જપન પાઠક દ્વારા, ગુજરાત ચૂંટણી 2022 શ્રેણી ભાગ 3 : સ્થાનિક ચૂંટણીઓમાં ભવ્ય જીત આપી લોકોએ 2015 અને 2017થી બનેલી છાપ સંપૂર્ણ મિટાવી
November 12, 2022
જપન પાઠક દ્વારા
વર્ષ 2020ના પાછોતરા ભાગમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓ યોજાઇ અને આઠેયમાં ભવ્ય વિજય પછી વધુ આત્મવિશ્વાસસભર ભાજપે વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ફરીથી વધુ ભવ્ય સફળતા મેળવી. આ બેઉ વિજયોની અસર આજે પણ ગુજરાતની હવામાં વર્તાય છે અને તે જ મોટું પરિબળ છે કે જેના કારણે મોટાભાગના લોકો આજે દ્રઢપણે માને છે કે ભાજપ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આગળ રહેશે.
વર્ષ 2021ની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજેપ તમામ 31 જિલ્લા પંચાયત જીતી લીધી, 81માંથી 75 નગરપાલિકા જીતી લીધી અને 231માંથી 200થી વધુ તાલુકા પંચાયત જીતી લીધી. આ ઉપરાંત ભાજપે ગઇ વખત કરતા વધુ બેઠકો સાથે તમામ મહાનગરપાલિકાઓમાં વિજય મેળવ્યો. ભાજપે ચૂંટણીમાં ગયેલી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની 8,470 કુલ બેઠકો પૈકી 6,236માં વિજય મેળવ્યો. આ પ્રકારે કુલ બેઠકો પૈકીની પંચોતેર ટકા બેઠકો જીતી. મહાનગરપાલિકાની જીત પાછી અલગ. 2015 અને 2021ના મહાનગરપાલિકાના ચૂંટણીના પરિણામોમાં ભાજપને મળેલી બેઠકોની સંખ્યાની તુલના કરીએ તો અમદાવાદમાં ભાજપે 143થી 159નો, વડોદરામાં 57થી 69નો, સુરતમાં 79થી 93નો, રાજકોટમાં 38થી 68નો, ભાવનગરમાં 34માંથી 44નો અને જામનગરમાં 38થી 50નો કૂદકો લગાવી 85 ટકા બેઠકો જીતી લીધી. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પક્ષ એક પણ જિલ્લા પંચાયત ન જીતી શક્યો. કોંગ્રેસ માત્ર બે નગરપાલિકામાં જીત મેળવી શકી અને તે પણ ત્યાં મુસ્લિમ મતોના બહુમતને કારણે.
સ્થાનિક ચૂંટણીઓમાં વિજય એ ભાજપની ગુજરાતમાં સતત જીતની શ્રેણીમાં વધુ એક પડાવ હતો. આ વિજયયાત્રામાં લોકસભાની વર્ષ 2019ની ચૂંટણીમાં તમામ બેઠકો પર વિજય, વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં વિજય અને તે પછી સ્થાનિક ચૂંટણીઓમાં વિજયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીઓમાં પણ ભાજપે પોતાની પાત્રતા હતી તેના કરતા બે બેઠકો વધારાની મેળવી હતી.
વર્ષ 2021ના પાછોતરા ભાગમાં ભાજપે મોરવાહડફની વિધાનસભાની પેટાચૂંટણી તો જીતી જ. ઉપરાંત ઓખા, થરા અને ભાણવડ નગરપાલિકાઓની પણ સામાન્ય-મધ્યવર્તી ચૂંટણીઓ યોજાઇ જેમાં મુસ્લિમ મતોને કારણે ભાણવડમાં કોંગ્રેસની જીત થઇ પરંતુ થરા અને ઓખામાં ભાજપ જીત્યો. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની પણ ચૂંટણી થઇ જેમાં ભાજપે સહુ પ્રથમ વખત સ્પષ્ટ ચૂંટણી વિજય મેળવ્યો અને તે વિપક્ષના મતોમાં વિભાજનના લાભે અભૂતપૂર્વ બેઠક સંખ્યા સાથે. તો વાપી નગરપાલિકાની પણ ચૂંટણી થઇ જેમાં ભાજપે પુનઃ વિજય મેળવ્યો.
2021ની સ્થાનિક ચૂંટણીઓના ભવ્ય વિજયે 2015ની અનામત આંદોલનની અસરો અને 2017ના 99 બેઠકો માત્રથી થયેલા વિજયની કટુ પરિસ્થિતિથી સર્જાયેલા વાતાવરણને પાછું છોડી દીધું. ઉલ્લેખનીય છે કે અનામત આંદોલનો વચ્ચે યોજાયેલી 2015ની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને હરાવવાના આંદોલનકારીઓના આહવાન, સિંચાઇની સમસ્યા અને પાકના ટેકાના ભાવ અંગેના અસંતોષના વાતાવરણ વચ્ચે પણ ભાજપે તમામ છ મહાનગરપાલિકાઓની અને 56માંથી 42 નગરપાલિકાઓની ચૂંટણીઓ તો જીતી લીધી હતી પરંતુ ગ્રામીણ મતદારોના ઝોકવાળી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપનો રકાસ થયો હતો. કોંગ્રેસે 31માંથી 24 જિલ્લા પંચાયતો જીતી લીધી હતી અને તેમાંની 23 તો ભાજપ પાસેથી ખૂંચવી લીધી હતી. કોંગ્રેસે 193માંથી 113 તાલુકા પંચાયતો પણ ભાજપ પાસેથી ખૂંચવી હતી. કોંગ્રેસને 52 ટકા મતો મળ્યા હતા જ્યારે ભાજપને 44 ટકા. મે 2014માં ભાજપને 59.1 ટકા મત મળ્યા હતા તેની સરખામણીમાં આ ગજબનો ઉલટફેર હતો.
હવે આની સરખામણીમાં 2021ની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ માટે સુધરેલી પરિસ્થિતિ જુઓ. 2015માં ભાજપે શહેરી વિસ્તારોમાં તો ધારી સફળતા મેળવી જ હતી અને તેને 50.28 ટકા મત મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં મળ્યા હતા, આની સામે 2022માં 52.90 ટકા મળ્યા. પરંતુ 2015માં ગ્રામીણ વિસ્તારોમાં એટલેકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને જેે ફટકો પડયો હતો તેની તુલનાએ 2021ની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે ગજબ પ્રગતિ સાધી. ભાજપે જિલ્લા પંચાયતોના કિસ્સામાં 45.52 ટકાથી વધીને 52.88 ટકા મતો મેળવ્યા તો તાલુકા પંચાયતોમાં 44.49 ટકાથી વધીને 51.20 ટકા મતો મેળવ્યા. આમ ભાજપે શહેરી વિસ્તારોમાં પોતાની સ્થિતિ બહેતર કરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ વધુ બહેતર કરી.
વર્ષ 2021ની આ સ્થાનિક ચૂંટણીઓમાં બીજા ચરણમાં એટલેકે પંચાયતો અને નગરપાલિકાઓવાળા ચરણમાં અઢી કરોડ મતદારો મત આપવા લાયક હતા, તો પહેલા ચરણમાં એટલેકે મહાનગરપાલિકાઓના કિસ્સામાં એક કરોડથી વધુ મતદારો મત આપવા લાયક હતા. આમ સાડા ત્રણ કરોડ એલીજીબલ મતદારોવાળી આ ચૂંટણીઓ હતી. આ રીતે આ ગુજરાતના મૂડનું સારું એવું સેમ્પલ હતું. પ્રનોય રોય અને દોરાબ સોપારીવાલા તેમના પુસ્તક વર્ડીક્ટમાં લખે છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આવનારા બે વર્ષની અંદર અંદરની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો માટે સૂચક હોય છે. આ વાત સાચી છે. 2015ની સ્થાનિક ચૂંટણીઓના પરિણામોની તુલના 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સાથે કરી શકાય તેવી હતી. તે જ રીતે 2021ની સ્થાનિક ચૂંટણીઓના પરિણામો 2022ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં જોવા મળે તે હાલનું માહોલ જોતા શક્ય લાગે છે. વિશેષ કરીને જ્યારે બે વર્ષની અંદર રાજ્યમાં સાંલગ્નિક માહોલ બહુ બદલાયું નથી ત્યારે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
