રાજ્યમાં કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
May 21, 2024
ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સંભવિત તા. ૧૯મી જૂન થી ચોમાસુ સિઝન શરૂ થઈ શકે છે. ખેતી નિયામકની કચેરીની માર્ગદર્શિકા મુજબ કપાસ પાકના આગોતરુ વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.
વધુમાં જણાવ્યાનુસાર બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો. રાજ્યમાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવુ જેથી સંભવિત જોખમ નિવારી શકાય.
આ ઉપરાંત ખેતી નિયામકની કચેરી દ્વારા બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી-જુદી જાત અને જુદા-જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા અનુરોધ કરવામાં આવ્યું છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સીવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો નજીકના જિલ્લા ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવો, તેમ ખેતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે