સપ્ટેમ્બરમાં જીએસટીની રૂપિયા 1.47 લાખ કરોડની રેકોર્ડ આવક

સપ્ટેમ્બરમાં જીએસટીની રૂપિયા 1.47 લાખ કરોડની રેકોર્ડ આવક

નવી દિલ્હીઃ  જીએસટીની આવક ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં આ વર્ષે 26 ટકા વધારા સાથે એક નવા રેકોર્ડ ઉપર પહોંચી છે. ગઈકાલે પૂરા થયેલા સપ્ટેમ્બર 2022ના એક મહિનામાં જીએસટીની આવક રૂપિયા 1,47,686 કરોડ થઈ હતી. તે સાથે આ સતત સાતમો મહિનો છે કે જીએસટીની આવક 1.40 લાખ કરોડથી વધુ થઈ હોય.

આયાતની આવકમાં 39 ટકાનો વધારો નોંધાયો છે. ઓગસ્ટ 2022 દરમિયાન 7.7 કરોડ બિલ જનરેટ થયા હતા, જે જુલાઈ 2022માં થયેલા 7.5 કરોડ બિલ કરતાં વધારે હતા.

સપ્ટેમ્બરમાં 20મી તારીખે એક જ દિવસનું રેકોર્ડ કલેક્શન રૂપિયા 49,453 નોંધાયું હતું. કુલ મળીને ગત મહિનામાં 8.77 લાખ ચલણ ભરાયા હતા.

સપ્ટેમ્બર 2022માં થયેલા રેકોર્ડ કલેક્શન અંગે નાણા મંત્રાલયે જણાવ્યું કે, આ બાબત દર્શાવે છે કે જીએસટી અને તેની પ્રક્રિયા હવે સરળ થઈ ગઈ છે અને વેપારીઓ કોઈ મુશ્કેલી વિના ચલણ ભરી શકે છે.

જે જીએસટી કલેક્શન થયું છે તેમાં કેન્દ્રીય હિસ્સો રૂપિયા 25,271 કરોડ, રાજ્યોનો હિસ્સો રૂપિયા 31,813 કરોડ તથા આઈજીએસટીનો હિસ્સો 80,464 કરોડ છે, તેમ કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું હતું.

દેશ ગુજરાત