ગુજરાતમાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થામાં તેજસ્વી યુવાઓના ઇનોવેટીવ આઈડિયાઝ-વિચારોની ઊર્જાના વિનીયોગ માટે ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ ની જાહેરાત કરી છે. પ્રોગ્રામ માટે યુવાઓ પાસેથી આવેલી અરજીઓની યોગ્યતાના ધોરણે પસંદગી કરાશે.ફેલોશીપની સમાયાવધિ એક વર્ષની રાખવામાં આવી છે તેમજ આ સમય દરમિયાન ફેલો યુવાઓને માસિક રૂ. ૧ લાખનું મહેનતાણું પણ સરકાર આપશે. ફેલોશીપ પ્રોગ્રામ’માં ૬૦ કે તેથી વધુ ટકા સાથે સ્નાતક થયેલા અને ૩૫ વર્ષથી ઓછી વયના ઉમેદવારોને તક અપાશે.

રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા, જનસેવા અને જન કલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ અને પ્રો-એક્ટિવ પ્રો-પીપલ ગવર્નન્‍સ માટે યુવા શક્તિનું યોગદાન આ ફેલોશીપ દ્વારા મળતું થશે. રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી પ્રોજેક્ટસના સફળ અમલીકરણમાં નવીનતા, અસરકારકતા અને ગુણવત્તા સુધારણા માટે આ ફેલો યુવાઓની જ્ઞાન સંપદાનો ઉપયોગ કરાશે.

ફેલોશીપ માટે આવેલી અરજીઓ સાથેના વ્યક્તિગત આવેદનનાં મૂલ્યાંકન, અંતિમ પસંદગી માટે ઇન્ટરવ્યૂ તેમજ ત્યારબાદ ફેલો યુવાઓને તાલીમ માટે મેન્ટર તરીકે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ સેવાઓ આપવાની છે. રાજ્ય સરકાર આવા પસંદ થયેલા સી.એમ ફેલોને બે અઠવાડિયાની તાલીમ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બે સપ્તાહ ફિલ્ડ ટ્રેનિંગ આપશે. આવા સી.એમ. ફેલો યુવાઓ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો અંતર્ગત પ્રોજેક્ટસ હાથ ધરાશે.

ફેલોના કાર્યકાળ દરમિયાન ફેલો દ્વારા કરવામાં આવેલ કામગીરીના ઇવેલ્યુએશનમાં પણ IIM, અમદાવાદના તજજ્ઞોનો સહયોગ લેવામાં આવશે અને કાર્યકાળ પૂર્ણ થયા પછી ફેલોને ગુજરાત સરકાર અને IIM, અમદાવાદ સંયુક્ત સર્ટિફિકેટ પણ આપશે.

આ પ્રોજેક્ટસમાં મુખ્યત્વે પી.એમ. પોષણ યોજના, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને બ્લોક્સમાં આ યોજના અન્વયે અપાતા ભોજન-પોષણયુક્ત પદાર્થોનો વ્યય અટકાવવો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એનરોલમેન્ટ સુધારણા તથા વિજ્ઞાન અને ગણિત જેવા ગહન વિષયો પ્રત્યે રૂચી કેળવવા જેવી બાબતો આવરી લેવાઇ છે.

આ ઉપરાંત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવો, નર્મદાના જળનો સિંચાઈ હેતુ માટે વ્યાપક અને મહત્તમ ઉપયોગ, હેરિટેજ, વાઇલ્ડ લાઇફ, બિચ ટુરીઝમને પ્રમોટ કરવા અને શહેરી તથા ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ તેમજ શહેરોમાં ઘન અને પ્રવાહી કચરાના રિસાયકલિંગના આયામો જેવા સેક્ટર્સ પણ ફેલો પ્રોગ્રામ અન્વયે આવરી લેવામાં આવશે.

‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ માં વિશ્વ ખ્યાત મેનેજમેન્ટ સંસ્થાન IIM-અમદાવાદ એકેડેમિક પાર્ટનર તરીકે જોડાશે. IIM-અમદાવાદના ફેલોની પસંદગી અને તાલીમ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ અને કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

મુખ્યમંત્રી પટેલે રાજ્ય સરકારની નીતિઓના ઘડતર, સેવા વિષયક બાબતો, જન કલ્યાણ યોજનાઓ વગેરેમાં નવિન અને અસરકારક અભિગમોના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાવેલા સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામને તેમના માર્ગદર્શનમાં આગળ ધપાવતા હવે ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ શરૂ કરવાની દિશા લીધી છે.

મુખ્યમંત્રી પટેલે પ્રતિભાવંત યુવાશક્તિને આ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામમાં જોડાવા આહવાન કર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, વિકસિત ભારત માટે યુવાશક્તિ માટે પ્રતિભા નિખાર, બૌદ્ધિક કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની તક આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ થી મળશે.