સટ્ટાબજારના મતે ગુજરાતમાં મોટા માર્જિનથી ભાજપની જીત નિશ્ચિત, હિમાચલમાં ભાજપ રિપિટ  

મુંબઈઃ  ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગઇકાલે ગુરુવારે જાહેરાત થઈ તે સાથે સટ્ટા બજારે પણ પોતાનું આકલન જાહેર કર્યું છે. મુંબઈના અને ગુજરાતના સટ્ટા બજારે ગુજરાતમાં ભાજપની મોટાપાયે જીતનો અંદાજ વ્યક્ત કર્યો છે. સટ્ટા બજારના મતે આ વખતે ગુજરાતમાં ભાજપ બે દાયકાના ઈતિહાસની સૌથી વધુ બેઠકો મેળવશે. આ અંદાજ મુજબ હિમાચલમાં પણ ભાજપ સત્તા ટકાવી રાખશે.

2002માં વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપને 127 બેઠક મળી હતી. તે સમયે મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા. મુંબઈના બુકીઓના મતે આ વખતે ભાજપ ઓછામાં ઓછી 120 બેઠકો તો જીતી જ શકે છે. જોકે, ગુજરાતના બુકીઓ માને છે કે, રાજ્યમાં આ વખતે ભાજપને ઓછામાં ઓછી 130 બેઠક મળી શકે છે.

મુંબઈના સટ્ટા બજારની ગણતરી મુજબ ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ માત્ર 15-30 બેઠકોમાં સમેટાઈ શકે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો પર જીત મળી હતી. પરંતુ આ વખતે તેની સરખામણીમાં અડધા કરતાં ઓછી બેઠકો કોંગ્રેસને મળી શકે. તે સિવાય અન્ય અને અપક્ષોને 10થી 20 બેઠક મળી શકે છે તેમ મુંબઈ સટ્ટા બજાર માને છે.

આ બજારના અંદાજ મુજબ હિમાચલ પ્રદેશમાં પણ ભાજપનું પલ્લુ ભારે છે અને ભાજપ ફરીથી સત્તા પર આવી શકે છે.

ગુજરાતના સટ્ટા બજારના મતે આ ચૂંટણીમાં ભાજપને 130 બેઠક મળી શકે છે, કોંગ્રેસને 20થી 25 બેઠકો મળી શકે છે.

May be an illustration

જોકે, બંને સટ્ટા બજારનું કહેવું છે કે, વધારે સચોટ અંદાજ ઉમેદવારોનાં નામ જાહેર થયા પછી મળી શકશે.

દેશ ગુજરાત