ડેમ – નદીઓમાં પાણીની ભરપૂર આવક, અધિકારીઓને સતર્ક રહેવા તાકીદ, રજાઓ પણ રદ્દ
August 19, 2022
ગાંધીનગરઃ સાબરમતી નદી આજે બે કાંઠે વહી રહી છે. ધરોઈ બંધમાંથી પાણીનો આવરો ઓછો થતાં ગાંધીનગરમાં સંત સરોવરના ૨૧ દરવાજામાંથી સાત દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ૧૪ દરવાજા ખુલ્લા રાખીને હજુ પણ ૩૨,૨૩૦ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. લાકરોડા બેરેજ તરફથી હજુ પણ પાણીની આવક ચાલુ રહેતાં સંત સરોવરની સપાટી ઊંચી આવશે. નદી કાંઠાના ગામોમાં વસતા નાગરિકોને સલામતીના કારણોસર કાંઠા વિસ્તારમાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
- ધરોઈ ડેમમાંથી ૨૩,૦૭૨ ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું છે
- સંત સરોવરના સાત દરવાજા બંધ કરાયા
- લોકોને નદી કાંઠે નહીં જવા તાકીદ
ગુરુવારે સાંજે ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ ધરોઈ બંધમાંથી ૨૩,૦૭૨ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. બુધવારની મધરાતે ધરોઈ બંધમાંથી ૬૬,૦૫૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ હવે ધરોઈ બંધમાંથી પાણી છોડવાનું ઓછું થતાં લાકરોડા બેરેજમાંથી પણ પાણી છોડવાનું ઓછું કરાયું છે. સાંજે ૬.૦૦ વાગ્યે લાકરોડા બેરેજમાંથી ૪૭,૩૬૬ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે સંત સરોવરમાં આવતા પાણીની આવક પણ ઓછી થઈ છે.
ગાંધીનગરના સંત સરોવરમાં પાણીનો આવરો વધતા ગુરુવારે પરોઢે ૫.૦૦ વાગ્યાથી સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને પાણી ફ્રી ફ્લોથી વાસણા બેરેજ તરફ છોડવામાં આવ્યું હતું. જોકે, પાણીનો આવરો ઓછો થતાં સાંજે ૬.૦૦ વાગ્યે સંત સરોવરના સાત દરવાજા બંધ કરવામાં આવ્યા છે. બાકીના ૧૪ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલીને ૩૨,૨૩૦ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. આ રીતે સંત સરોવરમાં જળ સપાટી જાળવી રાખવામાં આવશે એટલે સાબરમતી નદી હજુ પણ બે કાંઠે વહેશે.
નદીમાં પાણીની સપાટી ઊંચી રહેવાથી નાગરિકોને સલામતીના કારણોસર નદી કાંઠાથી દૂર રહેવાની તાકીદ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીના ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાના તમામ અધિકારીઓ-કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા આદેશો કરવામાં આવ્યા છે. સાબરમતી, મેશ્વો, ખારી અને વાત્રક નદી ગાંધીનગર જિલ્લામાં થઈને વહે છે. ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદ અને જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ક્યાંય પૂરની પરિસ્થિતિ સર્જાય તો જાનમાલને નુકસાન ન થાય તે માટે સાવચેત રહેવા અને આગોતરા પગલાં તરીકે જિલ્લાના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ મંજૂર નહીં કરવાના પણ આદેશો આપવામાં આવ્યા છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
