મુંદ્રાએ 25,000 કરોડનું ઔદ્યોગિક મૂડીરોકાણ ગુમાવ્યું
May 21, 2022
મુંદ્રાઃ છેલ્લા બે દાયકાથી બંદર તેમજ અન્ય ઔદ્યોગિક વિકાસને કારણે ઝડપી આર્થિક પ્રગતિ તરફ આગળ વધી રહેલા કચ્છના મુંદરામાં “કચ્છમિત્ર” અખબારના અહેવાલ અનુસાર 25 હજાર કરોડના મૂડીરોકાણ સાથેના બે ઉદ્યોગોએ મૂડીરોકાણ કરવાનું માંડી વાળ્યું છે. અહેવાલ અનુસાર આ બેઉ કિસ્સામાં કેટલાક સ્થાનિક બ્લેકમેલરો અને કોર્ટમાં દોડી જનારાઓની ભૂમિકા જવાબદાર મનાય છે.
મેઇક ઇન ઇન્ડિયા અને ઔદ્યોગિકીકરણની ઉદાર નીતિના કારણે એકતરફ કચ્છમાં નાના-મોટા ઉદ્યોગો આવ્યા છે, પરંતુ “ગામલોકો વાંધા ન લે અને તમારું કામ સરળ કરી આપશું” તેવા દાવા સાથે આ ક્ષેત્રના કેટલાક માથાભારે માણસોએ લાખો રૂપિયા પડાવી લીધા અને કોર્ટ કેસોની જાળમાં ફસાયેલી કંપનીઓએ પોતાના તંબુઓને સંકેલી લઇ મુંદરાને રામ રામ કરી નાખ્યા છે.
પ્રથમ કિસ્સો નવીનાળ ગામનો છે. આ ગામ નજીક આવેલી ભારત ફોર્સ, કલ્યાણી ગ્લોબલ કંપની યુદ્ધમાં વપરાતા હથિયારો ટેન્ક અને ટેન્કના પાટા સહિતનું ઉત્પાદન કરવાની નેમ ધરાવતી હતી. ભૂમિપૂજનના કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, “દેશની સરહદ ઉપર રખેવાળી કરતા નૌજવાનને હથિયારો મુંદરા પૂરાં પાડશે.” એકતરફ આ કાર્યક્રમ બાદ જમીનના ભાવો ઊંચકાયા, બીજીતરફ કેટલાક ગ્રામ્યજનોએ નદીનું વહેણ બંધ થઇ જશે, જમીનનું ઓવરલેપિંગ થાય છે જેવા મુદ્દાને લઇને કહેવાતા અન્યાય સામે હાઇકોર્ટમાં રિટ કરી અને કોર્ટે મનાઇહુકમ આપ્યો. મનાઇહુકમ મળતાં કંપનીના સૂત્રધારો ભારે નારાજ થયા અને મન બનાવી લીધું કે ગામલોકો નારાજ હોય તો આટલું મોટું મૂડીરોકાણ અમને કરવું નથી. વાસ્તવમાં કેટલાક ગ્રામ્યજનો પોતાના અંગત સ્વાર્થ ખાતર કોર્ટે ચડ્યા હતા, પણ કંપની જતી રહી.
આ કંપનીએ પાંચથી છ ગામને કાયમના માટે દત્તક લેવાની અને 10 હજાર માણસને રોજગારી આપવાની ખાતરી આપી હતી. આ આખું યુનિટ મેન્યુઅલી ચાલવાનું હતું અને સ્થાનિકોને રોજગારી આપવા સિવાય છૂટકો પણ ન હતો એવું યુનિટ હતું. સમયાંતરે સંખ્યાબંધ લોકોએ પાંચ લાખથી માંડીને 20 લાખ રૂા. ગાંઠે બાંધી લીધા, પણ જમીન સંબંધી જે પ્રશ્ન હતો એ ઉકેલાયો નહીં. નોંધપાત્ર વિગત એ પણ છે કે, રેવન્યુ અને સંબંધિત તંત્ર પણ કંપનીના સપોર્ટમાં ઊભું ન રહ્યું. આજે આ જ કંપનીએ સાણંદ પાસે પ્લાન્ટ નાખ્યો છે અને ઉત્પાદન પણ શરૂ કરી નાખ્યું છે. મુંદરાના ગ્રામ્યજનો હાથ ઘસતા રહી ગયા કેમ કે 15 હજાર કરોડ રૂા.નું મૂડીરોકાણ અન્યત્ર જતું રહ્યું.
આ ઉપરાંત રૂા. 10 હજાર કરોડના મૂડીરોકાણ સાથે કુંદરોડી પાસે આવનારી ક્રોમિની સ્ટીલ કંપની પણ વિવિધ અવરોધમાં અટવાઈ ગઈ છે અને આ કંપનીએ પણ લગભગ ઉચાળા ભરી લીધા છે. આ કિસ્સામાં મુંદરાની એક અને કુંદરોડી ગામની એક મળી માત્ર બે વ્યક્તિઓએ અધધધ રૂા. 70 લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. અહીં પણ જમીન સંબંધી જ અને કામના ઠેકા મેળવવાનો વિવાદ હતો. ભવ્ય શમિયાણામાં ચીનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ વચ્ચે થયેલું આ કંપનીનું ભૂમિપૂજન અત્યાર પૂરતું તો એળે ગયું છે. ભારત અને ચીનની કંપનીનું સંયુક્ત સાહસ હતું. ક્રોમિની સ્ટીલ કંપની પણ લગભગ જતી રહી છે. બંને કંપનીઓ વિરુદ્ધ નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ મળ્યો છે અને ન્યાયાલયના આદેશ સામે કંપનીઓ લાચાર છે.
જ્યારે વવાર ગામ સ્થિત 17 વર્ષથી કાર્યરત કાર્બન એડ્ઝ નામની કંપનીને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે બંધ કરી નાખવાની નોટિસ આપી છે. 300 શ્રમિકો ઉપર બેરોજગારીની તલવાર લટકે છે. હવાના પ્રદૂષણને કારણે અમારી ખેતી ઉપર વિપરીત અસર પડી છે તેવું જેણે કંપની વિરુદ્ધ અરજી કરી હતી એના ખેતરમાં તો વાસ્તવમાં માત્ર ગાંડો બાવળ ઊભો છે. અહીં પણ એક વ્યક્તિએ `કેસની પતાવટ કરાવી આપવા’ 25 લાખ માગ્યા હતા. ફેકટરી અત્યારે બંધ છે. જોકે વવાર ગ્રામપંચાયતના સરંપચ બાબુભાઈ ગઢવીએ મામલતદારને લખેલા પત્રમાં જણાવ્યું છે કે – કંપની ગામના વિકાસનાં કામો જનહિત અને શિક્ષણનાં કામો કરે છે. 50થી વધુ ગ્રામજનોની સહીઓ સાથેના પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગામના કેટલાક તત્ત્વો એક યા બીજી રીતે રૂપિયા પડાવવાની કોશિશ કરે છે. જ્યારે કંપનીએ જિલ્લા કલેકટરને પત્ર લખીને હેરાનગતિ થતી હોવાની ફરિયાદ કરી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચાલતી એક એનજીઓ કે જેના તાણાવાણા વિદેશી ફંડ સાથે નીકળતા હોવાની સંભાવના છે તેના લોકો કચ્છ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં જ્યાં જ્યાં ઉદ્યોગો આવવાના હોય ત્યાં પહોંચી જાય છે અને સ્થાનિક લોકોને ઉશ્કેરે છે. આ પછી લોક સુનાવણીમાં વિરોધ, કોર્ટમાં કેસ સહિતના મામલા આકાર લે છે. ભાવનગરે તો અણુ મથક પણ આવા વિરોધના પગલે ગુમાવ્યું હતું. ભૂતકાળમાં એનજીઓ ટોળકીએ માંડલ પાસે કાર પ્લાન્ટ આવે તેનો પણ વિરોધ કર્યો હતો અને છેવટે પ્લાન્ટ સાણંદ પગ કરી ગયો હતો. પછી ગામલોકોને સમજાયું હતું કે એનજીઓના રવાડે ખોટા ચડ્યા અને તત્કાલીન મુખ્યમંત્રીનો સંપર્ક કર્યો હતો કે અમારે હવે કાર પ્લાન્ટ જોઇએ છે. જો કે તેમને સંભળાવી દેવામાં આવ્યું હતું કે પ્લાન્ટ તો સાણંદ ગયો, હવે તમને તે ના મળે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
