પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 19 જિલ્લાના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે
November 30, 2022
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. પ્રથમ તબક્કામાં તા. 1લી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે; એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.
મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે પ્રથમ તબક્કામાં કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન યોજાશે. તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી આ તમામ 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ રૂમમાં 42 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ મતદાન સવારે 8:00 વાગે શરૂ થાય તે પૂર્વેથી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. છ જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે. સવારે 6.30 વાગ્યાથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાર સુધી સતત અવલોકન ચાલુ રહેશે.
પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરાશે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે.
મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાય અને સમગ્ર પ્રક્રિયા સરળતાથી ચાલે તે હેતુથી કેન્દ્રીય અનામત દળો, પોલીસ સ્ટાફ અને માઈક્રો ઓબ્ઝર્વર્સ તહેનાત હોય છે. વધુમાં, લાઈવ વેબકાસ્ટિંગથી આ તમામ વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ થશે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
