ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી

ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી

ગાંધીનગરઃ ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા હતા.  નવી ઇલેક્ટ્રોનિકસ પોલિસીની ફલશ્રુતિ રૂપે આ MoU કરવામાં આવ્યા છે.

ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના CEO અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવશ્રી વિજય નહેરાએ આ MoU પર હસ્તાક્ષર કરી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં MoU ની પરસ્પર આપ-લે કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની સફળતા માટે રાજ્ય સરકારના સહયોગની તત્પરતા આ તકે વ્યકત કરી હતી.

ગીગા ફેક્ટરી ભારતમાં આ પ્રકારનો પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં કાર્યરત કરશે. એટલું જ નહિ, આ પ્લાન્ટમાં અંદાજે ૧૩ હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે ર૦ Gwh ની ઉત્પાદન ક્ષમતા હશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને ૧૩ હજારથી વધુ લોકોને રોજગાર અવસર આ પ્લાન્ટને પરિણામે મળતા થશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૩૦ સુધીમાં દેશમાં પ૦ ટકા કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા તથા ૧૦૦ ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગનું જે લક્ષ્ય રાખ્યું છે તેને સાકાર કરવા ગુજરાતે આ ગીગા ફેક્ટરીની સ્થાપનાના MoU થી નવી દિશા આપી છે. ઇ.વી નો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે. ટાટા ગૃપના આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે.

દેશગુજરાત