અમદાવાદમાં ખોખરા ઓવર બ્રિજ, કાંકરિયા રેલવે ટ્રેક સહિત રૂ. 187 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

અમદાવાદમાં ખોખરા ઓવર બ્રિજ, કાંકરિયા રેલવે ટ્રેક સહિત રૂ. 187 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

અમદાવાદઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં આજે ₹. ૧૮૭ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યું હતું. ખોખરા ઓવર બ્રિજ, કાંકરિયા રેલવે ટ્રેક, રીડેવલપ થયેલો પરિમલ ગાર્ડન વગેરેના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જે વિકાસકાર્યોનુ ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ તેવી કાર્યસંસ્કૃતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમે અપનાવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં ગુજરાતે સર્વાંગીણ વિકાસ હાથ ધર્યો છે. બે દાયકા અગાઉ રાજ્યમાં MSMEની સંખ્યા ૨.૭૪ લાખ હતી જે આજે ૮.૬૬ લાખ થઈ છે. જ્યારે ૨૦ વર્ષ અગાઉ રાજ્યમાં થતું ૧.૨૭ લાખ કરોડનું ઔદ્યોગિક ઉત્પાદન આજે ૧૬.૧૯ લાખે પહોંચ્યું છે.

રાજ્યમાં વિકાસકાર્યો વિશે માહિતી આપતા મુખ્યપ્રધાને કહ્યું હતું કે, ગુજરાતમાં રોડ, રસ્તા, વીજળી, પાણી, જેવી પાયાની જરૂરિયાતોની સરળ કનેક્ટિવિટીની સવલતોએ ઔદ્યોગિક રોકાણકારોને આકર્ષ્યા છે. આજે રાજ્યના દરેક જિલ્લામાં લઘુ અને મોટા ઔધોગિક એકમો કાર્યરત બન્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

અમદાવાદ શહેર સુનિયોજિત વ્યવસ્થાપનના પરિણામે વિકાસ પામ્યું છે તેમ જણાવી શહેરના ઉત્તરોત્તર વિકાસની ભાવિ રૂપરેખાનુ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, આઝાદી મળ્યાના વર્ષો સુધી આઝાદી દિન જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ફક્ત સરકારી કાર્યક્રમ બની રહી હતી.પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવી ઉજવણી આજે રાષ્ટ્રીય તહેવાર તરીકે સૌ કોઈ ઉમંગથી ઉજવે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા “હર ઘર તિરંગા” અભિયાનમાં આજે જન-જન જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવથી પર જઈને લોકો હર્ષોલ્લાસ પૂર્વક જોડાઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનમાં લોકોને જોડાવવા અનુરોધ કર્યો હતો.

શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રીએ નાગરિકો સાથે ઉત્સાહભેર જોડાઈને દેશભક્તિનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

લોકાર્પણ કાર્યો ઉપરાંત પિન્ક ટોયલેટ, દાણીલીમડામાં આકાર પામનાર લીલાધર કોમ્યુનિટી હોલ અને વીરમાયાનગર આવાસોનું રીડેવલપમેન્ટ કાર્ય, બાપુનગર શેલ્ટર હોમ અને ઠક્કરબાપાનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ખાતમુહૂર્ત કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતુ.

દેશ ગુજરાત