રાજ્યની પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ (પેક્સ) બહુહેતુક બનાવવામાં આવી રહી છે

રાજ્યની પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ (પેક્સ) બહુહેતુક બનાવવામાં આવી રહી છે

કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયની વિવિધ પહેલ અનુસાર ગામડાની સેવા મંડળીઓ-પેક્સને બહુહેતુક બનાવવામાં આવી રહી છે. તે માટે રાજ્યની ૧૦,૦૦૦ પેક્સ(પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળી)ઓ પૈકી ૮,૫૦૦ થી પણ વધારે મંડળીઓના ઉપનિયમો બદલીને આદર્શ ઉપનિયમો ઘડવામાં આવ્યા છે.

જે અંતર્ગત સેવા મંડળીઓને કોમ્પ્યુટરાઈઝ કરવી, જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવા, ખાતર વિતરણ લાયસન્સ મેળવવા, પેટ્રોલ પંપ શરૂ કરવા, ખેડૂતોને સોલર પંપ સંબંધિત માહિતી આપવા, ગોડાઉનો બનાવવા વગેરે કામગીરી કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે તેમ, પ્રવક્તા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે મીડિયા મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા આ અભિયાનને સફળ બનાવવા તમામ જિલ્લાઓમાં સેવા સહકારી મંડળીઓ-પેક્સને જિલ્લા કક્ષાએ સેમિનાર કરીને માહિતગાર અને પ્રોત્સાહિત કરવા આગામી તા.૩૦ ઓક્ટોબર-૨૦૨૩ સુધી રાજ્યના ૩૩ તમામ જિલ્લાઓમાં વિવિધ સેમિનાર યોજવામાં આવશે. જેમાં જનપ્રતિનિધિ, નાબાર્ડના પ્રતિનિધિ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના પ્રતિનિધિ અને અમુક જિલ્લાઓમાં ગાંધીનગરથી રાજ્યકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આવનાર સમયમાં ગામડાઓની સેવા મંડળીઓની વિવિધ પ્રવૃત્તિઓ થકી ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગ મળશે.