વિશ્વામિત્રીના વધતા જળસ્તર, જો કે વડોદરા-પંચમહાલ જિલ્લામાં હવે ભારે વરસાદ વરસે તો જ ચિંતાજનક સ્થિતિ સર્જાય
September 07, 2025
વડોદરાઃ જેવું વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધે કે વડોદરાવાસીઓ ચિંતામાં મૂકાય. આ સ્વાભાવિક છે કારણકે પાછલા વર્ષોમાં શહેરમાં અનેક વખત પૂર આવી ગયા છે. જો કે ચાલુ ચોમાસામાં પૂરનો ભય લાગે તેવી સ્થિતિ માત્ર પાછલા બે દિવસમાં સર્જાઇ છે, કારણકે આજવા બંધના બાસઠ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે કાલા ઘોડા પુલ પર વિશ્વામિત્રીની જળસપાટી એકવીસ ફૂટને પાર કરી ગઇ છે. વડોદરામાં કાલા ઘોડા પુલ નીચે જળસપાટી છવ્વીસ ફૂટે પહોંચે ત્યારે ખતરાનું સ્તર ગણવામાં આવે છે. જો કે પુરની કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં અસર જળસપાટી 29 ફૂટે પહોંચે ત્યારે થાય છે. અને વિવિધ વિસ્તારોમાં વ્યાપક અસર 31 ફૂટના સ્તર પછી થતી હોય છે. શું આ વખતે આ સ્થિતિ સર્જાશે આ પ્રશ્નનો જવાબ પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પડનારા વરસાદ પર નિર્ભર છે. વરસાદ ભારે, અતિભારે, અતિશય ભારે પડે છે કે હળવો અને સામાન્ય વરસે છે, અથવા વરસતો જ નથી એ બધી બાબતો પર દારોમદાર છે કે વિશ્વામિત્રીની જળસપાટી કેટલી વધશે. રવિવારની સવારના આઠ વાગ્યાની સ્થિતિએ તો જળસપાટી સાડા એકવીસ ફૂટે છે જે ચોવીસ કલાક પહેલા લગભગ 17 ફૂટે હતી. વડોદરા જિલ્લામાં વડોદરા શહેર અને શહેરથી પૂર્વ દિશામાં અને પંચમહાલના હાલોલ, પાવાગઢ વગેરે વિસ્તારોમાં હવે કેટલો વરસાદ વરસે છે તેના પર ચાંપતી નજર રાખવી પડે.
તાજેતર ના લેખો
- સેમિકન્ડક્ટર ચીપ બનાવવા માટે જરૂરી સાણંદનો માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ
- ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે?
- સિવિલ હોસ્પિટલમાં પેશાબની જટિલ સમસ્યાઓનું હવે થશે મફત અને સચોટ નિદાન; શરૂ થઈ 'યુરોડાયનેમિક સ્ટડી'
- ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત હાઈસ્કૂલનું સાંસદ પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ
- કેન્દ્રીય બજેટ 2026માં ગુજરાત માટે ₹20,011 કરોડની મોટી જોગવાઈ
