વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરામાં વિમાન નિર્માણ એકમ માટે શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરામાં વિમાન નિર્માણ એકમ માટે શિલાન્યાસ કરશે

વડોદરાઃ  ભારતીય હવાઈ દળ (આઈએએફ) માટે માલવાહક વિમાનોનું નિર્માણ કરવાના પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શિલાન્યાસ કરશે તેવી શક્યતા છે. 30 ઑક્ટોબરને રવિવારે વડોદરાના લેપ્રસી મેદાન ખાતેથી તેઓ આ શિલાન્યાસ કરી શકે છે. તે સાથે વડાપ્રધાનના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ થશે.

આ સાથે ગુજરાતમાં સૌપ્રથમ ખાનગી ધોરણે વિમાન નિર્માણ સુવિધા શરૂ થશે. આ માટે ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા યુરોપની વિમાની કંપની એરબસ સાથે 56 સી-295 માલવાહક વિમાન માટે રૂપિયા 22,000 કરોડના સોદા ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બર 2021માં થયેલા કરાર મુજબ એરબસ તેના સ્પેન ખાતેના પ્લાન્ટમાંથી 16 વિમાન  રેડી ટુ ફ્લાય સ્થિતિમાં આપશે, જ્યારે બાકીના 40 વિમાનનું ઉત્પાદન અને એસેમ્બલિંગ ભારતમાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (ટીએએસએલ) દ્વારા કરવામાં આવશે. સી-295 વિમાનો ભારતીય હવાઈ દળના જૂના થઈ ગયેલા એવેરોસનું સ્થાન લેશે. આ અંગે થયેલી સમજૂતી મુજબ ભારતમાં વિમાનોનું ઉત્પાદન 2025માં શરૂ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ ઑક્ટોબરે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતી વખતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિમાનોનું ઉત્પાદન થશે એ દિવસો દૂર નથી. તેમણે કહ્યું હતું કે, અગાઉ આપણે ગુજરાતમાં સાયકલ પણ બનાવતા નહોતા, પણ હવે કારનું નિર્માણ થાય છે અને વિમાનનું નિર્માણ અહીં શરૂ કરીશું.

સમજૂતી પર હસ્તાક્ષર કરતી વખતે એરબસે કહ્યું હતું કે, આ પગલાથી ભારતની એરોસ્પેસ ઇકોસિસ્ટમ મજબૂત થશે અને આગામી દસ વર્ષમાં 15,000 કુશળ લોકોને સીધી અને 10,000 આડકતરી રોજગારી મળશે. તમામ સી-295 પરિવહન વિમાનો સ્વદેશી ઇલેક્ટ્રોનિક વૉરફેર સ્યૂટથી સજ્જ હશે.

દેશ ગુજરાત