નર્મદા ડેમની સપાટી ૧૩૩.૯૫ મીટરે; ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા ૨૫ દિવસથી ૨૦ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન

નર્મદા ડેમની સપાટી ૧૩૩.૯૫ મીટરે; ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા ૨૫ દિવસથી ૨૦ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન

કેવડિયાઃ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૧૨ મી ઓગષ્ટ, ૨૦૨૨ ને શુક્રવારના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે ૧૩૩.૯૫ મીટરે નોંધાઈ છે. અને દર કલાકે આશરે સરેરાશ ૦૩ થી ૦૪ સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ડેમમાં આશરે સરેરાશ ૧.૮૦ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૭૮૬૧ મિલિયન ક્યુબીક મીટર (MCM) નોંધાયું છે. આ સંદર્ભમાં અગમચેતી પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે અને સંબંધકર્તા તમામ વિભાગોને સાવચેતી રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં આશરે છેલ્લા ૨૫ દિવસથી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯ મીટરે હતી. હાલમાં છેલ્લા ૨૫ દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતની ૨૦ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૪ કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં આજની સ્થિતિએ હાલમાં ૪.૮ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત છે તેમજ આજથી સરેરાશ રૂા.૯૮ લાખની કિંમતનુ ૪.૮ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૨૦ હજાર ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

દેશ ગુજરાત