ગાંધીનગર જિલ્લાના દશેલામાં રૂ.૧૨૮ કરોડના ખર્ચે નવનિર્મત મધુર ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરાશે
May 15, 2026
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દશેલા ગામ ખાતે આવેલ ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, મધુર ડેરીના આધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત ભાઈ શાહના વરદ હસ્તે આગામી તા. ૧૭ મે ૨૦૨૬, રવિવારના રોજ લોકાર્પણ કરાશે.
અંદાજિત રૂપિયા ૧૨૮ કરોડના ખર્ચે બનેલા આ અદ્યતન પ્લાન્ટની દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા ૨.૫ લાખ લીટર છે, જેને જરૂર મુજબ ૫.૦ લાખ લીટર પ્રતિ દિવસ સુધી વિસ્તૃત કરી શકાય છે. આ પ્લાન્ટના લોકાર્પણ બાદ મધુર ડેરીની કુલ દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ ક્ષમતા ૫.૦ લાખ લીટર પ્રતિ દિવસ સુધી વધશે, જેના કારણે મધુર ડેરી ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી સહકારી દૂધ સંઘ તરીકે ઉભરી આવશે.
નવીન ડેરી પ્લાન્ટ થકી મધુર ડેરી સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદકો તેમજ ગ્રાહકો અનેક ફાયદાઓ થશે જેમાં મુખ્યત્વે જિલ્લાના દૂધ ઉત્પાદકોનું તમામ દૂધ મધુર ડેરી પ્રોસેસ કરી શકશે, જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી શકશે, ગ્રાહકોને ગુણવત્તાયુક્ત દૂધ તથા વિવિધ દૂધની બનાવટો ઉપલબ્ધ થશે.અમુલ ફેડરેશન (GCMMF) માટે નવી દૂધની બનાવટો બનાવવા ક્ષમતા વધશે.
ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., મધુર ડેરી, અમુલ ફેડરેશન (GCMMF)સાથે સંકળાયેલી સહકારી ડેરી છે, જે જિલ્લાનાં દૂધ ઉત્પાદકોને આર્થિક વિકાસ અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત મધુર અને અમુલ બ્રાંડ હેઠળ વ્યાજબી ભાવે દૂધ ઉત્પાદનો પૂરા પાડવા માટે સતત કાર્યરત છે. મધુર ડેરીની સ્થાપના તા. ૦૬-૦૨- ૧૯૭૧ ના રોજ સહકારી કાર્યકરોના સહયોગથી માત્ર ૪ દૂધ મંડળીઓ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ મંડળીઓ દ્વારા પ્રતિદિન સરેરાશ માત્ર ૬,૪૩૩ લિટર દૂધ સંપાદન થતું હતું, જેમાં ક્રમશ: વધારો થતો રહ્યો અને હાલ પ્રતિદિન ૨,૭૬,૦૦૦ લિટર (સરેરાશ વર્ષ ૨૦૨૫-૨૦૨૬) દૂધનું સંપાદન કરવામાં આવે છે. શરૂઆતના સમયમાં મધુર ડેરીનું વાર્ષિક ટર્નઓવર માત્ર ૭ લાખ રૂપિયા જેટલું હતું. પરંતુ સતત મહેનત, ગુણવત્તાસભર સેવા અને ગ્રાહકોના વિશ્વાસના કારણે આજે મધુર ડેરીએ અદ્દભુત પ્રગતિ કરી છે. હાલમાં મધુર ડેરીનું વાર્ષિક ટર્નઓવર વધીને આશરે ૬ર૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
તાજેતર ના લેખો
- પત્રકારની નોંધપોથી - અંક 2
- પત્રકારની નોંધપોથી અંક 01
- “શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
- ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
- ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
- ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની 'વિના મૂલ્યે' નિવાસી તાલીમ
