બરડા જંગલ સફારી ફેઝ-1નું ઉદઘાટન થશેઃ પ્રવાસીઓ માટે સિંહ જોવાનું નવું ઠેકાણું બનશે
October 28, 2024
પોરબંદરઃ આગામી ધનતેરસના દિવસે તા.૨૯ ઓકટોબરના રોજ મંગળવારે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે બરડા જંગલ સફારી’ ફેઝ-૧નો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે જામનગર સંસદ સભ્ય પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરના ધારાસભ્ય ઉપસ્થિતિ રહેશે તેમ, ગુજરાત વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફ એન. શ્રીવાસ્તવે જણાવ્યું હતું. હવે બરડાની ટેકરીઓમાં પણ નાગરિકો- પ્રવાસીઓને ‘એશિયાઈ સિંહ’ નિહાળવા મળશે. હાલ ગુજરાતમાં અંદાજે ૬૭૪ એશિયાઈ સિંહો જોવા મળે છે અને હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા વન્યજીવ અભયારણ્ય પણ સુરક્ષિત અને કુદરતી વસાહત તરીકે સ્થાપિત થશે.
બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસન તંત્ર ૩૬૮ વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં ૫૯ વૃક્ષો, ૮૩ છોડ, ર૦૦ ક્ષુપ અને ૨૬ વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની ૩૬૮ પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ ૫૪ ટકા છે. ત્યારબાદ ૨૩ ટકા છોડ, વૃક્ષો ૧૬ ટકા અને વેલાઓ ૦૯ ટકાનો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.
લગભગ ૧૪ દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. ઉપરાંત આ અભયારણ્યમાં કુલ ૨૨ સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે,જેમાં સિંહ સિવાય દીપડા,જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ,નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું પણ વસવાટ કરે છે.
આ અભયારણ્યમાં પક્ષીઓની ૨૬૯ પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જે સૌ નાગરિકો માટે ગૌરવ સમાન છે. જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓ વિચરણ કરતા જોવા મળે છે.
બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે. આ સફારી ટ્રેઇલ જાજરમાન કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિસૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિત નિહાળવાની તક આપે છે.
સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે ૨૧૫ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. જે પૈકી ૧૯૨.૩૧ ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ સત્તાવાર રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓમાં ફેલાયેલો છે.
બરડા વન્યજીવ અભયારણ્યમાં પોરબંદર, જામજોધપુર, ઉપલેટા, જામનગર અને જૂનાગઢ જેવા શહેરોમાં પહોંચી શકાય છે. ઉપરાંત, આ અભયારણ્ય રાજકોટથી ૧૭૦ કિ.મી. અને અમદાવાદ ૪૩૦ કિ.મી. જેવા મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે.આ અભયારણ્યથી પોરબંદર રેલવે સ્ટેશન ૪૦ કિ.મી. અને જામનગર ૮૨ કિ.મી. છે. જ્યારે, હવાઈ માર્ગથી પણ સંકળાયેલો છે. આ અભયારણ્યથી રાજકોટ એરપોર્ટ ૧૯૦ કિ.મી. છે.
આ અભયારણ્યની પ્રવાસીઓ સવારે ૦૬ કલાકથી સાંજે ૦૪ વાગે સુધી મુલાકાત લઈ શકે છે. સાથે જ શિયાળામાં તા. ૧૬ ઓક્ટોબરથી ફેબ્રુઆરી અને ઉનાળામાં તા. ૦૧ માર્ચ થી ૧૫ જૂન સુધી ચાલુ હોય છે. આ ઉપરાંત દર વર્ષે ૧૬ જૂનથી ૧૫ ઑક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહે છે.
બરડા વન્યજીવ અભયારણ્ય નવલખા મંદિર, મોડપર કિલ્લો, જાંબુવન ગુફા, સુદામા, કીર્તિ, પ્રસિદ્ધ નાગેશ્વર તેમજ દ્વારકાધીશ મંદિર જેવા વિશ્વ પ્રખ્યાત સ્થળો આવેલા છે. વધુ વિગતો માટે પોરબંદર વન વિભાગની કચેરીના ૦૨૮૬-૨૨૪૨૫૫૧ ઉપર સંપર્ક કરી શકાય.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
