રાજ્યપાલશ્રીના સંબોધન સાથે પંદરમી ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રનો પ્રારંભ
December 20, 2022
ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પંદરમી ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રારંભે ગૃહને સંબોધન કર્યુ હતું. પંદરમી ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના શુભારંભ અવસરે રાજ્યપાલશ્રીએ તમામ ધારા સભ્યોનું સ્વાગત કરી ગૃહના સભ્ય તરીકે ચૂંટાવા બદલ તમામ વિધાનસભ્યોને અભિનંદન પાઠવી શુભકામના આપી હતી.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે ગુજરાતની જનતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકતાંત્રિક મૂલ્યોનું જતન કર્યું છે, ત્યારે સંસદીય લોકતંત્રના આ પવિત્ર ભવનમાં જનસેવાના કલ્યાણકારી કર્યો દ્વારા ગુજરાતના વિકાસ માટે સૌ સભ્યો હંમેશા પ્રતિબદ્ધ રહેશે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા સર્વજન હિતાય અને સર્વજન સુખાયના સિદ્ધાંતને અનુસરીને પારદર્શી પ્રશાસન અને પરિણામદાયી કાર્યો દ્વારા પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ગુજરાતને વિકાસના ઉચ્ચત્તમ શિખરે સ્થાપિત કરવાના રાજ્ય સરકારના અભિગમને આ જનાદેશ દ્વારા સમર્થન પ્રાપ્ત થયું છે. તેમણે ગુજરાતની જનતા, મુખ્યમંત્રીશ્રી સહિત ગૃહના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
ભારતના વિકાસમાં ગુજરાતના ઉલ્લેખનીય યોગદાનને દોહરાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, વિશ્વસનીય નેતૃત્વ, સ્પષ્ટ નીતિ અને નિયત સારી હોય તો શ્રેષ્ઠ પરિણામ મળે છે. ગુજરાત હંમેશા દેશ અને દુનિયા માટે પથદર્શક રહ્યું છે. સ્વરાજ બાદ સુરાજ્યની સ્થાપના માટે ગુજરાત રાજ્ય દૃઢતાથી આગળ વધી રહ્યું છે. ગુજરાતે આફતોને અવસરોમાં પરિવર્તિત કરીને લોકોની સુખ-સુવિધા માટે માર્ગ ફંડાયો છે. સુશાસન દ્વારા સુરાજ્યના દૃષ્ટિકોણને ચરિતાર્થ કરી, રાષ્ટ્ર નિર્માણ અને વિકાસ કાર્યો માટે ગુજરાતે નવી દિશાનું દર્શન કરાવ્યું છે.
આ એ ગુજરાત છે જેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર મજબૂત છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, સ્વતંત્ર ભારતના નિર્માણમાં ગુજરાતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રશસ્ત ગુજરાતના વિકાસ પથ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર નવા આત્મ વિશ્વાસ સાથે રાજ્યને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જવા કટિબદ્ધ છે. રાજ્ય સરકારે અંત્યોદયથી સર્વોદયની ભાવના સાથે પ્રત્યેક ગુજરાતીને વિકાસ પથ પર અગ્રેસર બનાવવા અનેકવિધ કાર્યયોજનાઓનો અમલમાં મૂકી છે.
પંદરમી વિધાનસભાના પ્રથમ સત્રમાં ગૃહના સભ્યોને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ સહર્ષ જણાવ્યુ હતું કે, ગુજરાત શક્તિશાળી, સમૃદ્ધ અને સુરક્ષિત રાજ્યના રૂપમાં ભારતનું એક આદર્શ રાજ્ય છે. સાડા છ કરોડથી વધુ ગુજરાતીઓના શક્તિ-સામર્થ્યને વિકાસ કાર્ય સાથે જોડીને ગુજરાત સરકાર એક અલગ વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત કરવા સંકલ્પબદ્ધ છે. રાજ્યપાલશ્રીએ આ તકે અભિલાષા વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, સાર્વજનિક જીવનના અનુભવો અને જનતાની અપેક્ષાઓને અનુસરીને ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ રાજ્યની વિકાસયાત્રામાં પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપશે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
