પૈર મેં ચક્કર, મુંહ મેં શક્કર, દિલ મેં આગ, દિમાગ પે બર્ફ – અન્યથા પબ્લીક રિલેશન્સ અને કમ્યુનિકેશન ઇન્ટેન્સીવ ક્ષેત્રમાં ન ઝંપલાવો
August 20, 2023
દેશપોથી
જપન પાઠક
આને ગુજરાતીમાં પિત્તો છટક્યો કહેવાય છે. જો તમારો પિત્તો છટકતો હોય તો એટલેકે તમે શોર્ટ ટેમ્પર્ડ હોવ, અને તમારી આ પ્રકૃતિ પર તમે કોઇ સંયમ પણ ન રાખી શકતા હોવ તો તમારે કમ્યુનિકેશન અને પબ્લીક રિલેશનની જેમાં ઇન્ટેન્સીવ ગુંજાઇશ હોય તેવા કોઇ પણ કામકાજમાં ન પડવું જોઇએ.
એમાંય જો તમે ચૂંટાયેલા પ્રતિનિધિ હોવ તો તમારે શ્વાસ લીધા પછી બીજું જે સૌથી વધારે કામ કરવાનું આવે છે એ છે, કમ્યુનિકેશન અને પબ્લીક રિલેશન.
વિશેષ કરીને તમે જો ધારાસભ્ય છો, તો તમારે જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, પોલીસ, રાજ્યના મંત્રીઓ, મુખ્યમંત્રી, સ્થાનિક સાંસદ, સ્થાનિક કેન્દ્ર સરકારની ભુજાઓ, સ્થાનિક રાજ્ય સરકારની ભુજાઓ, સ્થાનિક શાળાઓ, કોલેજ, યુનિવર્સિટી તંત્ર, હોસ્પિટલ આવા થોકબંધ એકમોમાં પથરાયેલા સેંકડો લોકો સાથે સંપર્કો જાળવવા પડે છે અને કામ લેવું પડે છે તથા કઢાવવું પડે છે. તમારે હંગામી સફાઇ કર્મચારીથી લઇને જેની સહુથી સુરક્ષિત નોકરી ગણાય છે તેવા આઇએએસ બાબુ સાથે કામ લેવાનું હોય છે. તમે અધિકારી તો છો નહીં, ન જ તમે જજ છો, એટલે હુકમ તો બજાવી શકવાના નથી. દરેક જગ્યાએ કુશળતાથી કામ લેવું પડે છે. ક્યાંક કડક થઇ શકો, ક્યાંક આજીજી કરવી પડે. ચીજો હાથીની ગતિથી આગળ વધતી હોય છે અને સિસ્ટમના ગીયર્સ એક પછી એક ટ્રીગર થઇને ફરવાનું શરુ કરતા હોય છે તેથી સતત ફોલો-અપ લઇને કામ કરાવવું પડે, કેટલા તો નંબર જોડવા પડે અને કેટલી જગ્યાએ દોડી જવું પડે. આવામાં જો સ્વભાવગત પિત્તો છટકાવ્યા કરો ને રોજ દસ સંબંધ વધારવાના બદલે ઘટાડવાના ધંધા શરુ કરી દો તો તમે તો માત્ર વ્યક્તિ છો, તમને પાંચ વર્ષ પછી રિપ્લેસ કરી દેવાશે, પરંતુ જેમણે તમારા પર વિશ્વાસ મૂક્યો તે પક્ષ અને પક્ષના કારણે તમારા પર જેમણે વિશ્વાસ મૂકયો તે મતદારો લેટ ડાઉન થશે.
સેવાભાવથી કામ કરવાનું હોય ત્યાં આણે મને આમ કેમ કીધું તેવા બહાને જાહેરમાં પિત્તો છટકાવવો, ઉંમરમાં વડીલ અને પક્ષમાંય સિનિયર વ્યક્તિઓનું જાહેરમાં અપમાન કરી નાંખવું, પ્રજા તથા પ્રજા સાથેના સેતુ સમાન સમાચાર માધ્યમોના કેમેરા તકાયેલા હોય ત્યારે પણ વાણી અને વર્તન પર સંયમ ન રાખી શકવું એ તો દર્શાવે છે કે તમે તમારા રોલમાં મિસફીટ છો અને આ તમારી આખરી ટર્મ છે.
આવા પ્રતિનિધિ આવું વર્તન કરી શકે છે, કારણકે જન પ્રતિનિધિ બનવા લાંબુ મૂડીરોકાણ કર્યું હોતું નથી. ન તો પક્ષમાંથી ઉમેદવારી પોતાના બલબૂતા પર મળી હોય છે, અને ન જ તો ચૂંટાયા હોય છે સ્વબળે. આના કારણે એનો અહેસાસ જ નથી હોતો કે પોતે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેનું મહત્વ શું છે અને શિરે જવાબદારીનો ભાર શું છે. મેં એવા ધારાસભ્ય જોયા છે કે જેમનું ફરી ચૂંટાવાનું નક્કી જ હોય પરંતુ આવતી ટર્મમાં ભારે મતથી ચૂંટાવવાની તીવ્ર ખેવના ધરાવતા હોય. અને ઘરનું આંગણું ખોલી કાઢ્યું હોય અને આંગણે આવેલા એક એક વ્યક્તિને મદદ કરવા છેલ્લે સુધીના પ્રયત્નો દિલથી કરતા હોય. જેમને એમ હોય કે પક્ષથી જ ચૂંટાઇ ગયા અને પક્ષથી જ ચૂંટાઇ જઇશું, અથવા એમ હોય કે પાંચ વર્ષ બગાસુ ખાતા પતાસુ મળ્યું છે તો પતાસાને ચગળાવ્યા કરો, પછીનું જોયું જશે તેમને વળી જવાબદાર વર્તનની શું તમા હોય.
રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ અને તેના છત્ર તળેની સંસ્થાઓમાં અનેક વખત કાર્યકર્તાના ગુણ સાંભળ્યા છે – પૈર મે ચક્કર, મુંહ મે શક્કર, દિલ મે આગ, દિમાગ પે બર્ફ. આ વાક્યને જીવનમાં, આચરણમાં મૂર્તિમંત કરતા કાર્યકર્તાઓ જોયા પણ છે. તરુણ વયે વિદ્યાર્થી પરિષદ કાર્યલય પરથી મને એકનાથજી રાનડેનું પુસ્તક સેવા એજ સાધના(ગુજરાતી અનુવાદ) વાંચવા મળ્યું હતું. સેવાના કામમાં કોણે જોડાવવું જોઇએ અને કોણે નહીં તેનું વિવરણ પુસ્તકના શરુઆતી ખંડમાં જ આપેલું છે. રાજકારણ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા સહુએ આ વાંચી જવું જોઇએ.
જે શોર્ટ ટેમ્પર્ડ હોય છે તેઓ કોઇ એક પ્રસંગ પૂરતા શોર્ટ ટેમ્પર્ડ નથી હોતા. આ એક પ્રકૃતિજન્ય આચરણ છે. આજે જોવા મળ્યું તો પહેલા પણ મળ્યું હશે અને પછી પણ મળશે. વળી સ્વમાન સાચવવા પિત્તો છટકાવ્યો એવું બહાનું ટકતું નથી કારણકે સ્વમાન જ પ્રિય હોય તો ઘેર ઘેર જઇને મતના માંગણ શું કરવા કર્યા હોય વળી? ઘરે જ સુખેથી રહી શક્યા હોવ. અહીં તો કોઇની ગટર ઉભરાઇ હશે તો ય તમને ફોન જોડી દેશે અને કામ નહીં થાય તો ઉશ્કેરાઇ પણ જશે. અહીં તો અર્ધી રાત્રે ફોન કોલ આવશે કે અમારા સંબંધી અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, કૃપયા પોસ્ટ મોર્ટમ ઝડપથી કરાવવા કામે લાગશો. આ જ વાસ્તવિકતા છે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે. પદ છે જ નહીં. જવાબદારી છે.
તાજેતર ના લેખો
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું
- દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી. વિભાગ દ્વારા ૬,૬૧૭ એક્સ્ટ્રા બસો સાથે ૭ લાખથી વધુ ટિકિટો બુક કરી રૂ. ૧૬ કરોડથી વધુ આવક
- બરડા જંગલ સફારી ફેઝ-1નું ઉદઘાટન થશેઃ પ્રવાસીઓ માટે સિંહ જોવાનું નવું ઠેકાણું બનશે