AMC દ્વારા તળાવોનું ઇન્ટરલિંકિંગ અને ખારીકટ કેનાલ ડેવલપમેન્ટની મહાયોજના શરૂ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં અર્બન ફ્લડિંગની સમસ્યાના કાયમી અને વૈજ્ઞાનિક નિરાકરણ માટે પૂર્વ વિસ્તારમાં આવેલા તળાવોનું ઇન્ટરલિંકિંગ તેમજ ખારીકટ કેનાલના નવીનીકરણની મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારત સરકારના “National Disaster Management Authority (NDMA)” હેઠળ “National Disaster Mitigation Fund (NDMF)” માટે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા સાત શહેરોમાં અમદાવાદ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ તળાવોનું ઇન્ટરલિંકિંગ તથા ખારીકટ કેનાલના નવીનીકરણની વ્યાપક કામગીરી અમલમાં મુકવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની યોગ્ય કામગીરીને પ્રોત્સાહન આપવા 27 મે 2026ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી હિતેશભાઇ કાંતિલાલ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતિ અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, દંડક શ્રી અતુલભાઈ મિશ્રા અને અન્ય અધિકારીશ્રીઓ દ્વારા ખારીકટ કેનાલની કામગીરી ખાતે વિઝિટ કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ, વસ્ત્રાલ, રામોલ હાથીજણ સહિતના વિસ્તારોમાં અર્બન ફ્લડિંગની સ્થિતિને ધ્યાનમાં રાખી વિવિધ તળાવોનું ઇન્ટરલિંકિંગ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરી અંતર્ગત કાંજીયું તળાવ, રતનપુરા તળાવ, સાત તલાવડી, રામોલ તલાવડી, ઠેકડી તલાવડી, બેટલા તલાવડી, વડુ તળાવ તેમજ વસ્ત્રાલ ગામ તળાવોનું ઇન્ટરલિંકીંગ કરી ઓવરફ્લો ગ્રેવિટી લાઈનો તેમજ સ્ટોર્મવોટર ડ્રેનેજ મારફતે વિંઝોલ પાસે આવેલા વહેળા તરફ લઇ જવામાં આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ જેમાં કાંજીયું તળાવ થી રતનપુરા તળાવ ઇન્ટરલિંકિંગ કરી 900 એમએમ ડાયા થી 1600 એમએમ ડાયાની સ્ટોર્મવોટર પાઇપલાઇન પ્રપોઝડ 2400 એમએમ ડાયાની સ્ટોર્મવોટરલાઇન સુધી લઈ જવામાં આવશે. તથા સાત તલાવડી, રામોલ તલાવડી, ઠેકડી તલાવડી, વડુ તળાવ 1200 એમએમ ડાયાથી 1600 એમએમ ડાયાની સ્ટોર્મવોટર લાઈન નાખી ઇન્ટરલિંકિંગ કરી પ્રપોઝડ 2400 એમએમ ડાયાની સ્ટોર્મવોટરલાઈન સુધી લઈ જવામાં આવશે. તથા બેટલા તલાવડી થી 900 એમએમ ડાયાની લાઈન નાખી પ્રપોઝડ 2400 એમએમ ડાયાની લાઈન સુધી લઈ જવામાં આવશે. તેમજ વસ્ત્રાલ ગામ તળાવથી ઓવરફલો 2200 એમએમ ડાયાથી 2400 એમએમ ડાયાની સ્ટોર્મવોટર લાઈન એક્સપ્રેસ હાઈવે ક્રોસ કરી વિંઝોલ તરફ આવેલ વહેળા તરફ લઈ જવામાં આવશે. આમ, 300 એમએમ ડાયાથી લઈ 2400 એમએમ ડાયાની અંદાજ કુલ 24.62 કિમી લંબાઈમાં સ્ટોર્મવોટરલાઈન તેમજ તેમજ 0.58 કિમીની લંબાઈમાં 3.5 x 2.0 મી. ના આર.સી.સી બોક્સ બનાવવાનું આયોજન હાથ ધરેલ છે. પ્રોજેક્ટની ટેન્ડર રકમ રૂ. 86,58,37,625 છે, જ્યારે મંજૂર થયેલ ટેન્ડરની રકમ રૂ. 69,09,38,424.75 છે, જે અંદાજિત રકમ કરતાં 20.20 ટકા ઓછી છે. હાલ સુધીમાં 2400 એમએમ ડાયાની આશરે 1300 મીટર લંબાઈની કામગીરી તથા આર.સી.સી. બોક્સ ડ્રેઇનની તેમજ 135 રનિંગ મીટર લંબાઈમાં રાફ્ટની કામગીરીના મહત્વપૂર્ણ તબક્કાઓ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 3.5 x 2.0 મીટરના આર.સી.સી. બોક્સ ડ્રેઇનની 581 મીટર લંબાઈ પૈકી 225 મીટર લંબાઈમાં બોક્સ ડ્રેઇનની તેમજ 135 રનીંગ મીટર લંબાઈમાં રાફ્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદી સિઝનમાં તળાવોમાં પાણીનો સંગ્રહ શક્ય બનશે, ભૂગર્ભ જળ રિચાર્જમાં વધારો થશે તેમજ વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકશે. આ પ્રોજેક્ટથી અંદાજિત ૩ લાખ જેટલી વસ્તીને સીધો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા હદમાંથી પસાર થતી ખારીકટ કેનાલના નવીનીકરણ માટે ફેઝ-૧ હેઠળ નરોડા રામદેવપીર મંદિરથી વિંઝોલ વહેળા સુધીની 12,680 કિલોમીટર લંબાઈમાં કેનાલ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1337.59 કરોડ છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સિંચાઈ પાણીના વહન માટે મધ્ય રેખામાં બે આર.સી.સી. કેનાલ બોક્સ સ્ટ્રક્ચર તથા કેનાલ આસપાસના વિસ્તારોના વરસાદી પાણીના નિકાલ માટે બંને બાજુ આર.સી.સી. સ્ટોર્મ વોટર બોક્સ સ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત જરૂરીયાત મુજબ કેનાલને સમાન્તર સર્વિસ રોડ ઉપર ફ્રન્ટ લાઇનની કામગીરી, સ્ટોર્મ વોટર લાઇન નેટવર્કના એક્સ્ટેન્શન અને ઇનલેટ ચેમ્બરની કામગીરી હાથ ધરાશે.

આ પ્રોજેક્ટમાં 9.60 મીટર કેરેજ-વે, 1.20 મીટર સ્ટ્રીટ વર્જ તથા 9.60 મીટર કેરેજ-વે સાથે કુલ 12.75 કિલોમીટર લંબાઈનો ચાર માર્ગીય રોડ કોરિડોર વિકસાવવામાં આવશે. મધ્યરેખા પર સ્ટ્રીટ લાઈટ તેમજ વૃક્ષારોપણની કામગીરી પણ હાથ ધરાશે.

ખારીકટ કેનાલનું નિર્માણ આશરે 138 વર્ષ પૂર્વે સિંચાઈ વિભાગ દ્વારા પૂર્વ અને દક્ષિણ અમદાવાદના કૃષિ વિસ્તારોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે કરવામાં આવ્યું હતું. જોકે સમય જતાં શહેરીકરણના વ્યાપમાં વધારો થતાં કેનાલ આસપાસ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક વિકાસ થવાથી કેનાલ શહેરી વિસ્તારોમાં સમાઈ ગઈ હતી. ખુલ્લી કેનાલને કારણે વરસાદી પાણીના વધતા પ્રવાહ, આસપાસના વિસ્તારોમાં નુકસાન, સલામતીના પ્રશ્નો, ટ્રાફિક અવરોધ, યુટિલિટી કનેક્ટિવિટી તથા વરસાદી પાણીના નિકાલમાં વિલંબ જેવી અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી.

કેનાલ ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા બાદ સિંચાઈ અને વરસાદી પાણીનું અવરજવર વહન વધુ અસરકારક બનશે અને સિંચાઈના પાણીમાં મિશ્રિત થતી અશુદ્ધિઓ અટકાવી શકાશે. બંધ આર.સી.સી. કેનાલ કવરથી વોટર લોસમાં ઘટાડો થશે તેમજ આરોગ્ય સંબંધિત પ્રશ્નોમાં રાહત મળશે.

નીચાણવાળા વિસ્તારો જેવા કે નરોડા, નોબલનગર, ઓઢવ, નિકોલ, કૃષ્ણનગર, ઠક્કરબાપાનગર, વિરાટનગર, અબુરદાનગર, રામોલ હાથીજણ, ઇન્દ્રપુરી વગેરે વિસ્તારોમાં વરસાદી પાણીનો અસરકારક નિકાલ શક્ય બનશે. કેનાલની બંને બાજુ આવેલા ટી.પી. વિસ્તારો વચ્ચે સીધી કનેક્ટિવિટી ઉભી થતાં તમામ ટી.પી. રસ્તાઓને જોડાણ મળશે અને માર્ગ પરિવહન વધુ સરળ બનશે.

આ ઉપરાંત કેનાલ ક્રોસ કરી વિવિધ યુટિલિટી લાઈન જેવી કે પાણીની લાઈન, સ્ટ્રીટ લાઈટ, ગેસ લાઈન, ટેલિફોન લાઈન તથા ફાયર લાઈન પસાર કરવી સરળ બનશે. ભારે વરસાદ દરમિયાન કેનાલ ઓવરફ્લો થવાની સમસ્યામાં ઘટાડો થશે તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનું પણ નિરાકરણ શક્ય બનશે.

પ્રોજેક્ટ અંતર્ગત કેનાલ સમાન્તર બંને બાજુ આશરે 16.50 કિલોમીટર લંબાઈમાં ફ્રન્ટ લાઇન નેટવર્ક વિકસાવવામાં આવશે, જેના કારણે આસપાસના વિસ્તારોને શહેરના નેટવર્કનો લાભ મળશે. શહેરના પૂર્વ વિસ્તારમાં વધતા ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખી વધુ પહોળાઈ ધરાવતા ચાર માર્ગીય રસ્તાની સુવિધા ઉપલબ્ધ બનશે, જેના કારણે પૂર્વ વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે.

કેનાલની બંને બાજુ રોડ ડેવલપમેન્ટ પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં પ્લોટ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી આ બંને મહત્વપૂર્ણ કામગીરીઓ શહેરમાં અર્બન ફ્લડિંગ ઘટાડવા, વરસાદી પાણીના વૈજ્ઞાનિક સંચાલન અને શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *