ખેડા-મહીસાગરના ગામોમાં સિંચાઇ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય: રૂ. ૭૯૪.૪૦ કરોડની વહીવટી મંજૂરી

ખેડા અને મહીસાગર જિલ્લાના ૬૧ ગામોના ૧૨૦ તળાવોને ઉદવહન સિંચાઇ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડી અંદાજે ૮૧૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉદવહન સિંચાઇ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭૯૪.૪૦ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું છે.

-ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ અને ગલતેશ્વર તાલુકાના ૩૫ ગામોના ૮૩ તળાવો તેમજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ૨૬ ગામોના ૩૭ તળાવો એમ કુલ ૧૨૦ તળાવોને ઉદવહન સિંચાઇ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડવામાં આવશે.

-ખેડા જિલ્લાનાં કપડવંજ, કઠલાલ અને ગલતેશ્વર તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનો એક મોટો હિસ્સો નર્મદા મુખ્ય નહેર અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેરની વચ્ચે આવેલો છે. જેની પૂર્વ દિશાએ મહી નદી આવેલી છે. આ ચાર તાલુકાના મોટા ભાગના ગામોને કોઇપણ સ્ત્રોતમાંથી સિંચાઇના પાણીનો લાભ મળતો નથી. સિંચાઇથી વંચિત આ વિસ્તારના લોકો તેમની આજીવિકા માટે મુખ્યત્વે ખેતી પર આધાર રાખે છે. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટે પાણીનો લાભ મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામા આવ્યો છે.

-આ યોજનામાં મહી નદીમાંથી મહીસાગર જિલ્લાના નમનાર ગામમાં ટોડિયા રૉક નજીકથી ૫૩.૮૭ એમ.સી.એમ. જેટલા પાણીના જથ્થાનો વપરાશ માટે ૨૦૦ ક્યુસેક ક્ષમતાની રાઈઝીંગ મેઈન, પંપીગ સ્ટેશન અને ઈન્ટેક વેલ બનાવવાનું આયોજન છે. આ યોજનામાં એક પમ્પીંગ સ્ટેશન અને બે ડિસ્ટ્રીબ્યુશન ટેન્કનું બાંધકામ કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ ડિસ્ટ્રીબ્યુશન ટેન્ક (કેપેસિટી- ૪૦ લાખ લિટર) રૈયોલી ગામ, બાલાસિનોર પાસે તથા બીજી ડિસ્ટ્રીબ્યુશન ટેન્ક (કેપેસિટી- ૬૦ લાખ લિટર) મુનજીના મુવાડા, બાલાસિનોર પાસે બનાવવાનું આયોજન છે.

તાજેતર ના લેખો