સાબરમતી રિવરફ્રન્ટના વૉક-વેમાં વાહનોને પ્રવેશ કરવા પ્રતિબંધ અંગે જાહેરનામું

સાબરમતી રિવરફ્રન્ટના વૉક-વેમાં વાહનોને પ્રવેશ કરવા પ્રતિબંધ અંગે જાહેરનામું

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ વૉક-વે લોકોને હરવા-ફરવા તેમજ સાયકલીંગ અને ચાલવા માટે બનાવેલ છે. તેમ છતા ઘણીવાર વાહન ચાલકો પોતાના ખાનગી ટુ-વ્હીલર/ફોર-વ્હીલર વાહનો સાથે પ્રવેશ કરી જાય છે જેના કારણે અકસ્માત થવાનો ભય રહે છે.
ઉપર મુજબની વિગતોને ધ્યાને લેતા માર્ગ અકસ્માતનો કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે સાબરમતી રિવરફ્રન્ટના બન્ને કિનારાના વૉક-વે એટલે કે, (૧) પશ્વિમ તરફ વાસણા બૈરેજથી સાબરમતી ટોરેન્ટ પાવર હાઉસના પાછળના ભાગ સુધી તથા (૨) પુર્વ તરફના ડફનાળાથી આંબેડકરબ્રીજ સુધીના વૉક-વેમાં ખાનગી ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ભારે તથા મધ્ય પ્રકારના માલ- વાહક તથા પેસેન્જર વાહનોને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ જાહેરનામું ફરજમાં રોકાયેલા સરકારી તથા પોલીસના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનોને લાગું પડશે નહી.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૩૦/૦૪/૨૦૨૩ના રાત્રી કલાક ૦૦.૦૦થી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લધંન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.