SVP Hospital ખાતે 1.5 વર્ષના બાળક પર દુર્લભ Oesophageal Atresia સર્જરી સફળ
April 16, 2026
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા NHL મેડિકલ કોલેજ સંચાલિત SVP Hospital ખાતે તબીબી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. અહીં 1.5 વર્ષના બાળક પર દુર્લભ જન્મજાત રોગ Oesophageal Atresia માટે જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે, જેના પરિણામે બાળકને 18 મહિના બાદ પ્રથમ વખત મોઢેથી ખોરાક અપાવવો શક્ય બન્યો છે.
મળતી માહિતી મુજબ, બાળકનો જન્મ આ ગંભીર તકલીફ સાથે થયો હતો, જેમાં અન્નનળી યોગ્ય રીતે વિકસતી નથી અને ખોરાક પેટ સુધી પહોંચતો નથી. સામાન્ય રીતે આ રોગ લગભગ 3,000થી 4,000 જન્મમાં એકવાર જોવા મળે છે. જન્મ બાદ બાળકની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અંતિમ સર્જરી શક્ય નહોતી, જેથી તબીબી ટીમે પ્રથમ તબક્કામાં બાળકને સ્ટેબિલાઇઝ કરવા માટે સારવાર શરૂ કરી હતી.
આ દરમિયાન ગેસ્ટ્રોસ્ટોમિ દ્વારા પેટમાં સીધી ફીડિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સર્વાઇકલ ઈસોફેગોસ્ટોમિ દ્વારા લાળ બહાર કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સતત તબીબી દેખરેખ હેઠળ બાળકને જરૂરી પોષણ અને તાકાત આપવામાં આવી હતી.
બાળક 1.5 વર્ષનું થતા અને તેની તબિયત સ્થિર બન્યા બાદ તબીબી ટીમે લેપેરોસ્કોપિક ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી. આ સર્જરીમાં પેટને ઉપર લાવીને ગળાની અન્નનળી સાથે જોડવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે આ સમગ્ર પ્રક્રિયા મિનિમલી ઇન્વેસિવ એટલે કે લેપેરોસ્કોપિક પદ્ધતિથી કરવામાં આવી હતી, જે ખાસ કરીને બાળકોમાં અત્યંત દુર્લભ ગણાય છે અને ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ સિદ્ધિઓમાં સ્થાન પામે છે.
સર્જરી બાદના નવમા દિવસે બાળકને મૌખિક ખોરાક અપાવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેને બાળકએ સફળતાપૂર્વક સ્વીકાર્યો હતો. આ ક્ષણ બાળકના પરિવાર માટે ખૂબ જ આનંદદાયક બની હતી.
આ સમગ્ર સારવાર પ્રક્રિયામાં ડૉ. તાહા દાગીનાવાલા, ડૉ. રામેન્દ્ર શુક્લા, ડૉ. નિસર્ગ પરીખ તથા પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. સુધીર ચંદનાના માર્ગદર્શન હેઠળ તબીબી ટીમે સંકલિત રીતે કામગીરી કરી હતી. તબીબી ટીમના જણાવ્યા મુજબ સમયસર નિદાન, યોગ્ય રિફરલ અને આયોજનબદ્ધ સારવાર દ્વારા આવા જટિલ કેસોમાં પણ સફળતા મેળવી શકાય છે.
આ સિદ્ધિ માત્ર એક કેસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાજ્યમાં અદ્યતન બાળ સર્જરી અને મિનિમલી ઇન્વેસિવ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો મજબૂત સંદેશ આપે છે. તબીબોએ નાગરિકોને સૂચના આપી છે કે નવજાત શિશુઓમાં વધુ લાળ આવવી, ખોરાક લેવામાં તકલીફ કે શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણો જણાય તો તરત જ તબીબી સલાહ લેવી જોઈએ.
આ રીતે, આ સફળ સર્જરી તબીબી વિજ્ઞાનની પ્રગતિ, નિષ્ણાતોની પ્રતિબદ્ધતા અને પરિવારની ધીરજનું ઉત્તમ પ્રતિબિંબ બની છે.
Leave a Reply
તાજેતર ના લેખો
- ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો: ગુજરાત સરકાર
- સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે મહત્વના ઠરાવો: ‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’, મુખ્ય કચેરીનું નામ ‘શ્રી તાપી ભવન’
- સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાનો પ્રારંભ: હવે કોલોનિક પોલીપની ઓપન સર્જરી વગર સારવાર શક્ય
- સેમિકન્ડક્ટર ચીપ બનાવવા માટે જરૂરી સાણંદનો માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ
- ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે?
