રાહુલ ગાંધીએ કૃષિક્ષેત્ર માટે જીએસટી વિશે ખોટી માહિતી ફેલાવી

રાહુલ ગાંધીએ કૃષિક્ષેત્ર માટે જીએસટી વિશે ખોટી માહિતી ફેલાવી

નવી દિલ્હીઃ  રાહુલ ગાંધીએ જીએસટી મુદ્દે વધુ એક વખત ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કૃષિક્ષેત્ર અંગે ખોટી માહિતી ફેલાવતા લખ્યું કે, રાજા કા અન્યાય દેખો. ખાતર – પાંચ ટકા જીએસટી, ટ્રક્ટર- 12 ટકા જીએસટી, જંતુનાશકો- 18 ટકા જીએસટી. જ્યાં દેશનું પેટ ભરનારા ખેડૂતો પાસે ભાજપ વસૂલી કરી રહી છે, ત્યાં ભારત જોડો યાત્રા ખેડૂતોના અવાજને બુલંદ કરી રહ્યો છે. અમે ખેડૂતો સાથે હતા, છીએ અને રહીશું.

જોકે તેમની આ માહિતી ખોટી હોવાનું તરત જ સાબિત થઈ ગયું હતું.

જીએસટીના વર્તમાન દરો અનુસાર રાસાયણિક ખાતર ઉપર અગાઉ 10 ટકા વેરો હતો, પણ હવે તેના પર પાંચ ટકા જીએસટી છે. ટપક સિંચાઈ પદ્ધતિ અને સાધનો ઉપર અગાઉ 15થી 15 ટકા વેરો હતો તેના પર હવે 12 ટકા જીએસટી છે. ટ્રેક્ટરો ઉપર 16 ટકા વેરો હતો, હવે 12 ટકા જીએસટી છે, ખેતીવાડી માટે 15 એચપી સુધીના ફિક્સ સ્પીડ ડિઝલ એન્જિન અથવા સેલ્ફ લોડિંગ ટ્રેલર વગેરે ઉપર 15 ટકા વેરાની જગ્યાએ હાલ 12 ટકા જીએસટી છે, તથા પશુખાધ તૈયાર કરવા માટેનાં મશીનો, મરઘા માટેના ઈન્ક્યુબેટર વગેરે ઉપર અગાઉ 19 ટકા વેરો વસુલ કરવામાં આવતો હતો તેની સામે હાલ 12 ટકા જીએસટી લાગે છે.

જીએસટી પછી કૃષિક્ષેત્રને થયેલા આ લાભ અંગેનો ચાર્ટ રજૂ કરીને ભાજપના નેતા અમિત માલવિયએ પોતાની વાતના સમર્થનમાં જુલાઈ 2022માં ધ ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત એક અહેવાલને પણ ટાંક્યો જેમાં એસબીઆઈના એક અભ્યાસ અનુસાર અમુક ચોક્કસ કૃષિ પાકોમાં  ખેડૂતોની આવક બેવડી થઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીને જવાબ આપતા શેહજાદ પૂનાવાલાએ લખ્યું કે, યુપીએના શાસનકાળની સરખામણીમાં નરેન્દ્ર મોદી સરકારે આઠ વર્ષમાં કૃષિ પરના બજેટની ફાળવણીમાં 417 ટકાનો વધારો કર્યો છે. કિસાન સન્માન નિધિથી દેશના 12 કરોડ ખેડૂતોને લાભ મળે છે. ખાતર ઉપર 2.15 લાખ કરોડની સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને સાવ સસ્તી લોન તદ્દન સરળતાથી ઉપલબ્ધ છે.

આ સંદર્ભમાં ભાજપના એક નેતાએ એક મીડિયાનો હવાલો આપ્યો જે અનુસાર 2016થી 2019 દરમિયાન ખેડૂતો દ્વારા આપઘાતના બનાવોમાં ઘટાડો નોંધાયો હોવાનું સ્પષ્ટ થાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) નો હવાલો આપીને પ્રકાશિત આ અહેવાલ અનુસાર 2016માં 11,379 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી તેની સામે 2019માં 10,281 ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ હતી જે 10 ટકાનો ઘટાડો દર્શાવે છે.

એક અહેવાલ દ્વારા એ પણ સ્પષ્ટ થયું કે કોંગ્રેસના શાસનમાં ખાતર માટે ખેડૂતોને રૂપિયા 29,426 કરોડ સબસિડી મળતી હતી તેમાં બગણા કરતા વધારે થયો છે અને હાલ નરેન્દ્ર મોદી સરકારના સમયમાં ખેડૂતોને ખાતર ઉપર રૂપિયા 60,939 કરોડ સબસિડી મળે છે.

દેશ ગુજરાત