પોલીટીકલ પંડિતોની પતંગબાજી કેમ શરુ થઇ છે ગુજરાતમાં?

પોલીટીકલ પંડિતોની પતંગબાજી કેમ શરુ થઇ છે ગુજરાતમાં?

ગાંધીનગરઃ ગુજરાતના પોલીટીકલ પંડિતોએ લાંબા સમય બાદ પતંગબાજી શરુ કરી છે અને કયાસ કાઢવાના શરુ કર્યા છે કે રાજ્યના રાજકારણમાં ટૂંક સમયમાં આવી રહેલું પરિવર્તન કેવુંક હશે. અખબારોમાં પાછલા કેટલાક દિવસોથી દરરોજ બોર્ડ નિગમોની નિમણૂંક, રાજ્યના પક્ષના સંગઠનમાં ફેરબદલ, મંત્રી મંડળના વિસ્તરણના શક્યતાદર્શી સમાચારો પ્રકાશિત થઇ રહ્યા છે.

આ તમામ કયાસો, દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસે ભુપેન્દ્ર પટેલ, અમિત શાહ, સીઆર પાટીલ, રત્નાકર અને સંભવિત કે.કૈલાશનાથનની મળેલી લાંબી મિટીંગ પછી શરુ થયા છે. તે દિવસે સવારે અચાનક જ સમાચાર વહેતાા થયા કે પટેલ અને્ પાટીલને દિલ્હી તલબ કરવામાં આવ્યા છે. શરુમાં તો વાત હતી કે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે બેઠક માટે દિલ્હી તેડાવ્યા છે. પરંતુ શાહ તો બીજા દિવસે ગુજરાત પ્રવાસે પોતે જ આવવાના હતા. સાંજે સમાચાર સંસ્થાઓએ સમાચાર આપ્યા કે પટેલ અને શાહ વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યા છે. બાદમાં બેઠક લાંબી ચાલી.

અપેક્ષા મુજબ જ આ વિશે પત્રકારો સમક્ષ કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. પરંતુ બાદમાં અમિત શાહે ગાંધીનગરમાં હર્ષ સંઘવીના નિવાસસ્થાને બીજી લાંબી મિટીંગ લીધી. મુખ્યમંત્રી પટેલે વાઇબ્રન્ટ નવરાત્રિના જીએમડીસી મેદાનના કાર્યક્રમમાં આરતી પણ કરવાનું ટાળીને આ બેઠક માટે સીધી ગાંધીનગરની વાટ પકડી. બેઠક વહેલી સવાર સુધી ચાલી હોવાના અખબારી હેવાલ છે.

ઉલ્લેખનીય છે કેે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ભાજપ પાછલા બે વખતની માફક ગુજરાત સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં પોતાનો દેખાવ પાછલી બે ચૂંટણીઓ જેવો જ કે તેથી બહેતર કરે એ સત્તામાં ટકી રહેવા માટે અનિવાર્ય છે. અહીં આપણે પાછલી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં શું થયું હતું એ પણ યાદ કરવું ઘટે. 2019ની ચૂંટણી પહેલા 2018માં કોંગ્રેસના કુંવરજી બાવળીયાએ કોંગ્રેસ છોડી હતી અને કલાકોમાં જ કેબીનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ જ રીતે લોકસભા ચૂુંટણી અગાઉ જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યોગેશ પટેલે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ રીતે ચૂંટણી પહેલા ભાજપે પોતાની સ્થિતિ મજબૂત કરી હતી.

ભાજપ આ રીતે લોકસભાની ચૂંટણીની બહુ વહેલા તૈયાર કરતો પક્ષ છે. એક રીતે વડાપ્રધાનના બંગલે, ગુજરાત સરકાર અને ભાજપની સર્વગ્રાહી સમીક્ષા થઇ હોવાની શક્યતા છે જેના અંતે સ્વાભાવિક રીતે કેટલાક નિર્ણયો પણ લેવાયા જ હોય જેના કારણે રાજકિય પત્રકારો અને પંડિતોમાં શું થશે તેના કયાસો લગાવવામાં આવી રહ્યા છે.