પાણી અને વીજળીની સ્થિતી કેવી હતી બે દશક પહેલા સૌરાષ્ટ્રમાં? ફેસબુકરે કરેલું અત્યંત રસપ્રદ આલેખન થયું વાયરલ

પાણી અને વીજળીની સ્થિતી કેવી હતી બે દશક પહેલા સૌરાષ્ટ્રમાં? ફેસબુકરે કરેલું અત્યંત રસપ્રદ આલેખન થયું વાયરલ

ગાંધીનગર: ફેસબુકર કાનજી મકવાણાની બે ફેસબુક પોસ્ટ કે જે વાસ્તવમાં 2019માં લખાયેલી હતી તે આજકાલ વાયરલ થઇ રહી છે. દરઅસલ આ બે પોસ્ટમાં કાનજીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણી અને વીજળી ક્ષેત્રે પાછલા વર્ષોમાં જે પરિવર્તન આવ્યું છે તેનું આલેખન કર્યું છે. આ આલેખન અત્યંત રસપ્રદ છે અને ખાસ કરીને યુવાનો કે જેમને બેઠા ભાણે હાડમારી વગરની સ્થિતિ પ્રાપ્ત થઇ છે તેમના માટે આ નજીકના અતીતમાં ડોકિયું કરવાનું વિશેષ જ્ઞાનપ્રદ છે.

પાણીની વાત:

૨૦૧૦માં ફેસબુક પ્રોફાઈલ બનાવી અને ૨૦૧૧-૧૨થી અહી એક્ટીવ છું. ત્યારથી અમુક લોકો એવા મારા ફ્રેન્ડલીસ્ટમાં છે કે જેઓ સતત ખુબ શિદ્દત સરકારને ટપારતા રહ્યા છે. પણ એમાં નોંધવા જેવી વાત ૨૦૧૪ પહેલા તેઓ માત્ર ગુજરાત સરકારને ટપારતા હતા, ૨૦૧૪ પછી સતત ભારત સરકારને (અને ક્યારેક ગુજરાત સરકારને) ટપારતા રહે છે. અને કેટલાક ભોળા લોકો અહી ફેસબુકમાં એમને “તટસ્થ” ગણી અહોભાવથી નમી પડે છે, એમને અહોભાવથી જોનારા લોકોને જોઈએ તો ખ્યાલ આવે કે એમાંથી મોટાભાગના “જીઓ” આવ્યા પછી અહી એક્ટીવ થનારા છે.

૨૦૦૦ની સાલ પહેલા, અમે નાના હતા ત્યારે પીવાના પાણી માટે ગામમાં ચાર પાણીના સ્ટેન્ડ હતા. એમાં અઠવાડિયે એકાદ દિવસ પાણી આવતું . ગામમાં રમતા હોઈએ અને ખબર પડે કે સ્ટેન્ડમાં પાણી આવ્યું એટલે રમત મુકીને ઘરે દોડીને કહેવા જતા, “પાણી આવે છે.”, (અમારે લાઠી-લીલીયા તાલુકાના એ સત્તર-અઢાર ગામ “ખારોપાટ” કહેવાય. તળનું-જમીનનું પાણી પી ના શકાય, અતિશય ક્ષાર વાળું, સ્વાદમાં ય ના ભાવે અને પીવાય તો સાંધા જકડાય જાય. એટલે પીવાના પાણી માટે ફરજીયાત ડેમના પાણી પર આધાર રાખવો પડે.) ગામમાં ખબર પડે કે પાણી આવ્યું એટલે અફરાતફરી મચી જાય. સ્ટેન્ડ પર લાઈનો લાગે, ઝઘડા થાય, સ્ટેન્ડથી ઘર ગામની સ્ત્રીઓની હેલ લઈને હડિયાપટ્ટી શરુ થાય. અમારા જેવા છોકરાઓને મમ્મીઓ સાયકલ પર પાણીનો કેરબો ચડાવી દે. આમ દર અઠવાડિયે પાણી આવે એટલે કમ સે કમ અડધા દિવસની મહેનત પછી પરિવાર અઠવાડિયું-દસ દિવસ પાણી પી શકે એટલું પાણી સંગ્રહ થાય. અને જે સ્ત્રીઓ કે એનો પરિવાર માથાભારે-પહોચેલો ના હોય એમને પોણો કે આખો દિવસ થાય.

એમાં ય ઉનાળામાં એવું થાય કે પંદર-પંદર દિવસ સુધી પાણી આવે જ નહિ, આખું ગામ રાહ જોઇને બેઠું હોય. રૂપિયે –ટકે પહોંચતા લોકો છકડો રીક્ષામાં અમરેલીથી પાણીના બેરલ મંગાવવાનું શરુ કરે. જયારે જેને નથી પોસાતું એ લોકો હજુ રાહ જોઇને બેઠા હોય. એમાં કોઈક છાની ખબર લઈને આવે કે ગામના ફલાણી બાજુના સીમાડે પાણીની પાઈપ થોડીક ફૂટેલી છે એમાં થોડું થોડું આગળથી પાણી ઝવતું આવે છે. આ ખબર જેને પહેલા પડે એને થોડો ફાયદો થાય બાકી જયારે ખબર ફેલાય જાય ત્યારે સવારે પાંચ વાગ્યે અંધારામાં ત્યાં સીમાડે લાઈનમાં ઉભા હોઈએ ત્યારે સાંજે પાંચ વાગે વારો આવે. પાઈપ થોડીક ફૂટેલી હોય એમાં વાટકો કે છાલિયું નાખીને આગળથી ધીમે ધીમે આવતા પાણીથી છાલિયુ ભરાય એટલે એ છાલિયું કેરબામાં નાખવાનું આમ ૨૦-૨૫ લીટરનો એક કેરબો ભરીને સાંજે અંધારામાં હું કેટલીય વાર ઘરે આવેલો છું. (વધારે મોટો કેરબો ના ચાલે, નહિ તો માથાકૂટ થાય કે આટલો મોટો ભરાય ત્યાં સુધી બીજાને રાહ જોવાની.)

પછી તો સીમાડે આવતું એ પાણી પણ બંધ થાય. વળી રાહ જોવાય. પણ ના સ્ટેન્ડે પાણી આવે કે ના એ સીમાડે ફૂટેલી પાઈપમાં. પછી ગામમાંથી રોજની ચાર પાંચ છકડો રીક્ષા અમરેલી ફેરા મારતી થાય. (અમરેલીમાં અમારા ગામની એક હોટેલ, ત્યાંથી પાણીના બેરલ ભરી લાવે.) જેમને નથી પોસાતું એ લોકોએ પણ આ બેરલ મંગાવવા પડે. અઢીસો લીટરનું એક બેરલ હોય. એના ૫૦ રૂપિયા થતા એ મને યાદ છે અને એ ટાઈમે એક દિવસની ખેતમજુરી ચાલીશ રૂપિયા હતી એ ય યાદ છે. (અને ઉનાળામાં તો મજુરી પણ ના મળતી કેમ કે ખારોપાટ, જે પાણી માણસોને ના પચતું એ ખુદ જમીનને ય ના પચતું, પિયત કરે તો જમીન રોડ જેવી થઇ જાય.) આવા લોકો પાર્ટનરશીપમાં બેરલ મંગાવે, અડધા પૈસા-અડધું પાણી. એમાં પેલી આશા ય ખરી કે આટલું પાણી સાચવી-સાચવીને વાપરીએ ત્યાં કદાચ સ્ટેન્ડે પાણી આવી જાય તો. રીક્ષામાં પાણી આવે અને એ પાણી ઉતારીએ એ દરમિયાન જરાક પાણી ઢોળાય તો જીવ કપાય જાય.

વત્તા-ઓછા અંશે સૌ ગામડાની આ જ હાલત હતી, આમ ઉનાળો નીકળે, હું ય એમ એક દિવસ નીકળ્યો ૨૦૦૫માં અમદાવાદ માટે. પણ એ પહેલા અમારા ગામમાં ઘરે ઘરે પીવાના પાણીના નળ આવી ગયા હતા. જેમાં રોજ અને ઉનાળામાં એકાંતરા કલાક પાણી આવતું. ૨૦૦૦ની સાલ પહેલા જ્યાં અમારે પાણી પીવાના ફાંફા હતા તો ૨૦૦૩-૦૪માં હું રોજ અમારા ફળિયાની જામફળી-લીંબુડી-બદામ વગેરેને આ ડેમનું પાણી પીવડાવતો.

આજે ઘરે કોઈ નળ બગડ્યો હોય એ બદલી ના નાખું ત્યાં સુધી મને ચેન ના પડે. એમાંથી ટપકીને વેડફાતી બુંદે-બુંદે જાણે માથામાં ઘા કરતી હોય લાગે. ઘરે કે ઓફિસે કે બીજી કોઈ જગ્યાએ પણ કોઈ વ્યક્તિ નળ થોડોક ય ખુલ્લો રાખે અને જોઉં તો એને અવશ્ય ટપારુ જ. જેને ટપારુ એમાંથી અમુક મારી સામે વિચિત્ર રીતે જુવે.

અને મને એ રીતે જોનારા મોટાભાગના ૧૯૯૫-૨૦૦૦ પછી દુનિયામાં એક્ટીવ થયેલા હોય છે. હાલ એક આખી પેઢી ઉછરીને તૈયાર થઇ ગઈ છે કે જેણે આવું કઈ જોયું જ નથી. આ પેઢીના વોટરોની સંખ્યા વધતી જશે અને એટલે જ ૨૦૨૨માં નહીતો ૨૦૨૭માં એકવાર તો ગુજરાતમાં આ સરકાર હારશે.

 

ઇલેક્ટ્રીસિટીની(લાઇટની) વાત:

શહેરોની વાત તો ઠીક, પણ આજે આપણે ત્યાં અમુક ગામડાના છોકરાઓને પણ પુછો કે “વીંઝણો એટ્લે શું?” તો જે ગુજરાતી ભાષામાં નબળા છે એમને ના ખબર હોય એવું બને. પણ 2000ની સાલ પહેલાની વાત કરું તો હું પ્રાથમિક સ્કૂલમાં હતો ત્યારે અમારે ગામડામાં ભાષામાં સબળા હોય કે નબળા કે સૌને ગુજરાતીના સાહેબની નહીં પણ સરકારશ્રીની સદ્કૃપા ખબર હોય જ કે, “વીંઝણો એટ્લે શું.” આર્થિક રીતે સબળા લોકો માટે “વીંઝણો એટ્લે લાઇટ ના હોય ત્યારે ઇલેક્ટ્રીક પંખાને બદલે એક પ્રકારના કાપડને તારમાં પરોવી લાકડાના હાથા સાથે એવી રીતે જોડવામાં આવેલો જુગાડ કે એ હાથથી હલાવો તો હવા ફેંકે….” અને આર્થિક રીતે નબળા લોકો માટે “વીંઝણો એટ્લે પૂઠું….જે હલાવો અને હવા ખાવ…”
અમારા ઘરમાં સૌ વચ્ચે બે સંયુક્ત ઇલેક્ટ્રીક પંખા હતા અને સાથે સૌ પાસે પોતાનું વ્યક્તિગત પૂઠું હતું. પણ સરકારશ્રી અને વીજળીખાતાની એટલી મહેરબાની કે દરેક ઉનાળાની બપોરે ઇલેક્ટ્રીક પંખા કરતાં પૂઠું વધુ ચાલતું રહેતું. બાકી ઉનાળાની રાતે તો ફળિયા કે અગાસીમાં ખાટલા નાખ્યા હોય એટ્લે પૂઠું અને પંખો બેઉ આરામમાં હોય. પણ ત્યારે ઓસરીની કોરે કેરોસીનનો દીવો-ફાનસ કે પેલી પાણી-પારાવાળી બેટરી આવતી એ ચાલુ હોય. જેણે કોઈ દી’ રાત્રે સીમ-શેઢો જોયો ના હોય એણે પણ ઘરે બેટરી તો વસાવેલી જ હોય. કેમ ટ્યૂબલાઈટો-લેમ્પો પ્રકાશ ફેંકવા માટે હોય છે એ તો છેલ્લા દોઢ-પોણા બે દાયકાથી ખબર પડી બાકી હું તો નાનો હતો ત્યારે એવું જ માનતો કે આ શો પીસ છે. અમારા ગામડાઓ માટે તો પાણીવાળી બેટરી-દીવો કે ફાનસ જ ઉજ્જવલા યોજના હતી. ભણવામાં આવતું કે ગોપાલ ક્રુષ્ણ ગોખલે મ્યુનિસિપલ દિવાની નીચે ભણીને એ કક્ષાએ પહોચ્યા તો અમને બહુ નવાઈ ના લાગતી કેમ કે અમે ય ઘરે દીવા કે બેટરીના અજવાળે જ લેશન કરતા. બાકી મને લાગે છે કે એ સમયે પંચાયતોએ જાહેર દિવા કે સ્ટ્રીટલાઈટોની જોગવાઈ ના કરી એટલે કેટલાય ચમકતા સિતારા જરાક માટે ગોખેલે થતાં-થતાં રહી ગયા. જો કે અમુક ગામડાની પંચાયતોએ આવી વ્યવસ્થા કરેલી પણ છતાં ત્યાંથી કોઈ ગોખલે કેમ ના નીકળ્યા એવા પ્રશ્ન જવાબમાં તેઓ વીજળીવિભાગ તરફ આંગળી ચિંધે કહે છે કે તાળી એક હાથે ના વાગે.

મને ‘સ્વદેશ’ ફિલ્મ બહું ગમે કેમ કે એમાં પેલા ફિલ્મવાળા ફિલ્મ બતાવવા ચરણપુર આવે છે ત્યારે લાઇટ જતી રહે છે. એ દૃશ્ય મને એટલું પોતીકું લાગે છે કે અમારે ત્યાં તો જો તમે ક્યારેય લાઇટ ગયા વિના આખી ફિલ્મ માણી લીધી તો લાગે કે સ્વર્ગ અહી જ છે, અહી જ છે, અહી જ છે.

પરિક્ષાના પેપરમાં વીજળી(ઇલેક્ટ્રીસિટી)નો વિરોધી શબ્દ પૂછાય તો જવાબમાં કસમથી “વાદળ” લખી દેવાની ઇચ્છા થતી.ચોમાસામાં તો આકાશમાં એકાદ વાદળ દેખાયું નથી કે લાઇટ કપાય નથી. એવું લાગતું કે જાણે બાદલ-બીજલી (ચંદન તો ઠીક અને પાણીની વાત તો આપણે અગાઉ એક પોસ્ટમાં કરેલી.) એક સાથે જોવા માટે “લેના હોગા જનમ હમે કઈ-કઈ બાર…”

વરસાદ હોય ત્યારે વીજળી ના હોય એ બહુ સામાન્ય વાત હતી. અને આવામાં જ્યારે આઠ-દસ દિવસની હેલી મંડાય-પવન ફૂંકાયો હોય( એમાં ક્યાંક એકાદ થાંભલો પડી ગયો હોય તો પણ) એટ્લે વરસાદ બંધ થયા પછી પણ બીજા અઠવાડિયા-દસ દિવસ સુધી લાઇટ ના આવે એવી ઘટના લગભગ દર એક-બે વર્ષે એકવાર તો બની જ જતી. એવામાં બીજું બધુ તો ચાલે પણ લોટ….-ખાવા માટે લોટ કેમ દળવો? (હું એમ તો નાનો જ છુ, ઇલેક્ટ્રીક ઘંટીની શોધ થયા પછીનો જન્મ છે મારો.) કરિયાણાની દુકાને બેસન સિવાય કોઈ તૈયાર લોટ ના મળે. (માણસ ભજીયા ય કેટલા ખાય પછી.) તો થાય એવું કે રાહ જોઈ જોઈને આખરે તપાસ થાય કે આજુબાજુના કોઈ ગામમાં કોઈએ ક્રૂડઓઇલ ચાલતા મશીનથી ચાલતી ઘંટી ચાલુ કરી છે કે કેમ? આ સંજોગોમાં બે-ચાર ગામ વચ્ચે એકાદ આવી ઘંટીતો મળી જ આવે. ત્યારે આવા કામમાં નવરી બજાર તરીકે અમારા જેવા છોકરોનો જ વારો પડે. સાયકલના કેરિયર પર અને પેડલ ઉપર વચ્ચે ખાલી પડતાં ત્રિકોણમાં પોતાના ઘરના અને આજુબાજુના એકાદ ઘરના અનાજની બાચકી ગોઠવી, જે-તે ગામ જઈ, ત્યાં આજુબાજુના બીજા ગામવાળાઑ પણ આવ્યા હોય એમાં લાઇનમાં રહીને-આ સમયે સેલીબ્રિટી બની ગયેલા ઘંટીવાળાની બધી તુમાખી સહન કરીને-આઠ-દસ કલાક પછી એ અનાજ દળાવી લાવીને ઘરે આવી એના રોટલાથી પેટ ભર્યું એ હજુ દાઢમાં તાજું છે.

ગામડે કોઈ પૂછે તો ‘ક્યારે લાઇટ નથી હોતી એના કરતાં ક્યારે લાઇટ હોય છે’ એ કહેવું બહુ ટૂંકમાં પતે. આ બધા વચ્ચે વીજળી વિભાગવાળા બિલ નિયમિત ફાડી જતાં. દરેક વખતે બિલ ભરવા માટે જે દિવસોમાં બિલ કલેક્ટ કરવાવાળો અધિકારી આવવાનો હોય ત્યારે વહેલી સવારે પંચાયતના ગેટ પાસે ગામની સૌથી મોટી નવરી આઈટમો એવા બે ચાર સેવાભાવી વ્યક્તિ પોત-પોતાનું બિલ પહેલું રાખી બેસી ગયા હોય, સૌ એને પોતાનું બિલ આપી આવે.દસ-અગિયાર વાગે પેલો અધિકારી આવે ત્યાં સુધીમાં બિલનો થપ્પો થઈ જાય. એમાં વાળી જે પેલા વ્યક્તિઓને માવો-બીડી કરાવે એનું બિલ આગળ આવી ગયું અને અમૂકે વહેલું મૂક્યું હોવા છતાં પાછળ જતું રહ્યું હોય જેની આપણને ભારતીયોને આજેપણ નવાઈ ના જ લાગે એ સાવ સ્વાભાવિક છે. એક બિલ ભરવામાં બે કલાક જેટલો સમય લાગ્યો તો સમજવાનું વહેલા છૂટયા.

પણ આ ગામડાનું આ ચિત્ર બદલાવાની શરૂઆત થઈ “જ્યોતિગ્રામ યોજના’થી, જે પછીથી વીજળી બાબતે ગામડાઓની સ્થિતિ સતત સુધરતી ગઈ, આજે આપણાં ગુજરાતનાં મોટાભાગના ગામડાઓમાં ઇલેક્ટ્રીસિટીની કેવી સુવિધા છે એ સૌ કોઈ જાણે છે જે જણાવવાની જરૂર નથી.

હાલ મારા ઘરમાં એકપણ દીવો નથી, કાચની બોટલના ઢાંકણામાં હૉલ પડી વાટ પરોવી બનાવેલા દીવા કે લોખંડના દીવા બધા કેવી રીતે ઘરમાથી ધીમે-ધીમે ગુમ થઈ ગયા એની ખબર જ ના પડી. અમદાવાદમા આવ્યા પછી તો મારે ત્યાં બેટરી ય નથી, મીણબત્તી માત્ર કોઈનો બર્થડે હોય ત્યારે જ સળગાવવાની થાય છે.

અત્યારે આટલું એ.સી.માં બેસી લખી રહ્યો છુ. પણ પેલૂ પૂઠું-બેટરી-દીવો-વાદળ-હેલી-અનાજની બાચકી-ક્રૂડઓઇલથી ચાલતી ઘંટી કઈ એમ ભૂલ્યો નથી, કદાચ ભવિષ્યમાં ભૂલી જાઉં એવું બને…એટલે થયું કે આ નોંધ કરી લેવી સારી કેમ કે અમુક વાતો ભુલવી ના જોઈએ…બાકી ભૂલવા જેવુ ઘણું છે….


વાંચકોની કોમેન્ટ્સ:

આ બેઉ પોસ્ટની કોમેન્ટમાં પણ લોકોએ પોતપોતાના સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેવા દરમિયાન કેવી હાડમારી પડતી હતી તેના અનુભવો બયાન કર્યા છે.

જેમ કે એક કોમેન્ટરે લખ્યું છે કે અમારો લિલિયા વિસ્તાર ફલોરાઇડ.વાળો…ભયકંર સમસ્યા હતી પાણી ની તળ નુ પાણી પીધેલા વડીલોને ગોઠણ ના દુખાવા.હજી છે. લાઠી,લિલીયા ના આ ગામો.ખારા,કુતાણા,સનાળીયા,ઢાંગલા,ગુદરણ, પાચતલાવડા,એકલેરા,હરીપર,આસોદર,લુવારીયા, અકાળા..ની હાલત ભયંકર હતી..અહીયા ખેતર મા પિયત કર્યું હોય તો આર.સી.સી રોડ જેવી જમીન કરી નાખે…બીજા વર્ષે ઘાસ પણ ના ઉગે…યુવાન માણસ પણ કમર થી વળી જાય. આવી..ભયંકર હાલત હતી.

તો બીજા એક ભાઇએ કોમેન્ટમાં લખ્યું છે કે 983 થી 2001 સુધી આ બધું ખૂબ વેઠયું છે. અમારું ઘર રાજકોટની હદ ને બિલકુલ અડીને જ, સામે ની લાઇનના ઘરોમાં પાણી આવે અને અમારે જોવાનું. અમારો વિસ્તાર ઊંચાણવાળો અને બોર માં ચોમાસા ગયા પછી 2 મહિના પાણી આવે પછી બહારથી ભરી આવવાનું, રોજના 4-5 કેરબા ભરીને આવવાનું, મ્યુનિસિપાલિટી ના પાણીના ટેન્કર આવે તો બઘડાટી બોલે, ન છૂટકે દર અઠવાડિયે વેચાતું પાણીનું ટેન્કર લેવું પડે. પાણી આવે એટલે રમત ભૂલી જવાની કારણ ઘરમાં મોટો હું અને મમ્મીની તબિયત નરમ ગરમ હોય. 🙏 અત્યારે ઘરમાં પાણીના કનેક્શનને લીધે બાળકોને આવી વાત કરીએ તો કહે એમ થોડું કોઈને ત્યાં પાણી ભરવા જવાય. (આર્થિક સ્થિતિ પણ ભાગ બજવે)

અન્ય કોમેન્ટઃ સુ.નગર જીલ્લો પણ પાણી માટે વલખાં મારતો..ટેન્કરો ગામના એકાદ કૂવામાં ઠલવાતા..ભીડનો પાર નહી…વાડીએ હમાસેથી પાણી ભરતા…હજૂયે અમૂક લોકો પાસે હમાસા સાચવેલા હશે…

-સરખોજ અનુભવ છે. પાણી, વિજળી તથા રોડ માટે.. પાણીની એવી હાલાકી હતી કે પાણી માટે પેઢીઓ જુના સંબંધો બગડી જાતા જોયા છે. જ્યારે પાણી આવે ત્યારે મને યાદ છે પુરતું સ્ટોરેજ ન હોય તો તપેલી અને વાટકા મા પણ પાણી ભરી રાખવુ પડતું. રાતના બાર વાગ્યે પણ પાણી માટે દોડા દોડી કરી છે અમે. સવારે સાત વાગ્યે લાઈટ જાય એટલે રાત્રે છ સાત વાગ્યે સિંગલ ફેઝ આવે.. નવ વાગ્યા પછી પુરી લાઈટ આવે. ગામમા થી ખેતીવાડી તથા અન્ય રોજગારી લગભગ ખલાસ થઈ ગઈ હતી અને યુવા વર્ગ તથા ખાસ કરીને કારીગર વર્ગ નુ લાઈટ ના અભાવે સ્થાળાંતર થઈ ગયુ હતુ. તાલુકા શહેર કેશોદ જવા માટે બાજુ ના ગામ સુધી પાંચ કિલોમિટર રસ્તો એવો ખખડધજ કે રિતસરની મને તો રોડની મુસાફરી ની એલર્જી થઈ ગઈ હતી. બીજા આજુ બાજુ ના કેટલાય ગામોમાંથી ગામની હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓ ભણવા આવતા તે મને યાદ છે અમુક ગામો માટે રોડજ નહોતા તેમના માટે બારેમાસ તથા અમુક ગામોના છોકરાઓ ચોમાસામાં કિલોમિટરો સુધી ગારો પાણી ખૂંદી ભણવા આવતા.. લગભગ કેશુભાઇ ના વખતથી પરિસ્થિતિ મા થોડો બદલાવ આવવાની શરુઆત થઈ હતી અને 2000 ની સાલપછી પરિસ્થિતિ મા અણધાર્યો અને ઝડપી બદલાવ આવતો જોયો. આજ અરસામાં ભણી ને ગામ છોડ્યું પડ્યુ હતુ. બાએ એટલુજ કહ્યું કે બાપના ગામમા ડુબી ન મરાય.

-આજે જ્યારે મેટ્રો સિટીમાં રહીને પણ સૌરાષ્ટ્ર મા જઈએ ત્યારે અમને એમ થાય કે આ લોકો આપડા કરતા વધારે સુખી રિતે જીવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં થોડો રોજગારી નો પ્રોબ્લેમ છે પણ એમા પણ આળશુ વૃત્તી અને લોલમ લોમ જીવનશૈલી વધારે કારણભૂત લાગે. બાકી મહેનત કરવાવાળા માટે અને ટેલન્ટેડ માટે ખાસ કઈ વાંધો હોઈ એવુ નથી દેખાતુ.

-હા ..બિલકુલ અત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓમાં જઈએ તો એમ લાગે કે ખરેખર સારી રીતે જીવે છે …બાકી એક સમયે પ્રાથમિક સુવિધાઓ અને રોજગારીના અભાવે જ ગામડા ખાલી થઇ ગયા

-અમે કચ્છ ના …પાણી ની કિંમત અમને ખબર છે.અમારે ત્યાં કોઈક ઘરમાંથી પાણી પાડવાનો અવાજ આવે તો ય વડીલો જે બહારથી નીકળ્યા હોય એને ટપારવા નો પરવાનો હોય.અને પાણી વેડફે એ વહુ ફુવડ ગણાય.અમારે તો દરેક વાતે પાણી આવે….કેવું છે તબિયત પાણી..ધંધા પાણી…હવાપાણી…મોલપાણી… ચાપાણી.. વગેરે…

-અમારે એજ પરિસ્થિતિ હતી, આખી રાત કૂઇએ બેઠા રહેતાં ઝવા પડ઼ે એનાથી ખાબૉચ્યું ભરાય પછી સિઁચીને ભરતા.

-આવી અનેક હાલાકીઓ વેઠી છે જૂની પેઢી અને વચ્ચેની પેઢીએ. રાજકોટમાં (પાણી ના વાંકે) કોઈ દીકરી નહોતું દેતું… પણ આજે લોકો પ્રશ્નો ઉઠાવે છે અને વિકાસ ગાંડો થયો છે એમ કરીને મજાક ઉડાવે છે તેઓને કેમ કરીને સમજાવવા?

-મારું પિયર તલોદ ઉનાળામાં કુવાના પાણી તળિયે પહોંચે ત્યારે દાળ ચડે નહિ ચામાં દૂધ પહેલાં નાખ્યું તો ચા ફાટી જાય હવે તો નર્મદા નું પાણી આવી ગયું છે.

-જેણે પાણી માટે વલખા માર્યા હોય તે પાણી ના એક એક ટીપાની કિંમત સમજે ..
મારા મધર ( હાલ 90 વર્ષ ઉપર )
લગ્ન કરીને અમરેલી આવ્યા તે 1947 ની સાલ હતી .. પાણી ભરવાં માટે ટાવર ચોક માંથી સોસરવા નીકળી બધા બૈરાં માથે બેડું લઈને નદીએ જઇને પાણી ભરે ..
હાડમારી વેઠે ..ઘરના વસ્તાર પ્રમાણે એક ફેરો બે ફેરા કે ત્રણ ત્રણ ફેરા માથે હાંડો, ગાગર કે ગોળી ( જે પ્રમાણમાં મોટી હોય ) ભરે…
મારા નાના વાઘણીયા ( ડાકુ ભુપત વાળું ) સ્ટેટના વહીવટદાર હતા . અધિકારી હતા ..
એટલે સ્વાભાવિક મારા મધર નો ઉછેર રજવાડાંમાં થયો હતો ..
બહાર જવા માફા વાળું ગાડું હોય .. ચંપલ પહેરાવવા પસાયતો હોય .. નિશાળ માં ભણવા જાય તો શિક્ષક ની સામે નાનકડી લાકડાની ખુરશીમાં ગોઠવાય ..
એક્વાર નાનાએ પાણી ભરી ને આવતી લાડમાં ઉછરેલી દીકરી ને જોઈ ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા .
આવું મારા મધર હજુ પણ સંભારે છે ..

-આટલા બધા પત્રકારો અને કોલમો લેખકો મા આ તમે એકલા એ આ 24 કલાક વીજળી વિષે આટલું સરસ લખ્યું ..બાકી કોઈ ને ગામડા ના લોકો ને પડતી હાડમારીઓ કે સુધારા ઓ મા કોઈ રસ નથી …માત્ર મોદી વિરોધ નો નેગેટિવ એજન્ડા લઈ ને જ બેઠા છે …ગામડા ઓ મા પતરા વાળા ઘર મા 45ડિગ્રી તાપ મા નાના બાળકો અને એ રડતા બાળકોને સાચવતી એમની માતા ઓ ની જે હાલત હતી તે તો એ ત્રાસ જેણે ભોગવ્યો હોય એને જ ખબર પડે …રાત તો ઠંડક ને લીધે જતી રહેતી પણ ઉનાળા ની એ બપોર અને ખાસ ટી વરસાદ પહેલા ના પંદર દિવસ …વરસાદ પડ્યા પછી વચ્ચે ના વિરામ વખતે નો બાફ …આ બધી સ્થિતિ જેણે અનુભવી હોય એને જ ખબર પડે ..છેલ્લા પંદર વર્ષ થી હું જાતે તો ..ઘર ગાડી અને ઓફિસ મા 24 કલાક એસી વાપરું છું ..એક દસ મિનિટ પણ તાપ મા કે એસી બહાર રહેતો નથી …પણ ગામડે જાઉ છું ત્યારે બીજા લોકો ની હાલત જોઈ ને રાજી થાઉં છે કે 24 કલાક વીજળી ને લીધે હવે નાના મા નાના છાપરા વાળો પણ પંખા વડે ગરમી થી બચી રહ્યો છે ..ગામડા ઓ મા લોકો મા કૂલર નો વપરાશ ખાસો વધ્યો છે …ફ્રિજ આવી ગયા છે ..ઠંડા પીણા આવી ગયા છે ..હવે ગરમી સામે બચવા ની ઘણી સુવિધા ઓ વધી છે …અને આ બધુ ફક્ત અને ફક્ત 24 કલાક વીજળી અને દરેક ઘર મા વીજળી ને લીધે શક્ય બન્યું છે ..

– મેં પણ પાણી – વિજળી બંનેની હાડમારી જોઈ છે, કેરોસીનના દીવા જોયા છે. આટલા વર્ષે પણ બુધવારનો ઇલેક્ટ્રીસીટીનો બંધ દિવસ યાદ છે.
એ દિવસોમાં અને આજના દિવસોમાં જમીન અસમાનનો ફરક છે, thanks to દૂરંદેશી નરેન્દ્ર મોદી.
*૧૯૮૩ની સાલનું મોડલ છું.

-લાઇન માં ઉભા રહી ને બિલ ભરવા ની વાત પર થી યાદ આવ્યું કે લાઇન ક્યાં નહોતી રાશન માટે કેરોસીન માટે દૂધ લેવા પાણી ભરવા બેંકમાં પૈસા ભરવા કે ચલણ ભરવા .મને તો એ નવાઈ લાગી કે નોટબંધી વખતે માણસો લાઈનમાં ઉભા રહેવાથી શહિદ થઈ ગયા.જાણે લાઈનમાં ઉભું રહેવું એ ભારતની જનતા માટે નવીન વસ્તુ હોય.

-પહેલાં આપણે ટીવી કે ફીજ સાથે સટેબીલાઇજર લગાડવું પડતું હતું જે થી વોલટેજ ની વધઘટ થાય તો ઉપકરણો ને નુકસાન ન થાય.આજે પાવર ક્વોલિટી,પાવર ફેક્ટર સુધરતાં ઘણી સારી છે જે થી તેની જરુર રહેતી નથી. અને ઉપકરણો ને નુકસાન થતું અટક્યું છે.

-હું રાજકોટમાં કારખાનેદાર છું
અમારે પેટર્ન અને ડાઇસનું કામકાજ છે પહેલાં કારીગરાય હતી હવે આધુનિક જમાનામાં vmc મશીનો આવી ગયા. તેમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રામ બનાવવા પડે રફીંગ-ફિનિશીંગ
જયારે પેટર્ન કે ડાઇસ મોટી હોય ત્યારે 12 કકલાક થી લઈને 18 કલાક કેવધુ સમય એકધારું મશીન ચાલે. જો લાઇટનો ઝટકો આવે તો પ્રોગ્રામ એડિટ કરવો પડે અને ફરીથી અધૂરો પ્રોગ્રામ ચાલુ કરવો પડે. પણ છેલ્લે ક્યારે પ્રોગ્રામ એડિટ કર્યો એ યાદ નથી ..
બીજું જયારે અમારા વિસ્તારમાં વીજળી જવાની હોય ત્યારે અગાવથી મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે

-દિલ્હી અને ઉત્તર ભારત ના રાજ્યો માં હાઉસિંગ સ્કીમમાં એક લાઈટ, એક પંખો, ટીવી ચાલુ રહી શકે એવા જનરેટર્સ સહિતની વ્યવસ્થા હવે પ્રચલિત છે. જેનો મેન્ટેનન્સ ચાર્જ દરેક રહેવાસી પાસેથી એડવાન્સ માં વસૂલ કરવા માં આવે છે. દુકાનો માં પણ જનરેટર રાખવું અનિવાર્ય છે.

-સરકારનું પ્રાથમિક કામ નાગરિકો માટે સુરક્ષા , ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ , હેલ્થ છે અને છેલ્લા 5 વર્ષમાં એને પ્રાથમિકતા અપાઈ જ છે. બાકી આરક્ષણ કે લૉન માફી કે એવા ગતકડાં દેશ ને ક્યારેય વિકસિત ન કરી શકે. સરકારનું કામ દેશને સ્વસ્થ , સુરક્ષિત , અને વિકસિત કરવાનું છે, નહીં કે આપણું ઘર ચલાવવાનું.

-થોડા વર્ષો પહેલા બંગાળી ભાઈ સોસાયટી માં રહેવા આવ્યા સાથે ઇનવરટર લાવેલ મેં જ્યારે કીધું કે આની જરૂર ન‌ઇ પડે પણ ભાઈ માનવાં તૈયાર નહોતા પણ થોડા દિવસ રહ્યા પછી એમને ખબર પડી કે અહીં ઇનવરટર કે જનરેટર સેટ ની જરૂર નથી મને કહે તાજુબકી બાત હૈ યહાં બીજલી જાતી હી નહીં. એસા કોઇ રાજ્ય દેખા નહીં જીસમે પાંચ સે દસ ઘંટો તક બીજલી જાતી નહીં.ધંધા ને કારણે ભાઈ ઘણા રાજ્યોમાં રહી આવેલા હતા.

-સાંજે વાળુ ટાણે લગભગ તો કેન્ડલ ડિનર જ રહેતું, બહાર ઓસરીમાં મોટા પાટલા ઉપર રોટલા મુકવાના અને વચ્ચે દિવો…
દિવાના અજવાળામાં ઉડતા ફુદા અને તેના પડછાયાની ફિલમ જોતા જોતા જ બાળપણ વિતેલુ હજી નજર સામે જ લાગે…
બા એના પિયર થી ભરત-ગુથણ કરેલા બે વિંઝણા લાવેલા જે કયાંક પટારાના તળીયે હશે…
હાલ ભલે ગમે એટલી સગવડ હોય પણ જીવનની મજા જે ત્યારે હતી એ અત્યારે તો નથી જ.

-જ્યારે દુરદર્શન પર શુક્રવારે સારી ફિલ્મ આવવાની હોય છે.
ત્યારે અમે હનુમાનજીને મનાવતા હતા કે “હે પવનપુત્ર જો આજે રાત્રે લાઈટ નહીં જાય તો અમે આવતીકાલે તમને તેલ ચડાવવા જરૂર આવીશું ”
અને ભગવાન ક્યારેક ક્યારેક અમારી પ્રાર્થના સાંભળી પણ લેતાં હતાં તે જમાનામાં

-જ્યોતિગ્રામ મોદી સાહેબની સૌથી શ્રેષ્ઠ યોજના…

-એક ભાઇએ કોમેન્ટમાં આ વિડિયો પણ મૂક્યો છે.