હું ઈચ્છું છું કે ગુજરાત આ વખતે મારો પણ રેકોર્ડ તોડેઃ કપરાડામાં નરેન્દ્રભાઈએ ગુજરાતીઓમાં જોમ ભર્યું

હું ઈચ્છું છું કે ગુજરાત આ વખતે મારો પણ રેકોર્ડ તોડેઃ કપરાડામાં નરેન્દ્રભાઈએ ગુજરાતીઓમાં જોમ ભર્યું

કપરાડાઃ   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વલસાડના કપરાડામાં એક જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોએ ફરી એક વાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી દીધું છે. ગુજરાત ફરી ભાજપ સરકાર બનાવશે તેની સાથે જૂના તમામ રેકોર્ડ તોડવાનુ પણ મન બનાવી દીધું છે. આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ મારી પાસે જેટલો સમય માંગશે એટલો સમય હું આપીશ. આ વખતની ચૂંટણીમાં હું મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા પછી વડાપ્રધાન સૌપ્રથમ ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા. તેમણે આદિવાસી વિસ્તારમાં પ્રથમ સભા રાખવા બદલ ગુજરાત ભાજપનો આભાર માન્યો હતો.

ગુજરાતના નાગરિકોમાં જોમ ભરી દે એવું વક્તવ્ય આપતા નરેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું કે, નરેન્દ્ર કરતાં ભુપેન્દ્રના રેકોર્ડ મોટા હોય તેના માટે કામ કરવું છે. ભારતીય જનતા પાર્ટી સતત નવા લોકોને આગળ કરતી રહી છે. આ વખતે પણ ગુજરાતની અંદર જનતા જનાર્દન ભાજપનો વિજય વાવટો લહેરાવશે. આ વખતની ચૂંટણી ન તો ભાજપ લડે છે, ન તો ભુપેન્દ્ર લડે છે કે ન તો નરેન્દ્ર લડે છે આ ચૂંટણી તો મારા ગુજરાતના ભાઇ-બહેનો લડે છે.

બે દાયકા પહેલાં ગુજરાતમાં નિરાશાનું વાતાવરણ હતું. ભુંકપ પછી લોકો માનતા કે ગુજરાત હવે ફરી બેઠું નહીં થઈ શકે. વારંવાર હુલડ થતા અને નિર્દોષ લોકોનાં મૃત્યુ થતાં તેવા દિવસો હતા. આ બધા પડકારોને ઝીલી ગુજરાતીઓએ ભેગા થઈ દુનિયામાં ડંકો વગાડ્યો છે. તમામ મુશ્કેલીઓમાંથી આપણે મહેનત કરીને આગળ આવ્યા છીએ, તમામ પડકારોનો હિંમતથી સામનો કર્યો છે. અને એટલે જ દરેક ગુજરાતીના અંતર-મનમાંથી અવાજ નીકળે છે… આ ગુજરાત મેં બનાવ્યું છે, તેમ જણાવી વડાપ્રધાને સભામાં ઉપસ્થિત નાગરિકોને “આ ગુજરાત મેં બનાવ્યું છે” એવા સૂત્રોચ્ચાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

દેશ ગુજરાત