‘નલ સે જલ’ અભિયાનની સફળતાઃ ઈતિહાસમાં પહેલી વખત નર્મદા જિલ્લાના સાડા ગામ સુધી પહોંચ્યું 24 કલાક શુદ્ધ પાણી
September 08, 2022
• કરજણ નદીમાં સૌર ઊર્જા આધારિત ફ્લોટિંગ સેટઅપ બનાવીને સાડા ગામના ઘરે-ઘરે પહોંચાડ્યું નલ સે જલ
• સાડા ગામના 45 પરિવારોના લગભગ 250 લોકોને મળશે 24 કલાક પાણી
ગાંધીનગર: છેલ્લા કેટલાંક મહિનાઓમાં ગુજરાતનો પાણી પુરવઠા વિભાગ નલ સે જલ અભિયાન હેઠળ રાજ્યમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાને લઇને ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં જ, ગુજરાતના એન્જિનિયરો દ્વારા એક મોટો ચમત્કાર નર્મદા જિલ્લાના સાડા ગામમાં જોવા મળ્યો છે. અનેક ભૌગોલિક પડકારો છતાં પણ આ ગામમાં 24 કલાક પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
- ભૌગોલિક રીતે ખૂબ જ પડકારજનક વિસ્તાર છે સાડા ગામ
નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના સાડા ગામની ભૌગોલિક રચના એવા પ્રકારની છે કે ત્યાં ન તો પાકા રસ્તાઓ બનાવવાની વ્યવસ્થા સંભવ છે અને ન તો ત્યાં વીજળી પહોંચાડવાની વ્યવસ્થા શક્ય છે. કરજણ નદીના કિનારે વસેલા આ ગામમાં હોડી મારફતે જ આવ-જા કરી શકાય છે. આ ગામમાં લગભગ 45 પરિવારો રહે છે અને અહીંની કુલ વસ્તી લગભગ 250 છે. અહીંયા રહેતા ગામલોકોના ઘરો પણ એકબીજાથી ઘણા દૂર રહેલા છે. આ પરિસ્થિતિમાં આ ગામના લોકો સુધી 24 કલાક નળ વાટે પાણી પહોંચાડવાનું કામ ગુજરાત સરકાર માટે ઘણું પડકારરૂપ કાર્ય હતું. આ ઉપરાંત, અંતરિયાળ વિસ્તાર હોવાને કારણે રાજ્ય સરકારની રિજિયોનલ વોટર સપ્લાય સ્કીમને અહીંયા કાર્યરત કરવી પણ શક્ય ન હતું.
આ સિવાય અન્ય એક બાબત એ હતી કે કરજણ નદીના પાણીની ટર્બિડિટી 30થી વધુ હોવાને કારણે અહીંના લોકો દૈનિક જરૂરિયાતો માટે આ નદીના પાણીનો સીધો ઉપયોગ કરી શકે એમ નહોતા. આ સમસ્યાના ઉકેલરૂપે અહીંના લોકો નદીથી થોડે દૂર લો લાઇન એરિયામાં લગભગ 50 મીટરનો ખાડો ખોદતા હતા, જેનાથી નદીનું પાણી કુદરતી રીતે ખાડામાં પડે છે અને ત્યારબાદ ગામલોકો એ પાણીનો ઉપયોગ કરતા હતા. આ બધા પડકારોને પહોંચી વળવા માટે WASMO એ ફ્લોટિંગ પ્લેટફોર્મ સેટઅપનું નિર્માણ કર્યું, જેના કારણે હવે આ ગામમાં 24 કલાક પીવાના પાણીની વ્યવસ્થા સંભવ થઈ શકી છે.
- શું છે WASMOની ફ્લોટિંગ પ્લેટફોર્મ ટેક્નીક
સોલાર પાવર આધારિત ફ્લોટિંગ પ્લેટફોર્મને કરજણ નદી ઉપર સ્થાપિત કરવામાં આવ્યું છે, જે આ નદીની ઉપર તરતું રહે છે. આ ફ્લોટિંગ પ્લેટફોર્મમાં સિંગલ ફેઝ આધારિત બે નાના સબમર્સિબલ પંપ પણ લગાવવામાં આવ્યા છે, જે પાણીની નીચે રહેલા હોય છે અને બંને પંપ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. 3 HP ક્ષમતાવાળા આ બંને પંપોમાં પાણીને 110 મીટરની ઉંચાઇ સુધી ઉપર લઇ જવાની ક્ષમતા છે.
આ પંપોના સંચાલન માટે નદીથી થોડે દૂર સૌથી ઊંચા સ્થાન પર 3 KW પ્રતિ સોલાર પેનલ ક્ષમતા સાથેની બે સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવી છે. આ સોલાર પેનલથી પ્રાપ્ત થતી ઇલેક્ટ્રિસિટીને કોપર કેબલ મારફતે નદીમાં સ્થાપિત કરેલા ફ્લોટિંગ પ્લેટફોર્મ સુધી લઈ જવામાં આવે છે અને આ રીતે બંને સબમર્સિબલ પંપોનું સંચાલન કરવામાં આવે છે. ભવિષ્યમાં આ સોલાર પેનલથી પ્રાપ્ત થતી સૌર ઊર્જાના ઉપયોગ બાદ વધારાની ઇલેક્ટ્રિસિટીનો સંગ્રહ કરવાની યોજના છે.
ફ્લોટિંગ પ્લેટફોર્મમાં લગાવવામાં આવેલા પંપો મારફતે નદીના પાણીને સૌથી ઊંચા સ્થાન પર સ્થાપિત કરવામાં આવેલા સેંડ ફિલ્ટરના બે સેટઅપ્સમાં પ્રવાહિત કરવામાં આવે છે. પ્રતિ ફિલ્ટર 2400 લીટર પ્રતિ કલાકની ક્ષમતા સાથે નદીના પાણીને શુદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ આ પાણીને બાજુમાં સ્થાપિત કરવામાં આવેલા 5000 લીટર પ્રતિ ટેન્કની ક્ષમતાવાળી બે ક્લિયર વોટર ટેન્કોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સોલાર પેનલ, સેન્ડ ફિલ્ટર અને ક્લિયર વોટર ટેન્ક આ ત્રણેયને એક જ સ્થાન પર સ્થાપિત કરવામાં આવ્યા છે. ટેન્કમાં રહેલા પાણીને બ્લીચિંગ પાઉડર દ્વારા ડિસઇન્ફેક્ટ કરીને અંતે જળ વિતરણની લાઇનો મારફતે સાડા ગામના ઘરે-ઘરે પહોંચાડવામાં આવે છે.
ક્લિયર વોટર ટેન્કોના નીચલા હિસ્સામાં પણ દસ નળ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને, આ વિસ્તારના કોઈપણ ઘરના નળમાં જો કોઈ કારણસર પાણી ન આવે તો તે પરિવાર આ ટેન્કના નીચલા હિસ્સામાં લગાવવામાં આવેલા નળમાંથી પાણી મેળવી શકે છે.
- માત્ર 15 દિવસોમાં પૂરો કરવામાં આવ્યો આ અનોખો પ્રોજેક્ટ
અનેક ભૌગોલિક અને અન્ય પડકારો છતાંપણ 16 લાખ 67 હજાર રૂપિયાના ખર્ચે નિર્મિત આ પ્રોજેક્ટને માત્ર 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું ઓવરઓલ મેનજમેન્ટ ગ્રામ્ય સ્તરે બનાવવામાં આવેલી પાણી સમિતિ કરશે તેમજ તેનું ટેક્નિકલ મેનેજમેન્ટ WASMO તરફથી કરવામાં આવશે. આ માટે તેમણે એક ટેક્નિકલ અને એક સોશિયલ સ્ટાફની પણ વ્યવસ્થા કરી છે.
નલ સે જલ અભિયાન હેઠળ ગુજરાતે 97 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે.
અનેક ભૌગોલિક અને અન્ય પડકારો છતાંપણ 16 લાખ 67 હજાર રૂપિયાના ખર્ચે નિર્મિત આ પ્રોજેક્ટને માત્ર 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યો છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
