર વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ કેટેગરીમાં ૧ થી ૪૪ હોર્ષ પાવરની બોટોને ૧૩,૦૦૦ લીટરને સ્થાને ૧૮,૦૦૦, બીજી કેટેગરીમાં ૪૫ થી ૭૪ હોર્ષ પાવરની બોટોને ૧૮,૦૦૦ લીટરને સ્થાને ૨૪,૦૦૦, ત્રીજી કેટેગરીમાં ૭૫ થી ૧૦૦ હોર્ષ પાવરની બોટોને ૨૩,૦૦૦ લીટરને સ્થાને ૩૦,૦૦૦ અને ચોથી કેટેગરીમાં ૧૦૧ અને તેથી ઉપરના હોર્ષ પાવરની બોટોને ૨૬૦૦૦ લીટરને સ્થાને ૩૪૦૦૦ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થાનો લાભ આપવામાં આવશે. આ નિર્ણયના કારણે આશરે ૧૦,૦૦૦ જેટલા માછીમારોને આર્થિક લાભ થશે.

દેશ ગુજરાત

Share this story
Get DeshGujarat every morning

The day's top stories in your inbox at 7 am, your time. Free.

Shorts

DeshGujaratHDAll on YouTube →