ગિફ્ટી સિટીમાં હવે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ, આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ અને એનએસઇ IFSC-SGX Connect કાર્યરત

ગિફ્ટી સિટીમાં હવે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ, આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ અને એનએસઇ IFSC-SGX Connect કાર્યરત

ગાંધીનગર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું નાણાકીય અને ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) સેવાઓનું એક હબ બનાવવાના સપનાનું વાવેતર કર્યું હતું તે આજે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી સ્વરૂપે સફળતાપૂર્વક સાકાર થયું છે. ગાંધીનગરમાં 886 એકરમાં ફેલાયેલું ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બન્યું છે. ‘ગિફ્ટ સિટી’ વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી આજે ખરા અર્થમાં દેશના ગ્રોથ એન્જિન તરીકે ભૂમિકા ભજવવા જઇ રહ્યું છે.

વડાપ્રધાને શુક્રવારે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કર્યો. IFSCA ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોમાં ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન કરતી નિયમનકાર છે. આ સાથે દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા-ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને એનએસઇ IFSC-SGX Connectની પણ તેમના હસ્તે શરૂઆત થઇ છે. આ આ પહેલા 2017માં વડાપ્રધાને ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ ખુલ્લું મૂક્યું હતું.
ગિફ્ટ સિટી પાછળનો વિચાર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓને એક જ સ્થળેથી પૂરા પાડવાનો હતો. એક એવું વૈશ્વિક ફાઇનાન્શિયલ અને આઇટી સેવાઓનું હબ જે લંડન, શાંઘાઇ, ન્યુયોર્ક, ટોક્યો, હોંગકોંગના પ્રખ્યાત ફાઇનાન્સિયલ સેન્ટરો જેવું કે તેમને ટક્કર આપે એવું હોય. આ માટે જે વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્કૃષ્ટ પ્લાનિંગ અને શ્રેષ્ઠ નિષ્ણાતો જોઇએ તે બધું ગિફ્ટ સિટીમાં છે. ગિફ્ટ સિટીનો વિકાસ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી કંપની લિમિટેડ (GIFTCL) દ્વારા કરવામાં આવ્યો છે, જે ગુજરાત સરકાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ (IL&FS)ની સંયુક્ત સાહસ કંપની છે.

2007માં આવેલા વિચારનું બીજ 2011માં જમીન ફાળવણી સાથે રોપાયું અને 2012થી કામકાજ શરૂ થયું તે પછી 9 જાન્યુઆરી, 2017માં ભારતનું પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ શરૂ થયું જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું.
તે પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “ગિફ્ટી સિટી દેશ અને વિદેશને ઉત્કૃષ્ટ નાણાકીય સેવાઓ પૂરી પાડવા 22 કલાક કાર્યરત રહેવાનું છે. એટલે કે જાપાનમાં સૂર્યોદય ત્યારથી પશ્ચિમના દેશોમાં સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ગિફ્ટમાં નાણાકીય કારોબાર થતો રહેશે. ગિફ્ટ સિટી માટે મારું વિઝન છે કે આગામી 10 વર્ષમાં વિશ્વના કેટલાક સૌથી વધુ ટ્રેડ થતા ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે તે પ્રાઇસ સેટર બનશે.”

ગિફ્ટ સિટી ખાતે શરૂ કરાયેલી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)એ સીમાચિન્હરૂપ કામગીરી બજાવી છે. અત્યાર સુધીમાં કુલ ૩૧૦થી વધુ એકમોએ IFSCA હેઠળ કામગીરી શરૂ કરી છે, જેમાં દેશ- વિદેશની ટોચની કંપનીઓ, બેન્કોનો સમાવેશ થાય છે. આ એકમો મારફતે થયેલા નાણાકીય વ્યવહારોમાં અત્યાર સુધીમાં ૧૪૦ ટકા વૃદ્ધિ નોંધાઇ છે. IFSCAના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળની ૨૨ બેંકોએ આશરે ૩૨ બિલિયન યુએસ ડોલરનો એકીકૃત એસેટ બેઝ બનાવ્યો છે.

IFSCAને ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સમાં નાણાંકીય સેવાઓના બજારને વિકસાવવા-નિયમન કરવાની સત્તાઓ આપવામાં આવી હતી. માત્ર બે વર્ષમાં IFSCAએ GIFT-IFSC ને વૈશ્વિક નાણાંકીય લેન્ડસ્કેપ પર સફળતાપૂર્વક સ્થાન આપવા માટે વિવિધ પહેલ શરૂ કરી છે.

ગિફ્ટ સિટીમાં દેશનું પ્રથમ બુલિયન એક્સચેન્જ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઇન્ડિયા-ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)ના પ્રારંભ થયો છે, જે ભારતનું પ્રથમ અને વિશ્વનું છઠ્ઠું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ છે. આ એક્સચેન્જમાં સોનાની મોટા પાયે આયાત થશે. આ એક્સચેન્જમાં સોના-ચાંદીનું ટ્રેડિંગ થશે, જે રૂપિયા તેમજ ડોલરમાં થઇ શકશે. બુલિયન એક્સચેન્જમાં સોના-ચાંદીના વ્યાપાર માટે 56 ક્લોસિફાઇડ જ્વેલર્સની નોંધણી થઇ છે. આ જ્વેલર્સ દ્વારા સોનાની આયાત કરવામાં આવશે. આયાતી સોનાને IFSC અધિકૃત માન્ય વોલ્ટમાં રાખવામાં આવશે. તે પછી બુલિયન ડિપોઝિટરી રિસિટ બનાવવામાં આવશે અને તે પછી સોનામાં ટ્રેડિંગ થઇ શકશે. આ એક્સચેન્જ મારફત ભારત વિશ્વના બુલિયનનો મોટો હિસ્સો પ્રાપ્ત કરે એવી શક્યતા છે. ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો વપરાશકાર દેશ છે અને ભારતનું બુલિયન એક્સચેન્જ વૈશ્વિક સ્તરનું હોવાથી સોનાના વૈશ્વિક ભાવો પર પણ તેની અસર પડશે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ દેશમાં સોનાના નાણાકીય વ્યવહારોને વેગ આપવાની સાથે દેશમાં સોનાની કિંમતને કાર્યક્ષમ રીતે નિર્ધારિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

એનએસઇ IFSC-SGX Connect નો પ્રારંભ

દેશના બે અગ્રણી શેરબજારો નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જે ગિફ્ટ સિટી IFSCમાં ઇન્ટરનેશનલ એક્સચેન્જ એન્ડ ક્લીયરિંગ કોર્પોરેશન શરૂ કર્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) વિશ્વમાં સૌથી મોટું ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ એક્સચેન્જ છે. એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટીમાં ભારે વોલ્યુમ સાથે ટ્રેડિંગ થાય છે. વિદેશમાં સિંગાપોર એક્સચેન્જમાં SGX નિફ્ટી ઇન્ડેક્સમાં વિદેશી રોકાણકારો ટ્રેડિંગ કરે છે. સિંગાપોર એક્સચેન્જમાં નિફ્ટી કોન્ટ્રાક્ટ્સ વિદેશી રોકાણકારોમાં લોકપ્રિય છે અને એકસમયે સિંગાપોર એ્ક્સચેન્જની રેવન્યૂમાં આશરે 10 ટકા ફાળો આપ્યો હતો. SGX નિફ્ટી ઇન્ડેક્સ વિદેશી શેરબજારોની ચાલની અસર પ્રતિબિંબિત કરે છે. તેના આધારે બીજા દિવસે સવારે ભારતના શેરબજારની ચાલનું અનુમાન લગાવાય છે. ગિફ્ટ સિટીમાંથી હવે SGX નિફ્ટીનું ટ્રેડિંગ થશે. દેશના અને વિદેશના વધુ બ્રોકર્સ અને ડીલરો તેમાં સામેલ થશે,એટલે કે નિફ્ટી ઇન્ડેક્સમાં હવે મોટા પાયે વિદેશી ખેલાડીઓ સામેલ થશે અને લિક્વિડિટી વધશે, જેની GIFT-IFSC ના નાણાકીય ઇકોસિસ્ટમ પર સારી અસર પડશે અને દેશ માટે વધુ રેવન્યૂ પેદા કરશે.

ગિફ્ટ સિટી ગુજરાતનું આંતરરાષ્ટ્રીય બિઝનેસ હબ

ગિફ્ટ સિટીથી ગુજરાતને વિશ્વભરમાં નાણાકીય ક્ષેત્રમાં મોટી ઓળખ મળશે. તેથી ગિફ્ટ સિટીના વિકાસ માટે રાજ્ય સરકારે વર્ષ 2022-23ના બજેટમાં રૂ.101 કરોડની ફાળવણી કરેલી છે. ગિફ્ટી સિટીના કારણે રીયલ એસ્ટેટ અને અન્ય ઉદ્યોગોને વેગ મળશે, તેના કારણે ગાંધીનગર અને તેની આસપાસના લોકો માટે રોજગારીની તકો વધશે. ગિફ્ટ સિટીમાં નાણાકીય અને આઇટી સેવાઓ ઉપરાંત અન્ય અનેક વ્યવસાયો શરૂ થવાના હોવાનું કહેવાય છે. જેવા કે, એરક્રાફટ લિઝીંગ અને શિપ લીઝીંગ બિઝનેસ એક્ટીવીટીઝ, ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિર્માણાધિન ઇન્ટરનેશનલ મેરિટાઇમ કલસ્ટર, ઓફ શોર ફંડ બિઝનેસ. વગેરે.