રાજ્યમાં ર૦૭ જળાશયો કુલ સ્ટોરેજ કેપેસિટીના ૬૯ ટકા ભરાયાં, ૬૯ જળાશયો ૧૦૦ ટકા ભરાયાં

રાજ્યમાં ર૦૭ જળાશયો કુલ સ્ટોરેજ કેપેસિટીના ૬૯ ટકા ભરાયાં, ૬૯ જળાશયો ૧૦૦ ટકા ભરાયાં

ગાંધીનગરઃ  રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ MCM છે તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે. સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં તા.૧૦મી ઓગસ્ટ-ર૦રર ની સ્થિતીએ ૬૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૪ ટકા, મધ્યમ ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૩૧ ટકા પાણી છે. પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  બોલાવેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ માહિતી આપવામાં આવી હતી.

પાણી પુરવઠા અને સિંચાઇ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જળસંપત્તિ વિભાગે જળાશયોની તા. ૧૦ ઓગસ્ટ-ર૦રર સુધીની સ્થિતિનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કર્યુ હતું. પાણીનો આ આવરો પાછલા ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા વધારે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જળાશયોની સ્થિતિની સમીક્ષા દરમ્યાન એવા દિશાનિર્દેશ આપ્યા હતા કે જે વિસ્તારોમાં વરસાદ વધુ પડે છે અને પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બાંધી આવું પાણી રોકીને જળસંગ્રહ-જળસંચય કરી શકાય. તેમણે એવી પણ સૂચના આપી હતી કે હાલ જ્યાં વરસાદ પડેલો છે ત્યાં સિંચાઇ થઇ શકે તે માટે જરૂરિયાત મુજબ સિંચાઇ યોજનાના કામો પણ સત્વરે હાથ ધરાવા જરૂરી છે.

આ સમીક્ષા બેઠકમાં રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતાં જણાવવામાં આવ્યું કે, કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવામાં આવેલા વિવરણમાં સિંચાઇ-જળસંપત્તિ વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે ર૦૬ જળાશયો છે તેમાંથી ૧૦૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૬૯, ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૧ર, ૭૦ થી ૮૦ ટકા સુધીના ૧૦ તેમજ પ૦ થી ૭૦ ટકા સુધીના ૩પ અને પ૦ ટકા સુધીના ૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

બેઠકમાં જણાવાયું હતું કે રાજ્યના જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના ૬ર જળાશયોમાં આગામી ઓગસ્ટ-ર૦ર૩ સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

વરસાદની સ્થિતિની સમીક્ષા સંદર્ભમાં માહિતી આપવામાં આવી કે રાજ્યમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે.  રાજ્યના ૩૩ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે.

દેશ ગુજરાત