સુરતના વડોદમાં પહેલીવાર દીકરીઓ માટેનું સ્વામિનારાયણ ગુરૂકુલ નિર્માણ પામશે
April 22, 2023
સુરત: દેશના ઈતિહાસમાં સુરતની ધરતી પર પહેલીવાર દીકરીઓ માટેનું સ્વામિનારાયણ ગુરૂકુલ નિર્માણ પામશે. આઉટર રિંગરોડથી બે કિ.મી.ના અંતરે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ત્રણ તબક્કામાં ૨૫૦૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરી શકે એ પ્રકારે બાલિકાઓ માટેનું વિશેષ ગુરૂકુલ સાકાર થશે. જેમાં હોસ્ટેલ, નિવાસ, ભોજનની અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થશે. તા.૨૨મી એપ્રિલે અખાત્રીજના પાવન દિવસે સાંજે ૭.૧૫ વાગ્યે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દીકરીઓના ગુરૂકુલનું ભૂમિપૂજન કરવામાં આવશે.
જૂન ૨૦૨૪ થી કાર્યરત થનાર આ ગુરૂકુલમાં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે તેમજ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કાર સાથેનું શિક્ષણ ઉપલબ્ધ થશે. ધો. ૬ થી ૧૨ સુધી દીકરીઓને અભ્યાસની સાથે ભોજન, હોસ્ટેલની આવાસીય સુવિધા તેમજ ધો. ૧ થી પ સુધીની દીકરીઓ માટે અપડાઉનની વ્યવસ્થા ઉભી થશે. ધર્મ કે જ્ઞાતિના ભેદ વિના પોતાના સંતાનના સંસ્કાર અને શીલની રક્ષા ઈચ્છતા દેશ-વિદેશના કોઈ પણ વાલીઓ પોતાની દીકરીઓને કન્યા ગુરૂકુલમાં પ્રવેશ અપાવી શકશે.
ગુરૂકુલમાં શાળાની સાથે પ્રાર્થના ભવન, સભાગૃહ, અદ્યતન લાઈબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્વિમીંગ પુલ, સ્પોર્ટ્સ સંકુલ જેવી સુવિધા સાકાર થશે. અંદાજિત રૂ.૧૨૦ થી ૧૫૦ કરોડના ખર્ચે બનનાર કન્યાઓ માટેના અનોખા ગુરૂકુલના વિચારબીજને મૂર્ત સ્વરૂપ આપવા માટે શ્રી સુરતના નામાંકિત ઉદ્યોગપતિ, સહજાનંદ ટેકનોલોજીસના ચેરમેનશ્રી ધીરજલાલ કોટડીયાએ ભૂમિદાન કર્યું છે. ઉપરાંત મુખ્ય દાતાઓમાં શ્રી લાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ), ગોવિંદભાઈ ધોળકિયા (રામકૃષ્ણ એક્સપોર્ટ), તેમજ સુરત, આફ્રિકા ખાતે કાર્યરત શ્રીહરિ ગ્રુપના શ્રી રાકેશભાઈ દુધાત છે. ગોવિંદભાઈ સિવાય ત્રણેય દાતાઓ સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે.
વિદ્યા, સદ્દવિદ્યા અને બ્રહ્મવિદ્યા આપતું કન્યા ગુરૂકુલ સુરતની ભૂમિ પર સાકાર થશે. આ ગુરૂકુલમાં પ્રથમ તબક્કામાં ૬૦૦ જેટલી દીકરીઓને રહેવા જમવા સાથે અભ્યાસની વ્યવસ્થા કરાશે. બીજા તબક્કામાં વધુ ૧૨૦૦ અને ત્રીજા તબક્કા મળી કુલ ૨૦૦૦ થી ૨૫૦૦ દીકરીઓને અભ્યાસ તથા રહેવા-જમવાની શ્રેષ્ઠ અને અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. આ ગુરૂકુલનું સંચાલન મહિલાઓ કરશે. સાફ-સફાઈ, પટાવાળા, કલાર્ક, શિક્ષકો, આચાર્ય, એડમિન સહિતનો તમામ સ્ટાફ મહિલાઓનો જ હશે. હોસ્ટેલમાં પણ મહિલાઓ જ સંચાલન, પ્રાર્થના, સત્સંગ, ધાર્મિક સંસ્કાર વગેરેની જવાબદારી સંભાળશે. કેમ્પસમાં પુરૂષ વાલીને પણ પ્રવેશ નહીં હોય. બાલિકાઓ ફિઝીકલ, મેન્ટલ, સોશ્યલ અને કલ્ચરલ એમ અનેકવિધ બાબતોમાં સક્ષમ બને એવું શિક્ષણ ઉપલબ્ધ થશે એમ શ્રી રાકેશભાઈ દુધાતે વેડ ગુરૂકુલમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા જણાવ્યું હતું.
સહજાનંદ ટેકનોલોજીસના ચેરમેનશ્રી ધીરજલાલ કોટડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ૧૭૦ ગુરૂકુલો કાર્યરત છે, જેમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ તથા છાત્રાલયમાં રહીને વિદ્યા સાથે સંસ્કાર મેળવી રહ્યા છે. આ સર્વ ગુરૂકુલો કુમાર (છોકરાઓ) માટેના છે, જ્યારે દેશમાં પહેલી વખત સુરતમાં દીકરીઓ માટેના ગુરૂકુલ બનવા જઈ રહ્યું છે. શીલ, સદાચાર, ભારતીય સંસ્કૃતિના સંસ્કારયુક્ત શિક્ષણની સાથોસાથ ગુરૂકુલમાં આધુનિક અને આધ્યાત્મિક શિક્ષણ અપાશે. આપણી પ્રાચીન ગુરૂકુલ પરંપરા સુરતમાં ઉજાગર થશે.
ધર્મનંદન ડાયમંડના ચેરમેનશ્રી લાલજીભાઈ પટેલે કહ્યું કે, વર્ષ ૧૯૪૮માં રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સંપ્રદાયમાં પ્રથમ ગુરૂકુલની સ્થાપના કરી હતી. આજે પણ એ જ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાન સંચાલિત આ શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુલની સ્થાપના ૭૫ વર્ષ બાદ રાજકોટ ગુરૂકુલ દ્વારા જ સંપ્રદાયમાં પ્રથમ વખત થઈ રહી છે.
હાલ ૧૮ વીઘા જમીન સંપાદન કાર્ય પૂર્ણ થઈ ગયુ છે. કુલ છ લાખ સ્ક્વેર ફૂટનું કુલ બાંધકામ થશે. પ્રથમ ફેઝમાં ૩.૫૦ લાખ સ્ક્વેર ફૂટમાં બાંધકામ થશે. તા.૨૨મીએ વડોદ ગામે કિરણ મેડિકલ કોલેજની પાછળ, તાપી નદીને સામે કિનારે ૧૦ હજાર ઉપરાંત મહિલા,પુરૂષો, અતિથિઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. વિશેષત: મુખ્યમંત્રીશ્રી સાથે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટના સદ્દગુરૂવર્ય ગુરૂ મહારાજશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંતશ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો તથા દાતાશ્રીઓ ભૂમિપૂજન વિધિમાં જોડાશે.
જૂન-૨૦૨૪માં બાંધકામનો પ્રથમ તબક્કો પૂર્ણ થશે અને શૈક્ષણિક વર્ગો શરૂ થઈ જશે. આ ઉપરાંત રાજકોટમાં પણ રાજકોટ મોરબી રોડ ઉપર આવેલા રામમંદિર પાસે, રતનપર ગામે દીકરીઓ માટે ગુરૂકુલના નિર્માણ કરવા માટેનું કાર્ય વેગવંતુ છે.
પ્રેસ કોન્ફરન્સમાં શ્રી પ્રભુ સ્વામી, શ્રી દેવપ્રકાશ સ્વામી, SRK ડાયમંડના અરજણભાઈ ધોળકિયા સહિત મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
