NCRB “ક્રાઈમ ઇન ઇન્ડિયા – 2024” રિપોર્ટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB), નવી દિલ્હી દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા “ક્રાઈમ ઇન ઇન્ડિયા” પુસ્તકના આધારે વર્ષ 2024 દરમ્યાન ગુજરાત રાજ્ય તેમજ ભારતના અન્ય રાજ્યોના ગુનાહિત આંકડાઓનું તુલનાત્મક વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્તાવાર આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત સુદ્રઢ અને સુરક્ષિત છે.

વર્ષ 2024માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ 252.3 છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર 227.7 છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં હોવાથી ગુજરાત પોલીસ દ્વારા ગુના નિવારણના ભાગરૂપે પ્રોહિબિશન એક્ટ હેઠળ ખૂબ જ કડક હાથે કામગીરી કરવામાં આવે છે. રાજ્યમાં દારૂ ગાળવા, વેચવા, હેરફેર કરવા કે પીવા સંબંધિત ગુનાઓમાં પોલીસ દ્વારા સ્વતઃ સંજ્ઞાન લઈને દર વર્ષે લાખોની સંખ્યામાં કેસો દાખલ કરવામાં આવે છે. NCRBના ડેટામાં જ્યારે કુલ ગુનાઓની ગણતરી થાય છે, ત્યારે આ પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળ નોંધાયેલા સ્પેશિયલ એન્ડ લોકલ લોઝના કેસો પણ તેમાં ઉમેરાય છે. ગુજરાત પોલીસની આ સક્રિય અને કડક ડ્રાઇવના કારણે ગુના નોંધણીની સંખ્યા ઊંચી દેખાય છે, જે વાસ્તવમાં રાજ્યની સલામતી અને પોલીસની સજાગતા દર્શાવે છે. જો આ દારૂબંધીના કેસોને અલગ રાખવામાં આવે, તો ગુજરાતનો વાસ્તવિક પરંપરાગત આઈ.પી.સી./બી.એન.એસ. ગુનાઓનો રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે નીચો છે.

મહિલાઓ વિરૂદ્ધના ગુના (Crimes Against Women): મહિલા સુરક્ષા બાબતે ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે. રાષ્ટ્રીય સ્તરે મહિલાઓ વિરૂદ્ધના ગુનાનો દર 64.6 છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 22.0 છે. આ કેટેગરીમાં ગુજરાત દેશમાં 33મા સ્થાને (ખૂબ નીચો ગુનાખોરી દર) છે.

બાળકો વિરૂદ્ધના ગુના (Crimes Against Children): બાળકો વિરૂદ્ધ થતા ગુનાઓમાં રાષ્ટ્રીય સરેરાશ 42.3 સામે ગુજરાતનો ક્રાઈમ રેટ 25.8 છે અને ગુજરાત દેશમાં 29મા ક્રમે છે.

હિંસાત્મક ગુનાઓ (Violent Crimes): ખૂન, ખૂનની કોશિશ, બળાત્કાર, અપહરણ, લૂંટ અને ધાડ જેવા ગંભીર હિંસાત્મક ગુનાઓમાં રાષ્ટ્રીય સરેરાશ 52.9 ની સામે ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર 16.5 નોંધાયો છે, જેમાં ગુજરાત 31મા સ્થાને છે.

શરીર વિરૂદ્ધના ગુના (Crimes affecting Human Body): રાષ્ટ્રીય ક્રાઈમ રેટ 62.1 ની સરખામણીએ ગુજરાતમાં આ દર ઘણો ઓછો એટલે કે 24.7 છે. જે અંતર્ગત ગુજરાત 31મા ક્રમે છે.

મિલકત વિરૂદ્ધના ગુના (Crimes Against Property): ચોરી, ઘરફોડ, લૂંટ અને ધાડ જેવા ગુનાઓમાં દેશનો સરેરાશ રેટ 57.9 છે, જ્યારે ગુજરાતનો રેટ 30.4 છે. ગુજરાત આ કેટેગરીમાં 23મા સ્થાને છે.

વર્ષ 2024 દરમ્યાન ગુજરાતમાં અલગ અલગ હેડ મુજબ ક્રાઇમ રેટના આધારે અન્ય રાજ્યો સાથે સરખામણી કરતા ગંભીર ગુનાઓમાં ગુજરાતનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો ઓછો રહ્યો છે.

ખૂનના ગુના: વર્ષ 2024 માં ખૂનના ગુનાનો રાષ્ટ્રીય સરેરાશ ક્રાઈમ રેટ 1.9 છે, જેની સામે ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર 1.3 છે. આ ગુનાના ક્રાઈમ રેટમાં દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 29મા ક્રમે છે.

બળાત્કારના ગુના: વર્ષ 2024 માં બળાત્કારના ગુનાઓનો ઓલ ઇન્ડિયા ક્રાઈમ રેટ 4.3 છે, જેની સરખામણીએ ગુજરાતમાં આ ક્રાઈમ રેટ ઘણો ઓછો એટલે કે 1.9 જેટલો નોંધાયો છે. 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરખામણીમાં ગુજરાત આ કેટેગરીમાં 29મા ક્રમે છે.

અપહરણ અને અપનયન: આ પ્રકારના ગુનાઓનો સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ 6.8 છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર 1.7 છે. આ ગુનાના ક્રાઈમ રેટમાં દેશમાં ગુજરાતનું સ્થાન 26મા ક્રમાંકે છે.

ઘરફોડ: વર્ષ 2024 માં ઘરફોડના ગુનાનો ઓલ ઇન્ડિયા ક્રાઈમ રેટ 7.7 છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર 4.1 રહ્યો છે. કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત આ ગુનાના ક્રાઈમ રેટમાં 27મા સ્થાને છે.

તાજેતર ના લેખો