વડનગર થી વિશ્વ સુધીની જીવનયાત્રાના મહાયાત્રિક – શ્રી નરેન્દ્રભાઈ મોદી
September 16, 2023
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તંદુરસ્ત સ્વાસ્થ્ય, વાણીમાં સરસ્વતી અને યશ પ્રતિભા સાથે ભારતના સર્વાંગી વિકાસ અને સનાતન ગૌરવને વિશ્વમાં પ્રતિષ્ઠિત કરતાં રહો તેવી શુભકામના.
વડનગરમાં જન્મેલા, સંઘમાં પ્રચારક તરીકે જોડાયેલા, ભાજપમાં પ્રદેશ મહામંત્રી પછી રાષ્ટ્રીય મંત્રી–મહામંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ‘વિકાસ પુરૂષ’ની છબી પછી દેશના પ્રધાનમંત્રીથી ‘વૈશ્વિક પ્રતિભા’ ઊભી કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના 73 વર્ષની જીવનયાત્રા જનહિત–દેશહિત માટે અનેક દૃષ્ટિકોણથી ફળદાયી રહી.
‘વસુદૈવકુટુમ્બકમ્’નો વિચારએ વિશ્વગુરૂ બનવાની દિશામાં એક અંગદનો પગ બની રહેશે.
20 દેશોના સંગઠન જી-20ના ભારતના અધ્યક્ષ પદે સમગ્ર વિશ્વને ‘વસુદૈવકુટૂમ્બકમ્’ સાથે જોડીને દુનિયાને ભારતની સાંસ્કૃતિક ધરોહરના દિશાદર્શન કરાવી દીધાં છે. અત્યાર સુધી દુનિયાના દેશો ‘વિશ્વને એક વ્યાપાર’ તરીકે માનતા હતાં. જયારે ભારતે ‘વિશ્વ એક પરિવાર’ તરીકેની વિચાર–ભાવના રજૂ કરીને ‘વન અર્થ–વન ફેમિલી–વન ફ્યુચર’ના સુત્ર સાથે વિશ્વ ગુરૂ બનવાની દિશામાં એક અંગદના પગની જેમ પ્રસ્થાપિત કરી દીધો છે. ઋષિમુનિઓના વેદ–ઉપનિષદના ઐતિહાસિક–ચિરંજીવીના વિચાર પાછળ સનાતની પરંપરા, પૂ.શંકરાચાર્ય, પૂ.સંતો,મહાપુરૂષો,સંઘ–પરીવારની તપશ્ચર્યા છે, પરંતુ તેની સાથે જી-20માં ‘વસુદૈવકુટુમ્બકમ્’ ના વિચારને મૂર્તિમંત કરવામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પરિશ્રમ, વિઝન, વૈશ્વિક નેતૃત્વની સ્વીકૃતિને પણ આભારી છે. તેના માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીને કોટી કોટી અભિનંદન આપીએ તો પણ ઓછા પડે. તેમના જન્મદિવસ નિમિત્તે તંદુરસ્ત સ્વાસ્થય, વાણીમાં સરસ્વતી અને યશસ્વી પ્રતિભા સાથે ભારતના સર્વાંગી વિકાસ અને સનાતન ગૌરવને વિશ્વમાં પ્રતિષ્ઠિત કરતાં રહો તેવી શુભકામના.
શ્રી નરેન્દ્રભાઈને ઓળખવા–સમજવા માટે તેમના મન–હ્યદયમાં રહેલાં વિચાર–લેખનની અનુભૂતિ કરવી પડે.
1982થી હું તેમના સંપર્ક અને સંબંધમાં આવ્યો છું. સાતત્યપૂર્ણ 41 વર્ષથી પ્રત્યક્ષ નજીકથી અને અપ્રત્યક્ષ નજીકથી અનેક પરિસ્થિતિઓમાં હું તેમની સાથે રહ્યો છું. મેં તેઓને વાંચન, લેખન અને પ્રવચન તેમજ ગૃહકાર્ય, સંઘકાર્ય અને ભાજપ–સંગઠન કાર્યથી લઈને મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીના કાર્યકાળને જોવા– જાણવાનું અને અનુભવાનું સદભાગ્ય મને મળ્યું છે. સંગઠનમાં મારી નાની–મોટી જવાબદારીના કારણે તેમના રાજકીય ગણિત–વિજ્ઞાન, સંગઠનશાસ્ત્ર–સમાજશાસ્ત્ર અને ભૂગોળ–ઈતિહાસને હું થોડા અંશે સમજી શક્યો છું. શ્રી નરેન્દ્રભાઈને ઓળખવા–સમજવા માટે તેમના મન–હ્યદયમાં રહેલાં વિચાર–લેખનની અનુભૂતિ કરવી પડે. તેમના ‘સાક્ષીભાવ’નામના પુસ્તકમાં રહેલી ગદ્ય–પદ્ય કાવ્ય રચનાઓમાં લાગણી,વેદના–સંવેદના, પ્રતિક્ષા, કરૂણા, સર્જનની ઉત્કંઠા, પ્રકૃતિ વગેરે ભાવવાહી શબ્દો અર્થમાં ડૂબકી મારો તો તમને શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનહિત–દેશહિત માટેનું દૂરંદેશી ઝનુન મળશે. જે અત્યારે કાર્યાન્વિત થઈ રહ્યું હોય તેવું લાગશે. જી-20માં આ ‘વસુદેવકુટુમ્બકમ્’ – ‘વન અર્થ–વન ફેમિલિ–વન ફ્યુચર’ સુત્રને જ્યારે મૂક્યું ત્યારે મને આ પુસ્તક યાદ આવ્યું.
40 વર્ષ પહેલાના તેમના વિચારોના પ્રગટીકરણમાં ભગવાને તેમને દિશા આપી હોય તેવી અનુભૂતિ કરવી હોય તો શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સાક્ષીભાવ’ પુસ્તકના થોડાંક શબ્દો વાંચવા જેવાં છે.
મારે તો જગતને લાગણીઓથી જોડવું છે.
મારે તો સૌની વેદનાની અનુભૂતિ કરવી છે.
મારાપણાંના અસ્તિત્વને હોમી દેવું છે.
ત્યારે જ તો હું કહું છું : મને એવી તીવ્રતા
સદાકાળ માટે કેમ નથી મળતી ?
જોને…મા, પ્રતિક્ષાની પળોની વાત પણ
મારા અંતરમનને કેટલું ઘૂંટી રહી છે. !
વિશ્વ અને ૐ સર્વે ભવન્તુ સુખિન:।
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માનવતાના દુશ્મન એવા આતંકવાદ સામે દુનિયાના દેશોને એક થવા માટેની હાંકલ કરી. વિશ્વના તમામ લોકોની શારિરીક–માનસિક અને આધ્યત્મિક શાંતિ માટે યુનોમાં ‘વિશ્વ યોગ દિવસ’નો પ્રસ્તાવ મૂક્યો. સતત નવ વર્ષથી દુનિયાના તમામ દેશોમાં વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. નરસિંહ મહેતા રચિત ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે.. આ ભજનના શબ્દો, અર્થ સમજીને દુનિયાના 124 દેશોના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ગાઈને ભારતની સાંસ્કૃતિક વિચારધારાને વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવી. આ ભાવનાને એકશનમાં લાવવામાં ભારત અગ્રેસર રહ્યું. જયારે સમગ્ર દુનિયા કોરોનાથી ભયભીત હતી. મૃત્યુનું ભયાનક તાંડવ હતું. ત્યારે ભારતે 74 દેશોમાં વેકિસન મોકલીને વિશ્વને પરિવાર માનીને તેમના આરોગ્યની ચિંતા કરવા માટેનું સેવા–સંવેદનાનું નેતૃત્વ ભારતે લીધું.
ૐ સર્વે ભવન્તુ સુખિન:। સર્વે સન્તુ નિરામયા:। સર્વે ભદ્રાણિ પશ્યન્તુ। મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્।।
સર્વ સુખી રહે,સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સર્વને શ્રેષ્ઠતાની અનુભૂતિ થાય અને સર્વત્ર શાંતિ રહે.
આ શ્લોકના ભાવાર્થ-મહિમાને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે અને હવે, વિશ્વને વસુદૈવકુટુમ્બકમ્ નો સંદેશ દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની વિશ્વમાં વિશ્વનીયતા,પ્રતિષ્ઠા,ગૌરવનો ડંકો વાગી રહ્યો છે.
વેદના અનાથ નથી હોતી અને કરૂણા કયારેય વાંઝણી નથી હોતી.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેદના અને કરૂણામાં કેટલું અંતર છે ? . તેનું નિરૂપણ તેમના સાક્ષીભાવ પુસ્તકમાં સરસ રીતે કરેલ છે. જેને આ સમજાય તેને તેમના મન અને હ્યદયના ભાવ સાથે તેમનામાં રહેલી કવિત્વની ઋજૂતાને પણ સમજી શકશે.
વેદના એ તો ક્રિયા પછીની પ્રતિક્રિયાનું પરિણામ છે.
વેદના આમ તો નકારાત્મકતાનું ફરંજદ કહેવાય ને ! .
વેદના જન્મજાત નથી હોતી,
વેદનાનો જન્મ, ઉછેર, તીવ્રતા…
સઘળું અનુભૂતિ ઉપર આધારીત હોય છે.
વેદના અનાથ નથી હોતી.
વેદના સર્જન કરશે તેની ખાતરી શું ?
કદાચ, આક્રોશને પણ જન્મ આપે.
સર્જનને નહીં પણ સંહાર દ્વારા વાંઝીયાપણું મિટાવવાનો પ્રયાસ કરે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારની અનેક યોજનાઓમાં લોકહિત માટેની કરૂણા દેખાશે. વ્યકિતના જીવનમાં સૌથી વધુ અમૂલ્ય સ્વાસ્થ્ય સુરક્ષા છે. તેમણે ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાના શુભારંભથી માંડીને જૈનરીક દવા, આરોગ્ય મેળા અને ‘આયુષ્યમાન ભારત’ યોજનામાં ગુજરાતમાં 10 લાખ સુધીની વાર્ષિક વિનામૂલ્ય સારવાર આપી છે. 80 કરોડ લોકોને દર મહિને વિનામૂલ્યે અનાજ આપીને ‘જ્યાં રોટીનો ટૂકડો ત્યાં હરિ ઢૂંકડો’ ની ભાવનાને ચરિતાર્થ કરી છે. મહિલાઓના માન–સન્માન અને સ્વાસ્થ્યના વિચાર સાથે દેશમાં 11 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું. બે–બે કિમી. પાણી ભરવા જવું પડતું તેના બદલે હવે, ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. મહિલાઓના સ્વાભિમાન–સશક્તિકરણ માટે રાજકીય અને નોકરીઓમાં 33 ટકા અનામત સહિત અનેક યોજનાઓ આપવામાં આવી. ખેડૂતોના ખાતામાં પી.એમ કિસાન સન્માન નિધી હેઠળ વાર્ષિક રૂ.6000/- આપવામાં આવે છે. વચેટીયાઓના ભ્રષ્ટાચાર દૂર કરીને દરેક યોજનાઓના લાભાર્થીઓને સીધેસીધાં ખાતામાં પૈસા આપવામાં આવે છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારમાં વંચિતો,નિરાધાર, વિધવા,દિવ્યાંગો સહિત ગરીબો અને સામાન્ય લોકોની જનસેવામાં કરૂણાભાવનો દૃષ્ટિકોણ હોય છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરૂણાભાવ, જનસેવા માટેના અથાગ પરીશ્રમ, ભારતના ગૌરવને વિશ્વમાં ઉજાગર કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
ભરત પંડયા
(લેખકઃ પૂર્વ પ્રદેશ પ્રવકતા, ભાજપ અને પૂર્વ ધારાસભ્ય)
તાજેતર ના લેખો
- દસ દિવસમાં રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 42 લાખ 75 હજાર 952 પ્રવાસીઓએ મુલાકાત લીધી
- ૨૩ નવેમ્બરે વિસનગર ખાતે રૂ.૧૦૯ કરોડના વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ યોજાશે
- સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી દ્વારા બનાવાયેલી ૮૦ વસાહતો મૂળ ગામ સાથે ભળી જશે
- કચ્છ બેઠક પછી સંઘના સરકાર્યવાહે આજે કઇ કઇ જાહેરાતો કરી?
- ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા નવી ‘વોલ્યુન્ટરી કોમ્પલાયન્સ સ્કીમ-૨૦૨૩’ અમલમાં મૂકાઈ
- હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર; દેશમાં કુલ 5899 CNG સ્ટેશનમાંથી 17 ટકા જેટલા ગુજરાતમાં
- કોરોના કાળ બાદ રાજ્યની કાર્ડિયાક હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં સરેરાશ કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળેલો નથી