ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર
February 01, 2024
ગાંધીનગર: વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજય સરકાર પ્રજાના હિતમાં સમયની માંગ મુજબ ગણોત સહિત કાયદાઓમાં સુધારા કરી રહી છે. સી.એસ.આર.માં એકત્રિત ફંડ દ્વારા લોકોપયોગી સખાવતી પ્રવૃત્તિઓ વધુ વિક્સે તેવા ઉમદા હેતુથી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ બિલમાં સુધારા અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ની કલમ ૬૩ એસી, સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, ૧૯૪૯ની કલમ ૫૪-બી તેમજ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કે જે વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર અધિનિયમ, ૧૯૫૮ની કલમ ૮૯ સી માં પણ સમાન રીતે લાગુ પડશે.આ વિધેયકની કલમ-૨,૩,૪માં ઉલ્લેખિત કલમો ૬૩-એસી, ૫૪-બી, ૮૯-સીની જોગવાઇઓ મુજબ ફક્ત બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદામાં સુધારો કરવા આ બિલ પસાર કરાયું છે. આથી આ કાયદાના મૂળ હાર્દમાં કોઇ ફેરફાર થતો નથી તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, કોઇ સખાવતી પ્રવૃતિ કરતી શૈક્ષણિક સંસ્થાઓ, ચેરીટેબલ ટ્રસ્ટો કે સામાજિક સંસ્થાઓ જ્યારે જમીન ખરીદે છે ત્યારે એમને એ ખબર નથી હોતી કે કલમ ૬૩ હેઠળ પરવાનગી લેવાની રહે છે કે કેમ? બિનખેતી પરવાનગી મેળવવાની હોઇ છે કે કેમ? આવી સંસ્થાઓ મહેસૂલી કાયદાઓથી પરિચિત હોઇ એવુ નથી હોતુ. આવી સંસ્થાઓ તો સમાજના લોકોના દાન-ફાળા-ફંડ પર આધારિત હોય છે. જ્યારે આ ફંડ ઉપલબ્ધ થાય ત્યારે આવી સંસ્થાઓ વિકાસના કામો કરે છે. જેથી બિનખેતી કરવાની સમયમર્યાદા પૂર્ણ થઇ હોય તેને પાછળની અસરથી પરવાનગી મળી શકતી નથી. બિનખેતીની પરવાનગી સમયમર્યાદામાં ન મળવાના કારણે તેમના પ્રશ્નોમાં વધારો થાય છે. જેનું નિરાકરણ લાવવા આ સંસ્થાઓની બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદામાં સુધારો કરતું બિલ પસાર કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત ગણોત કાયદાની કલમ ૬૩-એસી હેઠળ સખાવતી હેતુ માટે નોંધાયેલ પબ્લિક ટ્રસ્ટ અને કંપની દ્વારા તા.૩૦/૦૬/૨૦૧૫ કે તે પહેલા ખરીદેલ જમીન બિનખેતી કરવા માટેની અરજી કરવાની તા.૨૮/૦૮/૨૦૨૦ના બદલે “સરકાર વખતો વખત ઠરાવે તે મુજબ“નો સુધારો કરવા માટેનું બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. અમારી સરકાર આવી ત્યારથી મહેસૂલ વિભાગના જૂના કાયદાઓ કે જેના થકી પ્રજાને હેરાનગતિ કે વિલંબનો સામનો કરવો પડે અથવા સમયની જરૂરિયાત પ્રમાણે કાયદામાં સુધારો કરવો પડે તેવા કાયદાઓમાં વિવિધ પ્રજાલક્ષી વ્યાપક સુધારાઓ કર્યા છે. આપણા હાલના દૂરંદેશી અને લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓએ ગુજરાતમાં સખાવતી સંસ્થાઓની પ્રવૃત્તિઓને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું કારણ કે સખાવતી પ્રવૃત્તિઓ એ રામરાજ્યની ભાવનાને ખૂબ સારી રીતે ચરિતાર્થ
કરે છે.
મંત્રીશ્રી રાજપૂતે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હકારાત્મક વિકાસશીલ પગલાઓના પરિણામે ગુજરાતમાં ઉદ્યોગોનો ખૂબ જ વિકાસ થયો છે. તેના ફળસ્વરૂપે ઉદ્યોગો સી.એસ.આર. એક્ટીવીટી હેઠળ સારૂ એવું ભંડોળ જે તે સખાવતી સંસ્થાઓને દર વર્ષે ફાળવતી હોય છે જેથી સખાવતી પ્રવૃત્તિઓ વિકસી રહી છે જેનો સીધો લાભ સામાન્ય પ્રજાને મળી રહ્યો છે. સ્વામિનારાયણ સર્વોપરી સિધ્ધાંત દિગ્વિજય ટ્રસ્ટ- ગાંધીનગર, સ્થાનકવાસી જૈન સંઘ-મેમનગર, ગુરૂકુળ વિદ્યા શ્રમ ટ્રસ્ટ-ઘુમા, અમૃત એજ્યુકેશન ટ્રસ્ટ-મોરૈયા, વલ્લભ માનવોધ્ધારક મંડલ-અનાવલ ઇસનપુર જેવી સખાવતી સંસ્થાઓ શૈક્ષણિક અને સેવાકિય ક્ષેત્રે ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે.
તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અને ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ વધુને વધુ સુધારા કરીને મહેસૂલ વહીવટને વધુમાં વધુ પારદર્શક બનાવ્યો છે. ગુજરાતના ખેડૂતો અને સમગ્ર રાજ્યની પ્રજાને વધુને વધુ ઉપયોગી થાય છે. મહેસૂલ વિભાગના અમુક કાયદાઓ અંગ્રેજો અને રાજાશાહી વખતના છે. એવા જૂના કાયદાઓ જેને અત્યારના બદલાતા સમયમાં બદલવા જરૂરી છે. જે બદલવાથી લોકોને હાડમારી ઓછી થાય,પારદર્શકતા આવે અને લોકોને ફાયદો થાય એ માટે આજે અમે આ બિલથી જરૂરી સુધારો સૂચવ્યો છે. જેમાં કલમ-૨ : ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ની કલમ ૬૩ એસી, કલમ-૩ : સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, ૧૯૪૯ની કલમ ૫૪-બી તેમજ કલમ-૪ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ, ૧૯૫૮ની કલમ ૮૯-સીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સખાવતી હેતુ માટે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦ હેઠળ નોંધાયેલ પબ્લીક ટ્રસ્ટ અથવા સખાવતી પ્રવૃતિઓને ઉતેજન આપવાના ઉદ્દેશ્યથી કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીએ કલમ-૬૩(૧)ની જોગવાઇનો અમલ નહી કરીને તા.૩૦/૦૬/૨૦૧૫ કે તે પહેલા ખેતીની જમીન ખરીદી હોય તેવી સંસ્થાઓએ સુધારેલ અધિનિયમ નં.૨૮/૨૦૧૫ અમલમાં આવ્યાની તારીખથી છ માસમાં પ્રવર્તમાન કૃષિ જંત્રીના ૨૫% રકમ લઈને બિનખેતીની માટે રૂપાંતર કરવા અરજી શકશે તે મુજબની જોગવાઇ કરવામાં આવેલ હતી.
ત્યારબાદ સુધારા અધિનિયમ નં. ૧૮/૨૦૧૯થી આવી સંસ્થાઓ કે જે ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કાર્યરત હોય, સખાવતી કાર્ય કરતી હોય તેવી સંસ્થાઓ માટે સુધારા કાયદો નં.૧૮/૨૦૧૯ અમલમાં આવ્યાના ૦૧-વર્ષ સુધી બિનખેતીના હેતુ માટે અરજી કરી શકશે અને જંત્રીના ૨૫% ને બદલે ૧૦% મુજબની રકમ વસુલવાની રહેશે તે મુજબનો સુધારો કરવામાં આવ્યો હતો.
લોકોની લાગણીઓને ધ્યાને રાખીને આ સુધારા કાયદાની જોગવાઇ મુજબ આવી સંસ્થાઓને બિનખેતીના હેતુ માટે અરજી કરવાની તા.૨૯/૦૮/૨૦૧૯ થી તા.૨૮/૦૮/૨૦૨૦ સુધી એટલે કે ૦૧ વર્ષની હતી. પરંતુ વિવિધ કારણોસર આ સમયમર્યાદામાં આ સંસ્થાઓએ અરજી કરી શકી ન હતી. આ મુદ્દતમાં એટલે કે તા.૩૦/૦૬/૨૦૧૫ કે તે પહેલા ખેતીની જમીન ખરીદી હોય તેવી સંસ્થા/કંપની દ્વારા બિનખેતી અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવા માટે રાજ્યની અલગ-અલગ સખાવતી સંસ્થાઓએ રજૂઆત સંદર્ભે હકારાત્મકતા દાખવી આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રી રાજપૂતે આ સુધારા ઉદ્દેશ્ય વિશે કહ્યું હતું કે, તા.૩૦/૦૬/૨૦૧૫ કે તે પહેલા કલમ-૬૩(૧)નો ભંગ કરીને સંસ્થા/કંપની દ્વારા ખરીદેલ ખેતીની જમીનો ચેરીટીના ઉદ્દેશથી કામ/સેવા કરતી સંસ્થા ધર્માદા ફંડ પર આધારિત રહેતી હોય છે. તેથી સંસ્થાએ જમીન બિનખેતી કરાવ્યા બાદ બાંધકામ વિગેરે કરવા માટે તેનુ આર્થિક આયોજન પણ ધ્યાનમાં લેવાનુ રહે છે. આમ, કલમ ૬૩-એસી હેઠળની ચેરીટી સંસ્થાઓ માટે કરેલી આ જોગવાઇ જમીનની બિનખેતીની મુદ્દત સાથે સંબંધિત હોવાથી મુદ્દત વધારો આપી શકાય. જેથી નિયત કરેલ રકમ ભરીને આવી સંસ્થાઓ બિનખેતી કરાવી શકે અને સખાવતી ઉદ્દેશો-કાર્યો આગળ વધારી શકે જે અનુસંધાને બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદા સરકારશ્રી વખતોવખત ઠરાવે તે મુજબનો કાયદામાં સુધારો કરવા માટે આ સુધારા બિલ રજુ કરવામાં આવ્યું હતું.
ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.
Recent Stories
- For the first time AMC's Ahmedabad Flower Show 2025 shall have VIP tickets
- AMC councillors, officials to go on tour of Jammu & Kashmir
- Traders halt Surat Metro construction work in Bhagal
- AMC mandates pet dog registration in Ahmedabad from January 2025
- GHCL Ltd. gets environmental clearance for Kutch-based Soda Ash Greenfield project
- 22 National Highway projects in Gujarat to be completed by end of FY 2024-25: Centre
- Cold wave conditions likely to persist in parts of Gujarat till Dec 14: IMD forecast