પીએફઆઈએ 12 જુલાઈએ પટણામાં રેલી દરમિયાન વડાપ્રધાન પર હુમલો કરવાનું કાવતરું કર્યું હતું

નવી દિલ્હીઃ   નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) તથા ઈડીના રાષ્ટ્રવ્યાપી દરોડોમાં ઝડપાયેલા પીએફઆઈના અંતિમવાદીઓએ એવી કબૂલાત કરી હોવાનું ઈડીએ જણાવ્યું છે કે, તેમના સંગઠને ગત 12 જુલાઈએ બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હુમલો કરવાનું કાવતરું કર્યું હતું.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં ઈડીએ કહ્યું કે, કોઝિકોડમાંથી પકડાયેલા પીએફઆઈ કાર્યકર શફીક પાયથેએ કબૂલાત કરી હતી કે તેના સંગઠને 12 જુલાઈએ બિહારમાં વડાપ્રધાનને નિશાન બનાવવાનું કાવતરું કર્યું હતું. આ માટે એક ટીમ તૈયાર કરવામાં આવી હતી અને એ ટીમને કેરળમાં તાલીમ પણ આપવામાં આવી હતી. વડાપ્રધાન વિરુદ્ધના કાવતરા માટે નાણા આપવામાં શફીક પાયથે પણ સામેલ હતો.

તપાસ એજન્સીઓએ જણાવ્યું છે કે, એક વર્ષમાં પીએફઆઈના ખાતામાં રૂપિયા 120 કરોડ જમા થયા હતા. તે સિવાય આના કરતાં બમણી રકમ રોકડ સ્વરૂપે પીએફઆઈ પાસે આવી છે.

આરોપીઓના રિમાન્ડ માગતા એજન્સીએ કોર્ટમાં કહ્યું હતું કે, પીએફઆઈને અખાતના દેશોમાંથી નાણા મળે છે. આ વર્ષે એજન્સીએ પીએફઆઈનો 120 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શફીકે પોતે અખાતમાંથી 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

એજન્સીની એફિડેવિટમાં આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે, પીએફઆઈ ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે યુવાનોને લશ્કરે તઇબા અને આઈએસઆઈએસ જેવાં આતંકવાદી સંગઠનોમાં જોડે છે.

એનઆઈએ તથા ઈડીએ સંયુક્ત રીતે ગુરુવારે મધ્યરાત્રિએ શરૂ કરેલી કાર્યવાહીમાં દેશમાં એક સાથે 15 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દરોડા પાડીને પીએફઆઈના 106 અંતિમવાદીઓને ઝડપી લીધા હતા. પીએફઆઈના ઈતિહાસ અંગે દેશ ગુજરાતે પણ 24 સપ્ટેમ્બરે વિસ્તૃત અહેવાલ  (https://deshgujarat.com/2022/09/23/%e0%aa%aa%e0%ab%80%e0%aa%8f%e0%aa%ab%e0%aa%86%e0%aa%88%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%aa%b0%e0%aa%ae%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%a1%e0%aa%b3%e0%ab%80%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%98%e0%aa%a1%e0%ab%8b/ ) આપ્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો