સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેન્કીંગ મશીન પદ્ધતિ તા.૩૧ માર્ચ-૨૦૨૫ સુધી ચાલુ રખાશે

સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેન્કીંગ મશીન પદ્ધતિ તા.૩૧ માર્ચ-૨૦૨૫ સુધી ચાલુ રખાશે

ગાંધીનગર: સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેન્કીંગ પદ્ધતિ તા.૩૦ જૂન-૨૦૨૩ થી બંધ કરવા અને ત્યારબાદ કોઇપણ સંજોગોમાં મુદૃત વધુ નહીં લંબાવવા તથા ફ્રેન્કીંગ મશીનમાં તા.૦૧ એપ્રિલ-૨૦૨૩ પછી પ્રિપેઇડ બેલેન્સ લોડ નહીં કરી આપવાનો રાજ્ય સરકાર ધ્વારા અગાઉ નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આ સંદર્ભે વિવિધ બેંક એસોસીયેશનો દ્વારા જાહેર જનતાની સગવડતા-સુવિધા માટે ફ્રેકિંગ પધ્ધતિ ચાલુ રાખવા રાજ્ય સરકારને વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. જે અન્વયે ફ્રેકિંગ મશીન પધ્ધતિ ચાલુ રાખવા બાબતે રાજ્ય સરકાર દ્વારા નીતિ વિષયક નિર્ણય લઈને જાહેર જનતાની સગવડતા-સુવિધા માટે તા.૩૧ માર્ચ-૨૦૨૫ સુધી ફ્રેન્કીંગ મશીન પદ્ધતિ ચાલુ રાખવા તેમજ હાલના ફ્રેન્કીંગ પરવાનેદારોને ફ્રેન્કીંગ મશીનમાં પ્રિપેઈડ બેલેન્સ લોડ કરી આપવાની મંજૂરી આપવામાં આવી છે તેમ, સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં ફ્રેન્કીંગ પરવાનેદારોને એક દસ્તાવેજ ઉપર ફક્ત રૂ. ૧૦,૦૦૦/- સુધીની મર્યાદામાં ફ્રેન્કીંગ કરી આપવાની શરતે મંજૂરી આપવામાં આવી છે અને આ શરતનો અમલ તા: ૧૫ એપ્રિલ-૨૦૨૩ થી કરવાનો રહેશે એટલે કે તા: ૧૪ એપ્રિલ-૨૦૨૩ના રાત્રિના ૧૨.૦૦ વાગ્યા પછી રૂ.૧૦,૦૦૦/-થી વધુ રકમનું ફેન્કીંગ કરવામાં આવેલ દસ્તાવેજ માન્ય ગણવામાં આવશે નહિ, જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.